14 October, 2024 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજનીકાન્ત, આમિર ખાન
તામિલ સુપરસ્ટાર રજનીકાન્ત તેમની આગામી ફિલ્મ ‘કૂલી’નું શૂટિંગ કરી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મમાં આમિર ખાન પણ જોવા મળવાનો છે. રિપોર્ટ મુજબ ‘કૂલી’ ફિલ્મના નિર્માતા આમિર ખાન સાથે વાતચીત કરી રહ્યા હતા અને હવે આમિર ખાન આ ફિલ્મનો ભાગ બનવા રાજી થઈ ગયો છે.
મીડિયા-રિપોર્ટ અનુસાર આમિરનો રોલ ડિરેક્ટર લોકેશ કનગરાજે ગુપ્ત રાખ્યો છે. ફિલ્મમાં આમિર અને રજનીકાન્તને લઈને નાની પરંતુ દમદાર સીક્વન્સ ડિઝાઇન કરવામાં આવી છે. આ એક માસ સીક્વન્સ હશે જે ફિલ્મની વાર્તાને આગળ લઈ જશે. આમિરે ફિલ્મ માટે પોતાની ડેટ્સ આપી દીધી છે. ૧૫ ઑક્ટોબરથી ફિલ્મનું આગળના શેડ્યુલનું શૂટિંગ શરૂ થશે. આ દરમ્યાન આમિર પણ પોતાનો કૅમિયો શૂટ કરશે.
‘કૂલી’ રજનીકાંતની કરીઅરની ૧૭૧મી ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમની સાથે નાગાર્જુન, શ્રુતિ હાસન, ઉપેન્દ્ર અને સત્યરાજ જેવા કલાકારો જોવા મળશે. આમિર ખાન અને રજનીકાન્ત આ પહેલાં ૧૯૯૫માં આવેલી ‘આતંક હી આતંક’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આમિર ‘કૂલી’ ઉપરાંત ‘લાહોર 1947’ અને ‘હૅપી પટેલ’ ફિલ્મમાં પણ કૅમિયો કરતો જોવા મળશે. ‘લાહોર 1947’ના ડિરેક્ટર રાજકુમાર સંતોષી છે અને આ ફિલ્મનું નિર્માણ આમિર પોતે કરી રહ્યો છે. ‘હૅપી પટેલ’નો ડિરેક્ટર વીર દાસ છે.