જીવનનો હવે ભરોસો નથી એવું માત્ર બોલો છો કે પછી ગંભીરતાથી સમજો પણ છો?

25 September, 2024 01:33 PM IST  |  Mumbai | Manoj Joshi

અગત્યના ડૉક્યુમેન્ટ્સનું એક લિસ્ટ બનાવી એવી જગ્યાએ મૂકી રાખો કે તમારી ગેરહાજરીમાં તમારી ફૅમિલીને એ મળે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

હું જયપુર જતો ત્યારની વાત છે. ઍરપોર્ટ પર એક ભાઈ મળ્યા. અનાયાસ તેઓ પણ જયપુર જતા હતા. ફ્લાઇટમાં પણ એ ભાઈ મળ્યા. થોડી વાતો થઈ. કામસર અમે મોબાઇલ-નંબરની આપ-લે કરી અને પછી જયપુર જવા માટે રવાના થઈ ગયા. કમનસીબી જુઓ તમે, એ ભાઈને ફ્લાઇટમાં હાર્ટ-અટૅક આવ્યો. ક્રૂએ ખૂબ મહેનત કરી, ફ્લાઇટમાં નર્સિંગ ફીલ્ડનું કોઈ પૅસેન્જર હતું તેમણે પણ બહુ મહેનત કરી, પણ પેલા ભાઈનું અકાળે અવસાન થયું. વાતને વર્ષો થઈ ગયાં પણ આ ઘટના પછી જ્યારે પણ હું ઍરપોર્ટ પર જાઉં ત્યારે મને આ ઘટના યાદ આવે અને એ ઘટનાની સાથે મને કેટલીક એવી વાતો પણ યાદ આવે જે મારે આજે તમારી સાથે શૅર કરવી છે.

એ જે ભાઈ હતા તેમની ઉંમર અંદાજે ૩પ-૩૭ની હશે. સ્વર્ગવાસી થવા માટે બહુ નાની ઉંમર કહેવાય. તેમણે બિચારાએ તો કલ્પના પણ નહીં કરી હોય કે અચાનક આવું કંઈ બનશે અને તેમણે ફૅમિલીનો સાથ છોડવો પડશે. નંબરની આપ-લે થઈ હતી એટલે થોડા સમય પછી મેં જ્યારે તેમની ફૅમિલીનો કૉન્ટૅક્ટ કર્યો ત્યારે ખબર પડી કે એ ભાઈ મૅરિડ હતા અને તેમને માત્ર ચાર વર્ષની એક દીકરી હતી. વાઇફ સાથે પણ વાત કરી ત્યારે સાચી ટ્રૅજેડીની ખબર પડી. એ બિચારીને કશી એટલે કશી ખબર નહોતી કે તેના હસબન્ડનાં ઇન્વેસ્ટમેન્ટ્સ શું છે, તેની પાસે લૉકર્સ છે કે નહીં, બૅન્કમાં કેટલાં અકાઉન્ટ્સ છે, સ્ટૉક માર્કેટનું ટ્રેડિંગ ક્યાં કરે છે, એના પાસવર્ડ શું છે વગેરે વગેરે...

પહેલાંના સમયની વાત કહીએ તો એવું ધારી પણ શકાય કે વાઇફને આ બધી બાબતોમાં બહુ ઇન્વૉલ્વ કરવામાં નહોતી આવતી, પણ આજના સમયમાં, જ્યારે વાઇફ ભણેલીગણેલી હોય છે, જ્યારે તેનામાં તમામ પ્રકારનું કૌવત હોય છે ત્યારે પણ પતિઓ આવી ભૂલ કરે તો ખરેખર શરમજનક કહેવાય. જીવનનું કંઈ નક્કી નથી રહ્યું એવું આપણે સતત બોલતા રહીએ છીએ, ડગલે ને પગલે આપણે એ જોતા પણ રહીએ છીએ અને એ પછી પણ વાત જો આપણી પોતાની આવી જાય તો આપણે બેફિકર બનીને ઊભા રહી જઈએ કે આપણને તો કંઈ નથી થવાનું, આપણે તો અમરપટ્ટો લઈને આવ્યા છીએ, પણ ભાઈ, આ આપણી બહુ મોટી ગેરમાન્યતા છે અને આ ગેરમાન્યતા મનમાંથી કાઢવાનો સમય આવી ગયો છે. જનારો તો ગયો. ચાલો, એની વાત પૂરી થઈ ગઈ, પણ આપણે જેની જવાબદારી લઈને બેઠા છીએ એ લોકો હેરાન ન થાય એને માટે પણ સજાગતા અને જાગરૂકતા કેળવીએ એ જરૂરી છે. જો કહેવું ન હોય તો તમારા બધા અગત્યના ડૉક્યુમેન્ટ્સનું એક લિસ્ટ બનાવી એવી જગ્યાએ મૂકી રાખો કે તમારી ગેરહાજરીમાં તમારી ફૅમિલીને એ મળે અને તેમણે કોઈની સામે ઓશિયાળા ન થવું પડે. બસ, આ એક સલાહ માનજો. તમારી ગેરહાજરીમાં તમારો પરિવાર સુરક્ષિત થઈ જશે.

columnists gujarati mid-day manoj joshi