09 June, 2026 07:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ
આમિર ખાન પ્રોડક્શન્સની આગામી મેગા ફિલ્મ ‘બટવારા 1947’નું મોશન પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. દેશના ભાગલાની પીડા, હિંસા અને માનવ સંઘર્ષની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ, એટલે કે ભારતના ભાગલાને યાદ કરાવતા દિવસે જ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મનું નિર્દેશન દિગ્ગજ ફિલ્મમેકર રાજકુમાર સંતોષી કરી રહ્યા છે, જ્યારે આમિર ખાન પ્રોડક્શન્સ તેના નિર્માણ સાથે જોડાયેલું છે. રિલીઝ થયેલું મોશન પોસ્ટર ઇન્ટેન્સ લાગણીઓ, ગુસ્સો, ડર અને હિંમતની ઝલકથી ભરપૂર છે, જેને જોઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. ફિલ્મ માત્ર ઐતિહાસિક ઘટના પર આધારિત નથી, પરંતુ તે ભાગલા દરમિયાન સામાન્ય લોકોના જીવનમાં આવેલા વિનાશ અને માનસિક સંઘર્ષની અનકહી કહાનીને પણ મોટા પડદા પર રજૂ કરશે.
‘બટવારા 1947’માં સની દેઓલ સાથે શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, અલી ફઝલ, કરણ દેઓલ, અભિમન્યુ સિંહ, ખુશી હજારે અને કનિકા કપૂર જેવી મજબૂત સ્ટારકાસ્ટ જોવા મળશે. ફિલ્મની કહાની એવા પાત્રની આસપાસ ગોઠવાઈ છે, જે નફરત અને હિંસાના માહોલ વચ્ચે પણ માનવતા અને હિંમતના માર્ગે વળે છે.
ફિલ્મ સાથે સૌથી વધુ ચર્ચામાં આવેલી બાબત રાજકુમાર સંતોષી અને સની દેઓલની 30 વર્ષ બાદ થતી ઐતિહાસિક જોડીનું કમબૅક છે. આ પહેલાં બંનેએ મળીને ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’ જેવી કલ્ટ ક્લાસિક અને બ્લૉકબસ્ટર ફિલ્મો આપી હતી. તેથી દર્શકોમાં આ જોડી ફરી એકવાર મોટા પડદા પર શું જાદુ સર્જશે તેની આતુરતા જોવા મળી રહી છે.
ફિલ્મના સંગીતની જવાબદારી ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન સંભાળી રહ્યા છે, જ્યારે ગીતોના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા છે. આમિર ખાન અને અપર્ણા પુરોહિત આ ફિલ્મના નિર્માતા છે.
ભાગલા જેવી ઐતિહાસિક અને ભાવનાત્મક ઘટના પર આધારિત ‘બટવારા 1947’ માત્ર એક ફિલ્મ નહીં પરંતુ ઇતિહાસના દુખદ અધ્યાયને નવી પેઢી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘લાહોર 1947’ના નામમાં ક્રમશઃ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું નામ પહેલાં ‘બટવારા 1947’ કરવામાં આવ્યું હોવાની ચર્ચા હતી અને લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે એનું નામ ‘બટવારા’ કરી નાખવામાં આવ્યું છે. રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહી છે. આ ફિલ્મના બદલાયેલા નામની ચર્ચા કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘ફિલ્મની ટીમ શરૂઆતથી જ ફિલ્મનું નામ ‘લાહોર 1947’ રાખવા માગતી નહોતી. એટલે ‘બટવારા 1947’ નામ પર વિચાર કરવામાં આવ્યો હતો પણ પછી સર્વસંમતિથી નક્કી થયું કે ફિલ્મનું નામ માત્ર ‘બટવારા’ જ રાખવું જોઈએ. જોકે ‘1947’ શબ્દ દૂર કરીને માત્ર ‘બટવારા’ નામ અપનાવવા માટે એના ટાઇટલ-રાઇટ્સ મેળવવા જરૂરી હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ‘બટવારા’ નામના અધિકાર સલીમ અખ્તરના પરિવાર પાસે છે, કારણ કે તેમણે ૧૯૮૯માં આ નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આમિર એ પછી સલીમ અખ્તરના દીકરા સમદ અખ્તરના ઘરે ગયો હતો અને ટાઇટલ માગ્યું હતું. સલીમ અખ્તરના પરિવારે આમિરની વાત સમજ્યા બાદ આ ટાઇટલના રાઇટ્સ વેચવાનો નિર્ણય કર્યો હતો.’