18 March, 2025 07:01 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
એ. આર. રહમાન, પત્ની સાયરા બાનુ
પ્રખ્યાત ગાયક અને સંગીતકાર એ. આર. રહમાનની તબિયત રવિવારે અચાનક લથડી ગઈ હતી. તેમણે છાતીમાં અસ્વસ્થતા અને દુખાવાની ફરિયાદ કરી હતી જેના કારણે તેમને તરત જ ચેન્નઈની અપોલો હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ. આર. રહમાનની આ સ્થિતિને કારણે તેમના ફૅન્સ ચિંતિત થઈ ગયા અને તેમના માટે પ્રાર્થના કરવા લાગ્યા. જોકે હાલમાં એ. આર. રહમાન સ્વસ્થ છે.
જોકે આ મામલે ચેન્નઈની અપોલો હૉસ્પિટલ દ્વારા હેલ્થ ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે એ. આર. રહમાનને ડીહાઇડ્રેશનનાં લક્ષણો હતાં અને તેમને રૂટીન સારવાર આપીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
એે. આર. રહમાનની ટીમે પણ જણાવ્યું કે તેઓ રમજાનમાં રોઝા રાખી રહ્યા હતા અને કદાચ આ કારણે ડીહાઇડ્રેશનની સમસ્યા થઈ હશે. થોડા સમય પહેલાં એ. આર. રહમાનનાં પત્ની સાયરા બાનુને પણ આ જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં તેમની ઇમર્જન્સી સર્જરી કરવામાં આવી હતી.
એ. આર. રહમાનના પુત્ર એ. આર. અમીને ઇન્સ્ટાગ્રામ પર એક અપડેટ શૅર કરી હતી જેમાં કહ્યું હતું કે ‘અમારા તમામ પ્રિય ચાહકો, પરિવાર અને શુભચિંતકોનો હું દિલથી તમારા પ્રેમ, પ્રાર્થના અને સહકાર માટે આભાર માનું છું . મારા પિતાને ડીહાઇડ્રેશનને કારણે થોડી નબળાઈ લાગતી હતી તેથી અમે કેટલીક રૂટીન ટેસ્ટ કરાવી, પરંતુ મને ખુશી છે કે હવે તેમની તબિયત સારી છે.’ એ. આર. રહમાન હાલમાં સારવાર હેઠળ છે ત્યારે તેમનાં પત્ની સાયરા બાનુએ લોકોને વિનંતી કરી છે કે તેમને ‘એક્સ-વાઇફ’ ન કહેવામાં આવે. નોંધનીય છે કે નવેમ્બર ૨૦૨૪માં એ. આર. રહમાન અને સાયરા બાનુએ અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને ત્યારથી તેમના ડિવૉર્સની ભારે ચર્ચા ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સાયરા બાનુએ એક વૉઇસ નોટમાં કહ્યું છે કે ‘હું તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું. મને ખબર મળ્યા છે કે તેમને છાતીમાં દુખાવો હતો અને તેમની ઍન્જિયોગ્રાફી થઈ છે. અલ્લાહની કૃપાથી હવે તેઓ ઠીક છે. હું બધાને જણાવવા માગું છું કે અમારા સત્તાવાર રીતે તલાક નથી થયા. અમે હજી પણ પતિ-પત્ની છીએ. અમે માત્ર અલગ થયાં છીએ, કારણ કે છેલ્લાં બે વર્ષથી મારી તબિયત ઠીક નહોતી અને હું તેમને વધુ તનાવ આપવા માગતી નહોતી. પરંતુ પ્લીઝ મને ‘એક્સ-વાઇફ’ ન કહો.’