ટોટલ ટાઈમપાસ : આલિયાનો ગુરુ બનશે હૃતિક રોશન?

19 August, 2024 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં તેમની સાથે અનિલ કપૂર અને બૉબી દેઓલ પણ દેખાશે

આલિયા ભટ્ટ, હૃતિક રોશન

આલિયા ભટ્ટની આગામી​ ફિલ્મ ‘આલ્ફા’માં તેની સાથે શર્વરી વાઘ પણ જોવા મળવાની છે. આ ફિલ્મમાં હૃતિક રોશનની પણ એન્ટ્રી થવાની છે એવું જાણવા મળ્યું છે. ફિલ્મમાં તે આલિયાના ગુરુનો રોલ કરવાનો છે ​જે આલિયાને માર્ગદર્શન પૂરું પાડશે. જોકે હજી સુધી ઍક્ટર કે મેકર્સ તરફથી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. ફિલ્મમાં આલિયા અને શર્વરીનો ઍક્શન અવતાર જોવા મળવાનો છે. ફિલ્મમાં તેમની સાથે અનિલ કપૂર અને બૉબી દેઓલ પણ દેખાશે. આ ફિલ્મ આવતા વર્ષે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મને યશરાજ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી રહ્યું છે અને સિરીઝ ‘ધ રેલવે મેન’ને ડિરેક્ટ કરનાર શિવ રવૈલ ડિરેક્ટ કરી રહ્યો છે.

૮૧ વર્ષની ઉંમરે કામ કરવાનો સવાલ પુછાતાં અમિતાભ બચ્ચને કહ્યું...- એનાથી લોકોને શું સમસ્યા છે?

અમિતાભ બચ્ચન ૮૧ વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં કામ કરે છે અને ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરે છે. એવામાં તેમને સતત સવાલ પૂછવામાં આવે છે કે તેઓ આટલી ઉંમરે કામ કેમ કરે છે? એ વિશે બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું કે ‘મને સતત પૂછવામાં આવે છે કે હું શા માટે આટલું કામ કરું છું. એનો જવાબ તો મારી પાસે પણ નથી. સિવાય એ કે મારી પાસે આ નોકરીની વધુ એક તક છે. બીજું શું કારણ હોઈ શકે? અન્ય લોકો પાસે એ તક અને સ્થિતિઓનો અલગ નિષ્કર્ષ હોઈ શકે છે. મારા સ્થાને પોતાને રાખીને જુઓ ત્યારે જાણ થશે. એવું પણ બની શકે કે તમે સાચા હો કાં તો ન પણ હો. તમને તમારો નિષ્કર્ષ કાઢવાની આઝાદી છે અને મારી પાસે કામની આઝાદી છે. મને મારું કામ આપવામાં આવ્યું. તમને જ્યારે આપવામાં આવે ત્યારે એનો જવાબ આપજો. મારું કારણ તમારી સાથે સહમત ન પણ હોય. તમે કહ્યું અને મેં સાંભળ્યું. કામ કરવાનું મારું કારણ મેં જણાવ્યું. હું કામ કરું છું તો એનાથી લોકોને તકલીફ શા માટે થાય છે? તો કામ પર લાગી જાઓ.’ 

અઢી કરોડની શાનદાર કાર ખરીદી જાહ્‍નવીએ?

જાહ્‍નવી કપૂરે અઢી કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી હોવાનું જાણવા મળ્યુ છે. તેણે ટૉયોટા લેક્સસ LM કાર ખરીદી છે. એની એક્સ-શોરૂમ કિંમત અઢી કરોડ રૂપિયા છે અને ઑન-રોડ એની કિંમત ૨.૮૭ કરોડ રૂપિયા છે. કારમાં વર્લ્ડ-ક્લાસ સુવિધાની સાથે વેન્ટિલેટેડ રિક્લાઇનર સીટ્સ, મિની રેફ્રિજરેટર અને પ્રાઇવસી પાર્ટિશન છે. જાહ્‍નવી પોતે આ કારમાં ડ્રાઇવ પર નીકળી હતી. જાહ્‍નવીની નાની બહેન ખુશી કપૂરે પણ પોતાની પસંદની કાર મર્સિડીઝ બેન્ઝ G 400d ખરીદી હતી. થોડા સમય પહેલાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પણ લેક્સસ LM કારને પોતાના કારના કલેક્શનમાં સામેલ કરી હતી.

ભારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં હૉસ્પિટલમાં ઍડ્‌‍મિટ મોહનલાલ

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની તબિયત ખરાબ થતાં તેમને કોચીની અમ્રિતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને અતિશય તાવ અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ 
હતી. તેઓ ગુજરાતમાં તેમની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘L2 એમ્પુરાન’નું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યાંથી આવ્યા બાદ તેમની તબિયત બગડી અને સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ્‌‍મિટ કરવામાં આવ્યા છે. મોહનલાલ ‘બરોઝ’ દ્વારા ડિરેક્શનમાં ઊતર્યા છે. એનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ડૉક્ટરે તેમને પાંચ દિવસ પૂરતો આરામ લેવાની અને ભીડવાળી જગ્યા પર ન જવાની સલાહ આપી છે. ૬૪ વર્ષના મોહનલાલની તબિયત વિશે માહિતી આપતાં હૉસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું કે ‘અમે ૬૪ વર્ષના મોહનલાલને એક્ઝામિન કર્યા છે. તેમને ભારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને મસલ્સમાં દુખાવાની તકલીફ હતી. તેમને વાઇરલ ઇન્ફેક્શન થયું હોવાનાં લક્ષણ છે. તેમને પાંચ દિવસ દવાની સાથે આરામ કરવાની અને ભીડમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.’

alia bhatt hrithik roshan janhvi kapoor mohanlal bollywood news bollywood gossips bollywood entertainment news