લતા મંગેશકર માત્ર મોટી બહેન જ નહીં, મારા માટે ગુરુ અને માતા સમાન હતી

13 April, 2026 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને બહેન વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હોવાની ચર્ચા વિશે આશા ભોસલેએ આ સ્પષ્ટતા કરી છે

મંગેશકર પરિવારમાં જન્મેલી આ બન્ને બહેનોના જીવનમાં બાળપણથી જ સંગીત વણાયેલું હતું

ભારતીય સિનેમાના સુવર્ણ સંગીતયુગની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે લતા મંગેશકર અને આશા ભોસલેનું નામ સૌથી આગળ આવે છે. આ બન્ને બહેનોએ પોતાના અવાજથી સમગ્ર વિશ્વમાં ભારતીય સંગીતને નવી ઊંચાઈ આપી છે. જોકે લાંબા સમય સુધી એવી ચર્ચા ચાલતી રહી કે બન્ને વચ્ચેની વ્યાવસાયિક સ્પર્ધાએ તેમના સંબંધોમાં અંતર ઊભું કર્યું હતું. જોકે આ ચર્ચાસ્પદ સવાલનો જવાબ આશા ભોસલેએ અનેક ઇન્ટરવ્યુમાં ખૂબ સરળ રીતે આપ્યો હતો.

મંગેશકર પરિવારમાં જન્મેલી આ બન્ને બહેનોના જીવનમાં બાળપણથી જ સંગીત વણાયેલું હતું. તેમના પિતા દિનાનાથ મંગેશકરના અવસાન બાદ પરિવારની જવાબદારી મોટી બહેન લતા મંગેશકરના ખભા પર આવી પડી હતી. નાની ઉંમરે જ તેમણે પરિવાર સંભાળતાં સંગીતજગતમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી હતી. આવી પરિસ્થિતિમાં નાની બહેન આશા ભોસલે માટે શરૂઆત સહેલી નહોતી. કરીઅરમાં લતા મંગેશકરને વહેલી તકે મધુર અને ભાવસભર ગીતોની ઓળખ મળી, ત્યાં આશા ભોસલેને શરૂઆતમાં અલગ પ્રકારનાં ગીતો માટે પસંદ કરવામાં આવતી હતી. આ કારણે બન્ને વચ્ચે તુલના થવા લાગી અને ધીમે-ધીમે સ્પર્ધાની ધારણા ઊભી થઈ.

જોકે આશા ભોસલેએ હંમેશાં આ ધારણાને ખોટી ગણાવી હતી. તેમણે પોતાના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે લતા મંગેશકર માત્ર મોટી બહેન જ નહીં, પરંતુ તેમના માટે ગુરુ અને માતા સમાન હતાં. આશા ભોસલેએ અનેક વખત કહ્યું હતું કે બન્ને વચ્ચે સ્પર્ધા તો હતી, પરંતુ તે સ્વસ્થ સ્પર્ધા હતી જે તેમને વધુ સારો દેખાવ કરવા પ્રેરિત કરતી હતી. આશા ભોસલેએ એક વખત કહ્યું હતું કે જ્યારે પણ તેમને લતા મંગેશકર સાથે રેકૉર્ડિંગ કરવું હોય ત્યારે તેઓ અગાઉથી જ તૈયારી કરતાં હતાં અને આ સ્વસ્થ સ્પર્ધાએ તેમની ગાયકી વધુ નિખારી હતી.

આ સિવાય એક ઇન્ટરવ્યુમાં લતા મંગેશકરને પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે ક્યારેય આશા ભોસલેના કરીઅર પર અસર કરવાનો પ્રયાસ કર્યો હતો તો તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો આવું હોત તો આશા ભોસલે આટલાં મોટાં ગાયિકા બની શક્યાં ન હોત અને તેમણે હંમેશાં આશાની અલગ ઓળખ અને તેમના નિર્ભય પ્રયોગોની પ્રશંસા કરી હતી. 

લતા મંગેશકર અને આશા ભોસલેનાં મૃત્યુ વચ્ચે ગજબનો સંયોગ

ભારતીય સિનેમાની સૌથી બહુમુખી અને લોકપ્રિય ગાયિકાઓમાંથી એક આશા ભોસલેનું ગઈ કાલે ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારે પુષ્ટિ કરી હતી કે તેમણે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને આ સાથે સાત દાયકાથી વધુ લાંબી તેમની કારકિર્દીનો અંત આવ્યો. આશા ભોસલેના નિધન બાદ તેમના અને તેમના મોટા બહેન લતા મંગેશકરનાં મૃત્યુ વચ્ચેનો સંયોગ ચર્ચામાં આવ્યો છે. લતા મંગેશકરનું નિધન ૨૦૨૨ના ફેબ્રુઆરીમાં થયું હતું અને એ સમયે તેમની ઉંમર પણ ૯૨ વર્ષ હતી. આશ્ચર્યજનક વાત એ છે કે આશા ભોસલેનું નિધન પણ ૯૨ વર્ષની વયે થયું જેને લોકો એક ખાસ સંયોગ તરીકે જોઈ રહ્યા છે. ખાસ વાત તો એ છે કે બંનેનું અવસાન અલગ અલગ વર્ષે પણ રવિવારના દિવસે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં જ થયું હતું.

ઉંમરના અંતરના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો લતા મંગેશકરનો જન્મ ૧૯૨૯ની ૨૮ સપ્ટેમ્બરે થયો હતો, જ્યારે આશા ભોસલેનો જન્મ ૧૯૩૩ની ૮ સપ્ટેમ્બરે થયો હતો. બન્ને બહેનો વચ્ચે આશરે ૪ વર્ષનું અંતર હતું. રસપ્રદ વાત એ છે કે લતા મંગેશકરના નિધનનાં લગભગ ૪ વર્ષ બાદ આશા ભોસલેએ પણ દુનિયાને અલવિદા કહી દીધી. 

asha bhosle celebrity death lata mangeshkar entertainment news bollywood events bollywood news indian music bollywood