14 January, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦ વર્ષ જૂની આ ફિલ્મના સેટ પર વરુણ ધવન અને નર્ગિસ ફખરી પર શૂટ થયેલા સીનનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે
વરુણ ધવને પોતાની કરીઅરમાં ઘણી ફિલ્મોમાં રોમૅન્ટિક પાત્રો ભજવ્યાં છે. જોકે હાલમાં તેની ૧૦ વર્ષ જૂની એક ફિલ્મનો શૂટિંગ સમયનો વિડિયો વાઇરલ થતાં વરુણની ભારે ટીકા થઈ રહી છે અને સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વરુણની ફિલ્મ ‘મૈં તેરા હીરો’ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી. વરુણ ધવને આ ફિલ્મમાં ઇલિઆના ડિક્રુઝ અને નર્ગિસ ફખરી સાથે કામ કર્યું હતું.
હવે ૧૦ વર્ષ જૂની આ ફિલ્મના સેટ પર વરુણ ધવન અને નર્ગિસ ફખરી પર શૂટ થયેલા સીનનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં દિગ્દર્શક સીન કટ કરવા માટે બૂમ પાડતો રહે છે છતાં વરુણ ઇન્ટિમેટ સીન કરતો જ રહે છે. જોકે એ વાત અલગ છે કે વિડિયોમાં પછી નર્ગિસ અને ક્રૂ-મેમ્બર્સ હસતાં જોવા મળે છે, જ્યારે વરુણ શરમ અનુભવતો જોવા મળે છે.
આ વિડિયો વાઇરલ થયા બાદ હવે સોશ્યલ મીડિયામાં વરુણને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને તેની નીયત વિશે સવાલ કરવામાં આવી રહ્યા છે. લાગે છે નર્ગિસને આ અનુભવથી કોઈ સમસ્યા નહોતી, કારણ કે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં નર્ગિસે જણાવ્યું હતું કે ‘વરુણ મારો ફેવરિટ કો-સ્ટાર છે અને મને સેટ પર વરુણ સાથે સૌથી વધુ મજા પડી હતી. તે ખરેખર ઊર્જા અને સકારાત્મકતાથી ભરપૂર છે.’