07 March, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા ચિખલિયા
વર્ષો પહેલાં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયેલી રામાનંદ સાગરની ‘રામાયણ’માં સીતાનો રોલ ભજવીને અત્યંત લોકપ્રિયતા મેળવનાર દીપિકા ચિખલિયાની ઇમેજ તેમના ફૅન્સના દિલમાં આજે ત્રણ દાયકા કરતાં વધારે સમય પછી પણ સીતામાતાની જ રહી છે. દીપિકા હવે આ ઇમેજમાં કોઈ પરિવર્તન કરવા નથી માગતાં. હાલમાં નિતેશ તિવારી બહુ મોટા પાયા પર ‘રામાયણ’ પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં છે. આ ફિલ્મમાં ‘રામાયણ’ સિરિયલમાં રામનો રોલ ભજવનાર અરુણ ગોવિલ રામના પિતા દશરથનો રોલ ભજવી રહ્યા છે, પણ દીપિકાને આ ફિલ્મનો હિસ્સો નથી બનવું. એ માટેના કારણ વિશેની સ્પષ્ટતામાં દીપિકાએ જણાવ્યું હતું કે હું સીતા તરીકે ઓળખાઉં છું અને હું સીતાની ઓળખ સાથે જ મરવાનું પસંદ કરીશ.
થોડાં વર્ષો પહેલાં મને ‘રામાયણ’ પર આધારિત સિરિયલમાં કૌશલ્યાનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો એમ જણાવતાં દીપિકાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એ સમયે હું કન્ફ્યુઝ હતી ત્યારે મારા ભાઈએ મને કહ્યું કે તને લોકો સીતા તરીકે ઓળખે છે અને તારે આ ઓળખ સાથે જ મરવું જોઈએ. જોકે ‘રામાયણ’ના આધારે જેકાંઈ બનાવવામાં આવશે એને રામાનંદ સાગરની ‘રામાયણ’ જેટલી લોકપ્રિયતા નહીં મળે. મેં ૩૫ વર્ષથી સીતા બનવાની જવાબદારી લીધી છે તો હું પછી બીજું કંઈ બનવાનો પ્રયાસ શા માટે કરું?’
પોતાની ઇમેજ વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું હતું કે ‘ભગવાનની ભૂમિકા ભજવવાથી હું ભગવાન નથી બની જવાની, પણ હું નેગેટિવ રોલ પણ ન કરી શકું. મને મોટા પ્રોડક્શન-હાઉસમાંથી એવી ઑફર મળી હતી જેમાં મારે સિગારેટ હાથમાં લઈને ઍક્ટિંગ કરવાની હતી. હું નૈતિક રીતે આવા રોલ ન કરી શકું. આને કારણે મેં ના પાડી દીધી.’