02 March, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમીષા પટેલ
અમીષા પટેલ મહાશિવરાત્રિ નિમિત્તે મુંબઈના જુહુના શિવમંદિરમાં દર્શન કરવા ગઈ હતી. મંદિર પાસે ચાહકોની ભીડથી અભિનેત્રી ઘેરાઈ ગઈ હતી એ વખતે સાધુઓ પણ સેલ્ફી માટે અભિનેત્રીનો પીછો કરવા માંડ્યા હતા જેને કારણે અમીષા થોડી નર્વસ થઈ ગઈ હતી. હવે એના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
અમીષા પટેલના આ વિડિયો પર ચાહકો કમેન્ટ કરી રહ્યા છે. સાધુનું વર્તન જોઈને ચાહકો આશ્ચર્યચકિત થયા છે. વિડિયોમાં જોવા મળે છે કે અમીષાની આસપાસ ભીડ છે. લોકોની ભીડ જોઈને ગાર્ડ અમીષાને મદદ કરતો જોવા મળે છે. તે સેલ્ફી માટે અમીષાની પાછળ પડેલા સાધુઓને પકડી-પકડીને દૂર કરે છે. અમીષા પટેલે એ પછી ગાર્ડનો આભાર માન્યો હતો અને તેની પ્રશંસા કરી હતી.
અમીષાનો આ વિડિયો જોઈને ફૅન્સે સાધુઓના આવા વર્તનની આકરી ટીકા કરી છે.