17 October, 2026 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અજય દેવગનના બંગલામાં BMCની કાર્યવાહી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એ મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા બૉલિવૂડ અભિનેતા અજય દેવગનના બંગલામાં, તેમના મતે ગેરકાયદે જાહેર કરાયેલા બાંધકામના કેટલાક ભાગો તોડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી એવા આક્ષેપો બાદ કરવામાં આવી છે કે, આ બાંધકામ કાર્ય જરૂરી પરવાનગીઓ લીધા વિના કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કૉર્પોરેશનના જણાવ્યા અનુસાર, આ અંગે સંબંધિત પક્ષને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ અગાઉ એક નોટિસ આપવામાં આવી હતી, જેમાં તેમને તાત્કાલિક બાંધકામ અટકાવવા અને જરૂરી દસ્તાવેજો તથા સત્તાવાર મંજૂરીઓ રજૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.
BMCના જણાવ્યા મુજબ, બંગલામાં આંતરિક ફેરફારો કરવામાં આવી રહ્યા હતા - જેમાં પાર્ટીશન દિવાલોનું નિર્માણ, બારીઓ બેસાડવી અને અન્ય માળખાકીય ફેરફારોનો સમાવેશ થાય છે. આરોપ છે કે આ ફેરફારો ફરજિયાત મંજૂરીઓ મેળવ્યા વિના કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કૉર્પોરેશને જણાવ્યું હતું કે, નોટિસ આપવામાં આવી હોવા છતાં બાંધકામનું કામ ચાલુ રહ્યું હતું. પરિણામે, BMCએ બંગલાના કેટલાક ભાગો તોડી પાડવાની કાર્યવાહી કરી. આ નોટિસ `મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન એક્ટ`ની કલમ ૩૫૪A હેઠળ આપવામાં આવી હતી. આ જોગવાઈ હેઠળ, BMCએ સંબંધિત પક્ષને કામ રોકવા અને બાંધકામ માટેના જરૂરી દસ્તાવેજો તથા પરવાનગીઓ રજૂ કરવા સૂચના આપી હતી. આ કાર્યવાહી અભિનેતાની જુહુ સ્થિત મિલકત પર બિલ્ડિંગ નિયમોના કથિત ઉલ્લંઘન સાથે સંબંધિત છે.
અજય દેવગન અંગેના આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે તેમની ક્રાઈમ-થ્રિલર ફ્રૅન્ચાઈઝીની ફિલ્મ `દૃશ્યમ ૩` બૉક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે અને વૈશ્વિક સ્તરે તેની કમાણી રૂ. ૪૦૦ કરોડના આંકડાને વટાવી ગઈ છે. અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત આ ફ્રૅન્ચાઈઝીનો ત્રીજો અને અંતિમ ભાગ ૨ ઑક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થયો હતો. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ બન્ને તરફથી મોટાભાગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ક્રિટિક્સે ફિલ્મના અભિનય, સસ્પેન્સ અને અણધાર્યા વળાંકો (પ્લૉટ ટ્વિસ્ટ)ના વખાણ કર્યા છે. બીજી તરફ, અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર BMCની કાર્યવાહી કથિત અનધિકૃત બાંધકામના મુદ્દા સાથે જોડાયેલી છે. મ્યુનિસિપલ કૉર્પોરેશને બાંધકામ સંબંધિત નિયમોના પાલન અને જરૂરી પરવાનગીઓના સંદર્ભમાં આ પગલું ભર્યું છે.
અજય દેવગનની ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ રિલીઝ થઈ ચૂકી છે અને દર્શકો તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમ્યાન ફ્રૅન્ચાઇઝીમાં નવા કલાકારો તરીકે જોડાયેલા જયદીપ અહલાવત અને પ્રકાશ રાજ વિશે અભિનેત્રી તબુએ પોતાની લાગણી વ્યક્ત કરી છે. તબુએ બન્ને કલાકારો સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને તેમને ટૅગ કરીને નાનો પણ ખાસ મેસેજ લખ્યો હતો. જયદીપ અહલાવત અને પ્રકાશ રાજ તાજેતરમાં રિલીઝ થયેલી ‘દૃશ્યમ’ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ સાથે જોડાયા છે જ્યારે તબુ પહેલેથી જ આ ફ્રૅન્ચાઇઝીનો મહત્ત્વનો હિસ્સો રહી છે. બન્ને કલાકારો સાથેની તસવીરો શૅર કરતાં તબુએ લખ્યું હતું કે ‘આ દુનિયાનો હિસ્સો બનવા બદલ આભાર.’