22 November, 2026 02:17 PM IST | Mumbai | Rajani Mehta
સમીર, મજરૂહ અને આનંદ બક્ષી
ગીતકાર સમીર અનજાન જૂની પેઢીના બે પ્રિય ગીતકારોનાં સ્મરણો તાજાં કરતાં કહે છે...
મજરૂહ સુલતાનપુરીનાં ગીતો મને ખૂબ ગમતાં. તેઓ મને ખૂબ પ્રેમ કરતા. એક વાર મેં તેમને કહ્યું, ‘અંકલ, કભી-કભી મુખડા લિખકર અંતરે મેં ફંસ જાતા હૂં. ઇસકા ઇલાજ કયા હૈ?’ તો કહે, ‘વૈસે તો તૂ મેરા કૉમ્પિટિટર હૈ, પર તેરે પિતા કો ઇતની ઇઝ્ઝત દેતા હૂં કે તૂ મેરે બેટે કી તરહ હૈ. આજ તુઝે બતાતા હૂં કે કૈસે લિખા જાતા હૈ.’ આટલું કહીને તેમણે એક વડીલ નાના બાળકને જેમ પ્રેમથી શીખવાડે એમ મને કવિતા-લેખનની બારીકીઓની જાણકારી આપી.
આનંદ બક્ષી મારા પ્રિય કવિ તો હતા જ, પણ તેમને હું ગુરુ માનતો હતો. તેમનાં ગીતોની સાદગી અને રજૂઆતની શૈલીનો હું કાયલ હતો. સુભાષ ઘઈએ પોતાની ફિલ્મ ‘પરદેસ’ માટે નદીમ-શ્રવણને સાઇન કર્યા અને કહ્યું કે ગીતકાર તરીકે હું આનંદ બક્ષીને લેવા માગું છું. આ સાંભળી નદીમે કહ્યું કે અમે સમીર સિવાય બીજા કોઈની સાથે કામ નથી કરતા. સુભાષ ઘઈએ કહ્યું, ‘જ્યારે બક્ષીસાહેબને ગીત લખવા આપું છું ત્યારે તેમને સિચુએશન નથી કહેતો. તેમના ગીત પરથી હું સિચુએશન ક્રીએટ કરું છું કારણ કે તે ગીત એવી રીતે લખે છે કે એમાં વિઝ્યુઅલ્સ, કલાકારોની મૂવમેન્ટ, ગીતની ફીલ સઘળું આપોઆપ જીવંત થઈને નજર સમક્ષ આવે છે એટલે ડિરેક્ટર તરીકે મારું કામ એકદમ સરળ થઈ જાય છે.’
તેમની આ વાતની નદીમ પર કોઈ અસર ન થઈ. તેણે કહ્યું કે અમે સમીર સાથે જ કામ કરીશું. મને આ વાતની ખબર પડી એટલે મેં કહ્યું, ‘હું બક્ષીસાહેબનો મોટો ચાહક છું. આમ પણ તેઓ સુભાષ ઘઈની ફિલ્મોના રેગ્યુલર રાઇટર છે. તમને પણ તેમના જેવા મહાન ગીતકાર સાથે કામ કરવાનો લહાવો મળશે. તમે મારા માટે આગ્રહ ન રાખો.’ આ સાંભળીને નદીમ કહે, ‘કમાલ છે. અમે તમારા માટે લડીએ છીએ અને તમે આવી વાત કરો છો?’ મારા માટે ધર્મસંકટ ઊભું થયું. નદીમ પોતાની વાત પર મક્કમ હતો. એ લોકો ફિલ્મ છોડવા તૈયાર હતા. અંતે સુભાષ ઘઈ રાજી થયા અને અમે સાથે કામ કર્યું.
‘પરદેસ’માં પ્રથમ વાર સાથે કામ કરતાં નદીમ-શ્રવણ અને સુભાષ ઘઈને એકમેકની કામ કરવાની સ્ટાઇલનો પરિચય થયો. સુભાષ ઘઈએ ઑફિસના માણસ સાથે જે કૉન્ટ્રૅક્ટ મોકલાવ્યો એમાં લખ્યું હતું કે દર બુધવાર–ગુરુવારે સાંજે ચારથી ૭ મીટિંગ થશે અને ગીતોની ચર્ચા થશે. નદીમે આ શરત વાંચીને કૉન્ટ્રૅક્ટ ફાડી નાખ્યો અને માણસને કહ્યું, ‘અમે કોઈ ‘બૉન્ડેડ લેબર’ નથી. આ રીતે કામ કરવા માટે અમે ટેવાયેલા નથી. અમને જ્યારે મૂડ આવશે ત્યારે ધૂન બનાવીશું.’
બીજે દિવસે સુભાષ ઘાઈનો ફોન આવ્યો. ‘અરે યાર, આવું બધું તો કૉન્ટ્રૅક્ટમાં લખવા ખાતર લખાયું હોય, આવી વાતોને સિરિયસલી લેવાની ન હોય. તમે તમારી અનુકૂળતાએ ધૂન બનાવજો.’ ફિલ્મનાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં. ફિલ્મના ‘યે દિલ, દિવાના’ જેનું ફિલ્માંકન શાહરુખ ખાન પર થવાનું હતું એના માટે સુભાષ ઘાઈનો આગ્રહ હતો કે સોનુ નિગમને બદલે બીજા કોઈનું પ્લેબૅક લો, પરંતુ નદીમ-શ્રવણે કહ્યું કે અમે એક અલગ સ્ટાઇલમાં ગીત રેકૉર્ડ કરીએ છીએ. તમે સાંભળશો તો ખુશ થઈ જશો. આ ગીત અત્યંત લોકપ્રિય થયું.’
ગીતકાર સમીર અનજાન પાસે પરદા પાછળની વાતોનો એટલો મોટો ખજાનો છે કે એ ખૂટે જ નહીં. શાહરુખ ખાનની વાત નીકળી છે તો એના વિશેનો એક કિસ્સો શૅર કરતાં તેઓ કહે છે. ‘શાહરુખ ખાન જ્યારે નવો નવો આવ્યો ત્યારની વાત છે. અમે ‘દિવાના’નાં ગીતો માટે સિટિંગ્સમાં બેઠા હોઈએ ત્યારે શાહરુખ ખાન અમને મળવા આવે અને કહે ‘સર, આપ સબ ગાને રિષિ સર કે લિયે બનાતે હો, મેરે લિયે ભી એક દો ગાને બના દો તો મેરી કરીઅર આગે બઢે.’ નદીમ તેની પર ગુસ્સે થાય અને કહે ‘એ લડકે, ક્યોં બાર-બાર આ કર હમ કો ડિસ્ટર્બ કરતા હૈ.’ મેં કહ્યું ‘ભાઈ, વો નયા હૈ, એક દો ગાને ઉસે ભી દો.’ અમે પ્રોડ્યુસરને કહી એના માટે બે ગીતો તૈયાર કર્યાં. ‘કોઈ ના કોઈ ચાહીએ પ્યાર કરનેવાલા’ અને ‘ઐસી દિવાનગી દેખી નહીં કહીં’ જે અત્યંત લોકપ્રિય થયું.’
‘નદીમનો સ્વભાવ એવો કે એકવાર તેની ના થાય તો પછી હા ન થાય. બીજું તે ભૂતકાળની વાતોને કદી ભૂલે નહીં. સ્ટ્રગલના દિવસોમાં અનેક પ્રોડ્યુસરે તેમને ધક્કા ખવડાવ્યા બાદ કામ નહોતું આપ્યું. આ જોડીની લોકપ્રિયતાનો સૂરજ મધ્યાહ્ને હતો ત્યારે એક પ્રોડ્યુસર તેમની પાસે આવ્યો. નદીમે માર્કેટ પ્રાઇઝ કરતાં ડબલ ભાવ કહ્યો. પેલો પ્રોડ્યુસર કહે કે જોઈએ તો એક-બે લાખ વધુ લો, ડબલ પ્રાઇઝ થોડી લેવાય? જવાબ મળ્યો, ‘વો દિન હમ આપકે પાસ આયે થે. આજ આપ હમારે પાસ આયે હો. એક પૈસા ભી કમ નહીં લેંગે.’
સમીર અનજાન આ વાત કરતા હતા ત્યારે તેમના ચહેરાના હાવભાવ સ્પષ્ટ કહેતા હતા કે તે આ વર્તનથી સહમત નહોતા. દરેકને પોતાની લોકપ્રિયતાનો મહત્તમ લાભ લેવાની સ્વતંત્રતા છે. આવા કિસ્સામાં કોનું વર્તન યોગ્ય કે અયોગ્ય છે એનો ફેંસલો વ્યક્તિગત રીતે લેવાની છૂટ છે. મેં તેમને પ્રશ્ન કર્યો કે આપ સફળતાને આટલી સહજતાથી કઈ રીતે હૅન્ડલ કરો છો? એક ફિલસૂફની અદાથી તેમણે એનું વિશ્ર્લેષણ કરતાં કહ્યું,
‘કોઈની સફળતા કાયમ નથી રહેતી. હું હંમેશાં સાહિર લુધિયાનવીની પંક્તિઓ યાદ રાખું છું.
મૈં પલ દો પલ કા શાયર હું
પલ દો પલ મેરી કહાની હૈ
પલ દો પલ મેરી હસ્તી હૈ
પલ દો પલ મેરી જવાની હૈ
મુજ સે પહેલે કિતને શાયર
આયે ઔર આ કર ચલે ગયે
કુછ આહેં ભર કર લૌટ ગયે
કુછ નગમે ગા કર ચલે ગયે
વો ભી એક પલ કા કિસ્સા થા
મૈં ભી એક પલ કા કિસ્સા હું
યહી તો હકીકત હૈ. આજ આપ ટૉપ પર હો, કલ કોઈ ઔર થા, કલ કોઈ ઔર હોગા. તો ફિર ગુરુર કિસ બાત કા? મેરે પિતાજી હમેશા કહેતે થે, જબ જબ સફલતા મિલે, ઘર આ કર ભગવાન કો એક ફૂલ ચઢા કર ઇતના કહેના, ‘જો ભી હૈ, તેરા હૈ, સબ કુછ તેરે હવાલે હૈ.’
‘મેં એવા દિવસો જોયા છે કે પિતાજીનો જન્મદિવસ હોય અને આખું ઘર ફૂલોના ગુલદસ્તાઓથી ભરાઈ ગયું હોય. અને એવા દિવસો પણ જોયા છે કે જન્મદિવસે એક પણ બુકે ન આવ્યો હોય. મારો એક જ મંત્ર છે, બસ સતત કામ કરતા રહો. દિલથી લખો. સમય સારો હશે તો નબળી કવિતા માટે પણ લોકો વાહ વાહ કરશે અને જો સમય ખરાબ હશે તો સારી શાયરી માટે પણ લોકો એમ જ કહેશે ‘યે કયા લિખા હૈ?’ જે હોય તે આપણે કામ કર્યા કરવું.’
‘એક સમય એવો હતો કે હું સતત લખતો. દિવસના કેવળ ત્રણ કલાકની ઊંઘ લેતો. ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’નાં ૧૨ ગીત લખવા સવારની ફ્લાઇટ પકડી હું સાઉથમાં ગયો. રાત્રે કામ પૂરું કરી ઘરે આવ્યો તો પ્રોડ્યુસરનો ફોન આવ્યો. કહે ‘આવતી કાલે રેકૉર્ડિંગ છે, મને ૮ ગીત આપ. રાત્રે જાગીને મેં કામ પૂરું કર્યું. એ ૨૪ કલાકમાં મેં ૨૦ ગીત લખ્યાં. એ કેવી રીતે લખ્યાં એ મને ખબર નથી. બસ એટલી ખબર છે કે મેં દિલોજાન લગાવીને કામ કર્યું.’
તો પછી એવું શું બન્યું કે સફળતાના ચરમ શિખર પર મહાલતા સમીર અનજાનના જીવનમાં એક સમય એવો આવ્યો કે તેમની પાસે ભાગ્યે જ કોઈ કામ રહ્યું? એ વાત આવતા રવિવારે.