21 March, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકી શ્રોફે પોતાની હિરોઇનો પૂનમ ઢિલ્લોં, મીનાક્ષી શેષાદ્રિ સાથે કરી ડિનર-પાર્ટી
પૂનમ ઢિલ્લોંએ હાલમાં મીનાક્ષી શેષાદ્રિ, મણિરત્નમનાં પત્ની અને ફિલ્મમેકર સુહાસિની રત્નમ, જૅકી શ્રોફ અને સાઉથની ઍક્ટ્રેસ નાદિયા મોઇદુ સાથે ડિનરની મજા માણી હતી. ડિનર પછી પૂનમે ઇન્સ્ટાગ્રામ પર આ મુલાકાતની કેટલીક તસવીરો શૅર કરીને બધાની સંભાળ રાખવા બદલ જૅકી શ્રોફની પ્રશંસા કરી હતી.
પૂનમ ઢિલ્લોંએ ડિનરનાં પિક્ચર્સ શૅર કરીને પોતાના મિત્રોનો આભાર માન્યો હતો. તેણે પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું, ‘આપણને મિત્રો જોઈએ છે... આપણને ઉષ્મા અને કાળજી જોઈએ છે... આપણને શૅરિંગ જોઈએ છે. આ બધું મિત્રતા જ આપણને આપે છે.’
એ પછી પૂનમ ઢિલ્લોંએ તમામ મિત્રોનો આભાર માન્યો હતો, પણ જૅકી શ્રોફનો વિશેષ આભાર માનીને લખ્યું હતું, ‘આભાર જૅકી. તું સજ્જન છે અને મહિલાઓની ખૂબ ગૌરવપૂર્વક કાળજી રાખે છે (અને હકીકતમાં અમને ડિનરનું બિલ પણ ન આપવા દીધું) અને ખાતરી કરી કે અમે બધાં યોગ્ય રીતે જમીએ. અમને અમારી ગાડી સુધી પહોંચાડ્યાં અને અમારા માટે કારનો દરવાજો પણ ખોલ્યો.’
નોંધનીય છે કે પૂનમ અને જૅકી વર્ષોથી નજીકનાં મિત્રો છે. તેમણે ૧૯૮૫ની ફિલ્મો ‘તેરી મેહરબાનિયાં’, ‘શિવા કા ઇન્સાફ’ અને ‘પાલે ખાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ડિનરમાં જૅકી અને મીનાક્ષીની કેમિસ્ટ્રી જોઈને તેમની પહેલી ફિલ્મ ‘હીરો’ની યાદ આવી ગઈ હતી.