21 September, 2026 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂર અને રિયા કપૂર
હાલમાં અનિલ કપૂરે પોતાની સફળતા અને પરિવાર વચ્ચેના સંતુલન વિશે વાત કરતાં દીકરીઓ સોનમ કપૂર અને રિયા કપૂરને પોતાના જીવનનું ‘ડબલ બોનસ’ કહ્યું છે. એક કાર્યક્રમમાં સ્પર્ધક સાથે વાતચીત દરમ્યાન અનિલે સ્વીકાર્યું કે હું પહેલાં પરિવાર માટે કામ કરવું જરૂરી માનતો હતો, પણ હવે પરિવારને સમય આપવો કેટલો મહત્ત્વનો છે એ શીખી રહ્યો છું.
પોતાની લાગણી વ્યક્ત કરતા અનિલે કહ્યું હતું કે ‘રિયાના જન્મ સમયે હું શૂટિંગમાં વ્યસ્ત હતો અને હૉસ્પિટલ પહોંચવામાં મોડું થયું હતું. હું આખી રાત શૂટિંગ કરી રહ્યો હતો એટલે મને નીંદર આવી ગઈ હતી. હું જાગ્યો ત્યારે રિયાનો જન્મ થઈ ગયો હતો અને હું થોડા સમય પછી હૉસ્પિટલ પહોંચ્યો હતો. આ બાબત માટે હું આજ સુધી મારી જાતને માફ કરી શક્યો નથી. મારી બે દીકરીઓ સોનમ અને રિયા મારા માટે ‘ડબલ બોનસ’ છે. મારા જમાઈઓ પણ સમજદાર છે અને તેઓ પરિવાર અને કામ બન્ને માટે યોગ્ય સમય કાઢે છે.’