ભાઈ ભાઈ...

07 August, 2021 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજો કોઈ ચોરી કરે તો સમજાય, પણ ગુજરાતી જ ગુજરાતીના સર્જનની ચોરી કરે એ વાત ખરેખર બહુ ખેદજનક છે. ગુજરાતીની ખુમારી અને ખુદ્દારીના દાખલા દુનિયાભરમાં અપાતા હોય ત્યારે આવા છૂટાછવાયા ગુજરાતીઓને લીધે આખી કમ્યુનિટીની છાપ બગડે છે એ કોઈએ ભૂલવું ન જોઈએ

ભાઈ ભાઈ...

ફિલ્મ ‘ભુજ - ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં મારા ‘ભાઈ ભાઈ...’ ગીતની ઉઠાંતરી કરવામાં આવી એની હવે મોટા ભાગના લોકોને ખબર છે એટલે એ જ ટોપિક પર આજે લખવાનું પસંદ કરું છું, પણ એ ટોપિક પર વાત આગળ વધારીએ એ પહેલાં મારે એક ચોખવટ કરવી છે કે મેં જે વિરોધ નોંધાવ્યો છે, જે આખી ઝુંબેશ શરૂ કરી છે એ મેં પૈસા માટે કરી જ નથી. ના, જરાય નહીં. પૈસાની મારે કોઈ જરૂર નથી અને સાથોસાથ ક્રેડિટની પણ મને ભૂખ નથી. ભગવાનની દયાથી એ બધું બહુ છે મારી પાસે. આ જે વિરોધ છે એ માત્ર ને માત્ર ગુજરાતની અસ્મિતાને અકબંધ રાખવા માટેનો છે. તમે જુઓ સાહેબ, કેટકેટલી વાર એ લોકો આવું કરી ગયા છે અને કલાકારો કે પછી ઓરિજિનલ મેકર્સને કોઈ પણ પ્રકારનો જશ આપ્યો નથી. આ કંઈ રીત છે? હું તમને 
યાદ કરાવું. 
‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય...’ જેવા સુપરહિટ ગુજરાતી ગીતથી માંડીને ઝવેરચંદ મેઘાણીની અદ્ભુત રચના ‘મન મોર બની થનગાટ કરે’, ‘સનેડો સનેડો લાલ લાલ સનેડો’, ‘નયનને બંધ રાખીને’ અને ‘છોગાળા તારા’ જેવી અઢળક ગુજરાતી રચનાને લોકગીતના નામે ચડાવીને એ બધું ફિલ્મ સૉન્ગ્સમાં કે પછી સિંગલ્સના નામે સૌકોઈએ પોતાના નામે ચડાવી દીધું છે, પણ ભલા માણસ, લોકગીત કોને કહેવાય એ તો પહેલાં જાણીને આવો. પૈસો તમારા હાથમાં હોય એટલે તમે કંઈ પણ તમારા નામે ચડાવી દો એ કેવી રીતે ચાલે? જેનો સર્જક કોણ છે એની ખબર ન હોય અને એ પછી પણ જે કળા લોકો દ્વારા જીવંત રહે એને લોકકલા કહે, પણ મેં તમને જે ગીતોના દાખલા આપ્યા એ બધાં ગીતોના તો સર્જક પણ આંખ સામે છે અને એ પછી પણ આ લોકો મન ફાવે એમ વર્તે છે. આ તો એવું થયું કે હાથી માર્કેટમાં જતો હોય અને કીડી એને જોયા કરે. ના, ભાઈ ના. એ બધું હવે પૂરું થયું હોં.
લોકો તો વિરોધ કરે, બે દિવસ બધું ચાલશે અને પછી લોકો ભૂલી જશે. આપણું કામ થઈ ગયું, આપણે ઉઠાંતરી કરી લીધીને. ના, નહીં ચાલે એવું બધું. આ માનસિકતાનો હું વિરોધી છું અને મારો વિરોધ પેલા આગિયાઓ જેવો નથી કે રાતે દેખાય ને સવારે ગાયબ થઈ જાય.
આ ટોપિક પર વાત કરતાં પહેલાં તમને પાઇરસી, કૉપી અને અપ્લાઇડ આર્ટ વિશે સહેજ સમજાવી દઉં. પાઇરસી એટલે ચોરી, તમે સીધું ગીત ઉપાડો અને એવું દર્શાવો કે આ તમારી રચના છે. બીજું છે કૉપી, કોઈ ગમતું ગીત ઉપાડીને તમે એમાં ફેરફાર કરીને તમારા નામે એ જવા દો અને ત્રીજી છે અપ્લાઇડ આર્ટ, તમે કોઈની રચનાથી ઇન્સ્પાયર થાઓ અને પછી એવી રચના તૈયાર કરો જે ઓરિજિનલ કરતાં ચાર વેંત ઉપર હોય. મારો વિરોધ પાઇરસી અને કૉપીનો છે. જો તમે ‘ભાઈ ભાઈ...’ સૉન્ગને બહુ સરસ રીતે રજૂ કર્યું હોત, મીનિંગફુલ શબ્દો સાથે સરસ ટ્યુન હોત અને તમે ઓરિજિનલને પણ ઝાંખું પાડી દે એવું સર્જન તૈયાર કરી (મારી પાસે નહીં) કોઈ પણ ગુજરાતી પાસે ગીત ગવડાવ્યું હોત તો તમને જાહેરમાં સૅલ્યુટ કરી હોત અને ગાંઠના પૈસે એનું પ્રમોશન કર્યું હોત, પણ ના, તમે ગીતની કૉપી પણ નહીં, ઝેરોક્સ કરીને પછી દાવો કર્યો કે આ તો ફોકનું ઇન્સ્પિરેશન છે.
ફોકના નામે આવી ચોરી કરો તો પછી એનો અંત ખરાબ જ આવે ભલા માણસ. જો તમને ફોક ગમતું હોય તો એની સાથે જસ્ટિસ કરો, કાનને સાંભળવું અને આંખોને જોવું ગમે એવું બનાવો. ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર બની છે, સંજય દત્ત જેવો સ્ટાર ગુજરાતી કૅરૅક્ટર કરે છે અને એ એક ગીત ગાય છે તો એ ગીત ખરેખર ગુજરાતીઓની હાય લઈને બનાવવાનું ન હોય. 
ઓરિજિનલ ‘ભાઈ ભાઈ...’ ગીતમાં મસ્તી છે, કટાક્ષ છે, સંદેશ છે, પણ તમે ફિલ્મના આ ગીતને સાંભળો. ફિલ્મ ક્રિટિક્સ કમાલ ખાને તો આ ગીતનો રિવ્યુ કરીને કહ્યું કે હવે તો આ ફિલ્મને કોઈ બચાવી નહીં શકે. આ ગીત લખ્યું છે મનોજ મુંતસીરે, જેણે ‘કેસરી’નું ‘તેરી મિટ્ટી...’ ગીત લખ્યું એ મનોજ મુંતસીરે. મને તો એમાં પણ ડાઉટ છે. આ ડાઉટ શું કામ છે એનો એક કિસ્સો કહું. દોઢેક વર્ષ પહેલાં એક ઑર્ગેનાઇઝરનો મને ફોન આવ્યો હતો કે અત્યારે મારી સાથે મિકા સિંહ છે. તે પૂછે છે કે તારા આ ગીતના શબ્દનો અર્થ શું થાય અને મેં તેને સાદી ભાષામાં સમજાવ્યું હતું કે ભાઈ ભાઈ એટલે બ્રો. 
‘ભાઈ ભાઈ...’ ગીત એવું પૉપ્યુલર થયું છે કે અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે. એક કિસ્સો મને અત્યારે યાદ આવે છે, કહું તમને.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે બીજેપીએ કૅમ્પેન માટે ‘ભાઈ ભાઈ...’ ગીત સિલેક્ટ કર્યું અને કોઈની પાસે તૈયાર કરાવી લીધું, એ સાંભળીને મોદીસાહેબે કહ્યું કે ‘આ ગીત બીજા કોઈએ ગાયું છેને.’ તેમની ટીમના મેમ્બરે હા પાડી એટલે તરત મોદીસાહેબે કહી દીધું, ‘આવું ન ચાલે, આ અરવિંદ વેગડાએ ગાયું છે તો તેની પાસે જ ગવડાવો.’ આને ખુમારી કહેવાય, પણ આ ખુમારીથી સાવ અવળી વાત કહું તમને. ‘કુંગ ફુ યોગા’ નામની હૉલીવુડની એક ફિલ્મ હતી, જેમાં જૅકી ચેન અને સોનુ સુદ હતા. એ ફિલ્મમાં પણ ‘ભાઈ ભાઈ...’ સૉન્ગ વાપરવામાં આવ્યું હતું, પણ મને ક્રેડિટ નહોતી મળી, પણ જુઓ તમે સાહેબ, એ પ્રોડ્યુસરને જ્યારે ખબર પડી ત્યારે તેણે સામેથી મને કૉન્ટૅક્ટ કર્યો. માફી માગી અને જૅકી ચેનની સાઇન સાથેનો અપોલૉજી લેટર પણ તેણે મને મોકલાવ્યો. આને ભૂલ કહેવાય અને ભૂલને સુધારી લીધી એવું કહેવાય, પણ આપણે ત્યાં આ ક્ષમતાનો અભાવ છે.
ફિલ્મ ‘રામલીલા’માં ‘ભાઈ ભાઈ...’ લેવામાં આવ્યું એટલે મેં નિર્માતા અને ડિરેક્ટરને કહ્યું તો તેમણે મારે ત્યાં નોટિસ મોકલી કે તમે અમારા નામનો દુરુપયોગ કરો છો! આ જ ફિલ્મમાં ઝવેરચંદ મેઘાણીની રચનાની પણ ચોરી કરવામાં આવી હતી અને પછી માફી માગતાં ખાસ આભાર પણ માનવો પડ્યો હતો. અફસોસની વાત એ છે કે આ બધું કરનારાઓ પણ પાછા છે તો ગુજરાતી જ. તમારા આરાધ્યદેવ કહેવાય એવા ઝવેરચંદ મેઘાણીને તમે નામ ન આપતા હોય તો હું તો બહુ નાનો માણસ છું એ સમજી શકું, પણ માતાજીની દયાથી નામના, પૈસા, પ્રસિદ્ધિ બહુ મળ્યાં છે એટલે ડરવાનું કામ મારાથી નથી થતું. કહીશ હું તમને, ગુજરાતી ગીત લો, પણ આ રીતે છેતરપિંડી કરીને નહીં. ગીત ગમતું હોય અને લેવું હોય તો ખુદ્દારી અને ખુમારી રાખો. 
સાહેબ, અમે ગુજરાતના ગુજરાતીઓ છીએ, એક પૈસો લીધા વિના જીવ આપી દઈએ એવા છીએ એ તો તમે તમારી ‘ભુજ’ ફિલ્મમાં પણ જોઈ લીધું. રણછોડ પગીની ખુમારી પણ તમે એમાં દેખાડી અને એનો અડિયલ સ્વભાવ પણ તમે એમાં દેખાડી દીધો. બસ, આટલું યાદ રાખજો. ખુમારી પણ આવડે છે અને અડિયલ થતાં પણ અમને આવડે છે. વાતની શરૂઆતમાં જ મેં તમને કહ્યું કે મારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે તમે એની સીધી તફડંચી કરી છે. એક સર્જક આવું બીજા સર્જક સાથે ક્યારેય કરે નહીં. તમે આ ગીત કોઈ સારા ગુજરાતી સિંગર પાસે ગવડાવ્યું હોત તો મારો વિરોધ ન હોત, પણ તમે તો તમારી ઔકાત દેખાડી દીધી. તમે એક ફિલ્મને ફિલ્મની જેમ નહીં, પણ પ્રોજેક્ટની જેમ ટ્રીટ કરી. હવે મને સમજાય છે કે શું કામ બેસ્ટ કહેવાય એવા લોકો તમારો વિરોધ કરતા ફરે છે. ભૂલ કરી તમે, બહુ મોટી ભૂલ કરી નાખી તમે. ખોટી જગ્યાએ હાથ નાખી દીધો તમે, ભાઈ ભાઈ... ખોટી જગ્યાએ.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

 જૅકી ચેન અને સોનુ સુદ સ્ટારર હૉલીવુડની ‘કુંગ ફુ યોગા’માં પણ ‘ભાઈ ભાઈ...’ સૉન્ગ વાપરવામાં આવ્યું હતું, પણ મને ક્રેડિટ નહોતી મળી, પણ એ પ્રોડ્યુસરને જ્યારે ખબર પડી ત્યારે તેણે સામેથી કૉન્ટૅક્ટ કર્યો, માફી માગી અને અપોલૉજી લેટર પણ મને મોકલાવ્યો. આને ખુદ્દારી કહેવાય.

columnists arvind vegda