21 March, 2026 06:50 PM IST | Mumbai | Heena Patel
પ્રભાદેવી મંદિરનું મૂળ સ્થાન ક્યાં હતું જાણો છો?
જે મંદિરના નામ પરથી આખો પ્રભાદેવી વિસ્તાર ઓળખાય છે એ મંદિરનો ૭૦૦ વર્ષ જૂનો રોમાંચક ઇતિહાસ જાણો છો? સિદ્ધિવિનાયક મંદિરથી થોડે જ દૂર આવેલું પ્રભાદેવી માતાનું આ મંદિર રહસ્યમય અને પ્રાચીન છે. આ ચૈત્રી નવરાત્રિએ ચાલો જાણીએ મુંબઈની આ રક્ષક દેવીની અજાણી વાતો
આજે આપણે જે પ્રભાદેવીને મુંબઈના પ્રીમિયમ રેસિડેન્શિયલ એરિયા તરીકે જોઈએ છીએ એનો ભૂતકાળ અનેક બદલાવમાંથી પસાર થયો છે. ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન પહેલાં આ વિસ્તારમાં હરિયાળી અને કુદરતી વાતાવરણ હતાં. અહીં મુખ્યત્વે કોળી સમુદાયના લોકો વસતા હતા, જેમનું જીવન ખેતી અને માછીમારી પર આધારિત હતું. નારિયેળીની વાડીઓ અને દરિયાનાં મોજાં આ વિસ્તારની મૂળ ઓળખ હતી. ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશકાળ દરમિયાન પ્રભાદેવીનું ચિત્ર બદલાયું. એ મુંબઈના પ્રસિદ્ધ ગિરણગાવ (મિલોનું ગામ)નો એક મહત્ત્વનો હિસ્સો બન્યું. અહીં કાપડની અનેક મિલો ધમધમતી થઈ, જેને કારણે આ વિસ્તાર એક મોટા ઇન્ડસ્ટ્રિયલ હબમાં ફેરવાઈ ગયો. સમય જતાં કાપડની મિલો બંધ થવા લાગી અને ૧૯૯૦ના દાયકાના અંતમાં આ વિસ્તારનો ચહેરો ફરી પલટાયો. જૂની મિલોની જગ્યાએ હવે આકાશને આંબતાં લક્ઝરી અપાર્ટમેન્ટ્સ, પ્રીમિયમ કમર્શિયલ બિલ્ડિંગ્સ અને કૉર્પોરેટ ઑફિસો ઊભાં થઈ ગયાં છે. આ બધા બદલાવ વચ્ચે પણ પ્રભાદેવી મંદિર એની ઐતિહાસિક અને ધાર્મિક ઓળખ સાથે અડગ રહ્યું છે. આ મંદિરના નામ પરથી જ આખો વિસ્તાર પ્રભાદેવી તરીકે ઓળખાય છે એટલું જ નહીં, રેલવે-સ્ટેશનનું નામ પણ એલ્ફિન્સ્ટન રોડથી બદલીને પ્રભાદેવી કરી નાખવામાં આવ્યું છે જે આ વિસ્તારની ઓળખમાં મંદિરના મહત્ત્વને દર્શાવે છે.
ઇતિહાસ
કે. આર. અઘુનાથજીની બુક ‘ધ હિન્દુ ટેમ્પલ્સ ઑફ બૉમ્બે ૧૮૯૫’માં પ્રભાદેવી મંદિર વિશે જે માહિતી આપેલી છે એના દસ્તાવેજો ટ્રસ્ટી અલાર્ક એલ. દેસાઈએ ‘મિડ-ડે’ સાથે શૅર કર્યા છે. એમાં આપેલી માહિતી અનુસાર પ્રભાદેવી અથવા પ્રભાવતીનું મંદિર પાઠારે પ્રભુ જ્ઞાતિનાં કુળદેવીનું સ્થાનક છે. હાલનું મંદિર જે જગ્યાએ છે એ એનું મૂળ સ્થાન નથી. મૂળ મંદિર કોટવાડી જે અત્યારે લેડી જમશેદજી રોડ તરીકે ઓળખાય છે એ વિસ્તારમાં આવેલું હતું. મૂળ મંદિર ૧૨૯૫ની સાલમાં બંધાયું હતું. પાઠારે પ્રભુ જ્ઞાતિના એ સમયના મુખ્ય પુરોહિત હેમાદ્રિપંત દ્વારા માર્ગશીર્ષ-પોષ મહિનાની પૂર્ણિમાએ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. આશરે ૨૨૩ વર્ષ પછી ઈ. સ. ૧૫૧૯માં જ્યારે યવન (મુગલો) અથવા પોર્ટુગીઝો દ્વારા મંદિર તોડવાનો ભય ઊભો થયો ત્યારે પાઠારે પ્રભુ જ્ઞાતિના લોકોએ મધરાતે મૂર્તિને બચાવવા માટે નજીકના એક કૂવામાં પધરાવી દીધી હતી. બીજા દિવસે આક્રમણખોરોએ મંદિર તોડી પાડ્યું હતું. મૂર્તિ આશરે ૨૦૦ વર્ષ સુધી એ કૂવામાં રહી. ૧૭૩૭માં જ્યારે મરાઠાઓએ વસઈ જીતી લીધું ત્યારે પાઠારે પ્રભુ જ્ઞાતિની એક વ્યક્તિ (જેમના તાડના બગીચામાં આ કૂવો હતો)ને માતાજીએ સ્વપ્નમાં આવીને મૂર્તિ બહાર કાઢવાનો આદેશ આપ્યો. કૂવો ખાલી કરતાં મૂર્તિ મળી આવી. વૈશાખ સુદ ૧૧, સંવત ૧૭૭૧ (એપ્રિલ-મે ૧૭૨૬)માં આખું મંદિર ફરીથી બાંધવામાં આવ્યું અને મુખ્ય પુરોહિત ગોપાલપંત દ્વારા મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. ઈ. સ. ૧૮૩૫માં આશરે ૩૦૦૦ રૂપિયાના ખર્ચે મંદિરનું સંપૂર્ણ સમારકામ કરવામાં આવ્યું હતું. મંદિરની દક્ષિણ દીવાલ પર એક ફુટ લાંબો બાલબોધ (દેવનાગરી) લિપિમાં શિલાલેખ છે, જે આ મંદિર પાઠારે પ્રભુ જ્ઞાતિ દ્વારા બંધાવવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરે છે. સમયે-સમયે મંદિરનું રિનોવેશન થતું રહે છે, પણ મૂળ ઢાંચો હજી એવો જ છે.
મંદિરનું સ્થાપત્ય
આ દસ્તાવેજોમાં મંદિરના સ્થાપત્ય વિશે પણ વિગતવાર માહિતી આપેલી છે. એ મુજબ ૧૮૩૫ પછી આશરે ૪૦ વર્ષ બાદ ૧૮૭૫માં પાઠારે પ્રભુ જ્ઞાતિના ફાળા દ્વારા ફરીથી સમારકામ કરવામાં આવ્યું હતું. મંદિર ઈંટ અને ચૂનાથી બનેલું છે અને એની દીવાલો પર હિન્દુ દેવી-દેવતાનાં ચિત્રો ચીતરેલાં છે. મંદિરની આગળ ૩૬ ફીટ પહોળો, ૯.૫ ફીટ ઊંડો અને ૩૦ ફીટ ઊંચી છત ધરાવતો એક ખુલ્લો સભામંડપ છે. પશ્ચિમ દિશામાં ત્રણ ઓરડા (ગર્ભગૃહ) છે જે દરેક ૧૨ ફીટ ચોરસ અને ૮ ફીટ ઊંચા છે. મંદિરનાં ત્રણ મુખ્ય ગર્ભગૃહ આ મુજબ વહેંચાયેલાં છે: જમણી બાજુ પ્રભાદેવી માતા, મધ્યમાં સર્વેશ્વર (મહાદેવ) અને ડાબી બાજુ લક્ષ્મી-નારાયણ. પ્રભાદેવી માતાની મૂર્તિ આશરે ૩ ફીટ ઊંચી છે અને એ લાલ રેતાળ પથ્થરમાંથી કંડારેલી છે. દેવીને ચાર હાથ છે. નીચેના જમણા હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલી છે, ઉપરના જમણા હાથમાં ફૂલ પકડેલું છે, નીચેનો ડાબો હાથ પૃથ્વી તરફ ઇશારો કરે છે (વરદ મુદ્રા જેવું) અને ઉપરનો ડાબો હાથ આશીર્વાદ આપતી મુદ્રામાં ઊંચો છે. પ્રભાદેવીની જમણી બાજુએ કાલિકા દેવી અને ડાબી બાજુએ ચંડિકા દેવીની આશરે ૧.૫ ફીટ ઊંચી પથ્થરની મૂર્તિઓ છે. ગર્ભગૃહની મધ્યમાં નંદી (પથ્થરનો બળદ) છે. નંદીના મુખની સામે સર્વેશ્વર મહાદેવનું લિંગ છે. મહાદેવની જમણી બાજુએ કાળા પથ્થરની પાર્વતીજીની મૂર્તિ અને ડાબી બાજુએ પથ્થરના ગણપતિજી બિરાજમાન છે. લક્ષ્મી-નારાયણની કાળા પથ્થરની મૂર્તિ છે. મંદિરના પ્રાંગણમાં શીતળાદેવી, ખોખલાદેવી (ઉધરસનાં દેવી), હનુમાનજીની પથ્થરની મૂર્તિ પણ છે. હજી પણ મંદિર કોઈ મોટા ફેરફાર વગર મૂળ સ્વરૂપમાં સચવાયેલું છે. દસ્તાવેજમાં મંદિરની સામે એક પ્રાચીન અને મોટું પીપળનું ઝાડ અને એની પાસે છ દીપમાળ એટલે કે દીવા પ્રગટાવવાના સ્તંભ હોવાનો ઉલ્લેખ છે, પણ વર્તમાનમાં એ નથી. કદાચ રસ્તાને પહોળો કરવાની પ્રક્રિયા દરમિયાન એને હટાવી દેવામાં આવ્યા હોય. વર્તમાનમાં મંદિરના પ્રાંગણમાં બે દીપસ્તંભ છે, જે અંદાજે ૬૦ વર્ષ પહેલાં બંધાયેલા છે.
મંદિરની પરંપરાઓ
મંદિર સાથે જોડાયેલી પરંપરાઓ વિશે કેટલીક રસપ્રદ માહિતી આપતાં અલાર્ક એલ. દેસાઈ કહે છે, ‘એ સમયના મુંબઈનું ભૌગોલિક સ્વરૂપ આજથી સંપૂર્ણ અલગ હતું. પ્રભાદેવી સહિતના વિસ્તારો દરિયા અને ખાડી વિસ્તારોની નજીક હતા જ્યાં ચોમાસા પછી ખારા પાણીમાંથી મીઠું તૈયાર થતું. આ મીઠું પહેલાં પ્રભાદેવીને અર્પણ કરવામાં આવતું અને ત્યાર બાદ જ એનો વેપાર થતો. અગાઉના સમયમાં માગશર અને પોષ મહિનામાં જ્યારે વાતાવરણ ઠંડું હોય ત્યારે મંદિરના પ્રાંગણની રેતાળ જમીન પર સફેદ મેથી ઉગાડવામાં આવતી હતી. સામાન્ય રીતે આપણે જે મેથી ખાઈએ છીએ એ લીલી હોય છે, પરંતુ મુંબઈના જૂના બગીચાઓમાં (ખાસ કરીને પ્રભાદેવી અને ગિરગામના વિસ્તારોમાં) સફેદ મેથી ઉગાડવામાં આવતી હતી. આ મેથી એનાં સફેદ ફૂલો અને વિશિષ્ટ સુગંધ માટે જાણીતી હતી. સફેદ મેથીનો ઉપયોગ ખાસ કરીને આયુર્વેદિક દવાઓમાં અને દેવીની પૂજામાં નૈવેદ્ય તરીકે કરવામાં આવતો હતો. એને અત્યંત શુદ્ધ માનવામાં આવતી. દર વર્ષે પોષી પૂનમના થતા વાર્ષિક મહોત્સવ દરમિયાન સફેદ મેથીનો દેવીને નૈવેદ્ય ચડાવવાની અને ભક્તોને પ્રસાદીમાં આપવાની પરંપરા છે જે આજે પણ ચાલુ છે. દર વર્ષે પોષી પૂનમ (શાકંભરી પૂર્ણિમા)ના દિવસે વિશેષ મેળો ભરાય છે. સામાન્ય રીતે આ મેળો જાન્યુઆરી મહિનામાં આવે છે અને એ લગભગ ૧૦ દિવસ સુધી ચાલે છે.’
વર્તમાનમાં આ મંદિરના સંચાલન વિશે માહિતી આપતાં અલાર્ક દેસાઈ કહે છે, ‘હું અને અનુરાગ ડી. તળપદે, કીર્તિકર ફૅમિલી પ્રભાદેવી ચૅરિટેબલ ઇન્સ્ટિટ્યુશનના ટ્રસ્ટીઓ છીએ જે પ્રભાદેવી મંદિર અને એની મિલકતના માલિક છે. મૂળ રૂપે આ મિલકત કીર્તિકર નામના એક માણસની ખાનગી મિલકત હતી. તેઓ અવિવાહિત હતા અને તેમણે આ મંદિર માટે ટ્રસ્ટની સ્થાપના કરી હતી. મારા સસરા, જે મૅનેજિંગ ટ્રસ્ટી હતા તેમના પછી મને અંદાજે ૧૯૯૪ આસપાસ ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં અનુરાગ તળપદેને પણ આ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નીમવામાં આવ્યા છે.’