03 March, 2024 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિનેશ હિંગુ. તસવીર: અવર વડોદરા
મૂળ વડોદરાના હાસ્ય કલાકાર દિનેશ હિંગુ (Dinesh Hingu)ની હયાતીનો વીડિયો સામે આવ્યો છે. ગઇકાલે સમાચાર વહેતા થયા હતા કે દિનેશ હિંગુનું અવસાન થયું છે. આજે હાસ્ય કલાકાર દિનેશ હિંગુ (Dinesh Hingu)એ વીડિયો જાહેર કરીને મૃત્યુના સમાચારને રદિયો આપ્યો હતો. અવર વડોદરાના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.
અવર વડોદરાએ વીડિયો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું છે કે, “હાસ્ય કલાકાર તરીકે નામના મેળવનાર મૂળ વડોદરાના દિનેશ હિંગુની હયાતીનો વીડિયો આવ્યો સામે. મૂળ વડોદરાના અને મુંબઈ બોલિવૂડમાં હાસ્ય કલાકાર તરીકે જાણીતા દિનેશ હિંગુ હયાત છે. જેઓના નિધન અંગે ફેલાયેલી વાતોને ખંડન કરતો વીડિયો સામે આવ્યો છે.”
વીડિયોમાં દિનેશ હિંગુ (Dinesh Hingu) પોતાના રમૂજી અંદાજમાં આ સમાચારનું ખંડન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, “હા! હું દિનેશ હિંગુ બોલું છું. મારી તબિયત એકદમ સારી છે. એ તો કોઈની સાથે મારામારી નથી થઈ, નહીં તો હું જીતી જાઉં. હું કંઈ મારી નથી ગયો કે તબિયત પણ ખરાબ નથી. પણ રોજ જમના મને વઢે છે, ત્યારે બી જાઉં છું.”
ઉલ્લેખનીય છે કે, દિનેશ હિંગુનો જન્મ 13 એપ્રિલ 1940ના રોજ બ્રિટિશ રાજમાં થયો હતો. તેઓ હિન્દી ફિલ્મોમાં કોમિક અને સહાયક ભૂમિકાઓ માટે જાણીતા છે. તેઓ તકદીર (1967)થી બી કેરફુલ (2011) સુધી 300થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને તેઓ તેમના હાસ્ય અને પારસી ઉદ્યોગપતિના પાત્ર માટે જાણીતા છે.
તે ઘણા ઑર્કેસ્ટ્રામાં સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે પણ કામ કરી ચૂક્યા છે, પ્રખ્યાત હાસ્ય કલાકાર જોની લીવરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે દિનેશ હિંગુ હતા, જેમણે તેમને હાસ્ય કલાકાર તરીકે સ્ટેજ પર પરફોર્મ કરવા માટે બ્રેક આપ્યો હતો.
દિનેશ હિંગુએ કુરબાની, સાજન, બાઝીગર, હમરાઝ, દારાર, નો એન્ટ્રી, જુદાઈ, ખૂબસૂરત, હેરાફેરી (2000 ફિલ્મ), ફિર હેરા જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ અને બીટ પાર્ટ્સ ભજવ્યા હતા. તેમણે ભારતીય જાહેર પ્રસારણકર્તા, દૂરદર્શન પર ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેઓ હેરાફેરીમાં ચમન ઝિંગાના પાત્ર માટે જાણીતા છે.