24 January, 2025 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્મા (ઉપર ડાબે), રેમો ડિસોઝા (ઉપર જમણે), રાજપાલ યાદવ (નીચે ડાબે), સુગંધા મિશ્રા(નીચે જમણે)
હાલમાં બૉલીવુડમાં ડરનો માહોલ છે. સૈફ અલી ખાન પર હુમલાની ઘટના પછી હાલમાં કૉમેડિયન કપિલ શર્મા, ઍક્ટર રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા તેમ જ ઍક્ટર-સિંગર સુગંધા મિશ્રાને પાકિસ્તાનમાંથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકીને પગલે મુંબઈમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
જે મેઇલમાં મારી નાખવનાની ધમકી આપવામાં આવી છે એમાં લખ્યું છે કે ‘અમે તમારી હાલની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ અને અમને લાગે છે એક મહત્ત્વના મુદ્દા તરફ તમારું ધ્યાન દોરવું જરૂરી છે. આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ કે પછી તમને હેરાન કરવાનો પ્રયાસ નથી. અમારી સલાહ છે કે આ મેસેજને ગંભીરતાથી લેવામાં આવે અને એની ગુપ્તતા જાળવવામાં આવે.’
‘બિષ્નુ’ નામના સેન્ડરે મોકલેલી આ મેઇલના અંતમાં લખ્યું હતું કે ‘અમે આગામી ૮ કલાકમાં આ ઈ-મેઇલનો જવાબ ઇચ્છીએ છીએ. જો તમે એ નહીં આપો તો અમે માની લઈશું કે તમે એને ગંભીરતાથી નથી લીધી. જો જવાબ આપવામાં નહીં આવે તો તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ પર અસર પડી શકે છે.’
૨૦૨૪ની ૧૪ ડિસેમ્બરે રાજપાલ યાદવને ‘ડૉન’ના ઈ-મેઇલ આઇડી પરથી પોતાને બિષ્નુ તરીકે ઓળખાવતી વ્યક્તિની ઈ-મેઇલ આવી હતી જેમાં કપિલ શર્મા અને તેની ટીમની હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી, કારણ કે તેનો શો સલમાન ખાન દ્વારા સ્પૉન્સર કરવામાં આવે છે. આ મેઇલ પછી રાજપાલની પત્ની રાધા યાદવે મુંબઈના જોગેશ્વરી-વેસ્ટમાં આવેલા આંબોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ પછી ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 351 (3) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો અને કપિલ શર્મા તેમ જ તેની ટીમને સિક્યૉરિટી આપવામાં આવી હતી. આંબોલી પોલીસ-સ્ટેશને આ મેઇલ-આઇડી ટ્રૅક કરતાં એ પાકિસ્તાનનો હોવાનું જાણવા મળ્યું હતું.