✕

તુમ જો મિલ ગએ હો... આઇ લવ યુ, પણ આઇ ઍમ રાઇટ (પ્રકરણ ૧)

12 October, 2026 01:10 PM IST  |  Mumbai | Rashmin Shah

આરતી કશ્યપ. દેશની સૌથી યુવાન, તેજતર્રાર રાષ્ટ્રીય પ્રવક્તા. ઇન્ફ્લુઅન્સર અને વડા પ્રધાનની સાઇડ લેતા રહેવાની નીતિએ તેને પૉલિટિક્સમાં એન્ટ્રી અપાવી અને એ એન્ટ્રી પછી આજના દેશના પૉલિટિક્સના આક્રમક ચહેરાઓ પૈકીનો એક ચહેરો બની

ઇલસ્ટ્રેશન

ઑક્ટોબરમાં પણ કાળાં ડિબાંગ વાદળોએ જાણે આખેઆખો દરિયો મુંબઈ પર ઊંધો વાળી દીધો હોય એવો સાંબેલાધાર વરસાદ વરસતો હતો. સાંતાક્રુઝના ટર્મિનલ વનની બહાર ટૅક્સીઓના હૉર્ન અને વરસાદના અવાજ વચ્ચે અંધાધૂંધી પ્રસરી ગઈ હતી. ઍરપોર્ટથી માંડ ૧૦૦ મીટરના અંતરે આવેલી હોટેલ ઍરપોર્ટ ઇન્ટરનૅશનલના કાચના વિશાળ દરવાજા તરફ દોડી આવતા દરેક ચહેરા પર એક જ ફરિયાદ હતી - ફ્લાઇટ કૅન્સલ થઈ ગઈ.

હોટેલના રિસેપ્શન એરિયામાં ઍરકન્ડિશનની ઠંડક વચ્ચે પણ ઉચાટનો ગરમાવો હતો. કાઉન્ટરની પાછળ ઊભેલો મૅનેજર સ્ટાફના સ્ટ્રેસને શાંત કરવા માટે જ ચેમ્બરમાંથી બહાર આવી ગયો હતો. બ્લૅક સૂટ, વાઇટ શર્ટ અને છાતી પર પિત્તળની નેમપ્લેટ પર મૅનેજરનું નામ ચમકતું હતું - અનિરુદ્ધ મહેતા, જનરલ મૅનેજર. ૩૫ વર્ષના અનિરુદ્ધના ચહેરા પર શાંતિ હતી.

‘સર, દિલ્હીની છેલ્લી ૩ ફ્લાઇટ્સ ડાઇવર્ટ થઈ છે. બધી કનેક્ટિંગ ફ્લાઇટ્સ કૅન્સલ. આપણી પાસે હવે માત્ર પાંચ સુપિરિયર રૂમ છે અને

રૂમ-બુકિંગ માટે સતત ઑનલાઇન રિક્વેસ્ટ આવતી જાય છે.’

‘અત્યારે એક પણ ઑનલાઇન બુકિંગ નહીં લેવાનું...’ અનિરુદ્ધે શાંતિથી જવાબ આપ્યો, ‘જે અહીં પહેલાં આવે તેને રૂમ આપો અને એમાં પણ જો શક્ય હોય તો સિનિયર સિટિઝન્સ અને લેડીઝને પ્રાયોરિટી...’

અનિરુદ્ધની નજર કાચની બહાર રનવે તરફ જતી લાઇટ્સ પર હતી.

ટેક-ઑફ ન થઈ શકતાં વિમાનો રનવે પર લાઇનમાં ઊભાં હતાં, જાણે પાંખો હોવા છતાં જમીન સાથે બંધાયેલાં પક્ષીઓ. અનિરુદ્ધ ચાલતો જઈને વિન્ડો પાસે ઊભો રહી ગયો અને તેની પીઠ પાછળ હોટેલનો રિવૉલ્વિંગ ડોર ખૂલ્યો.

‘એક્સક્યુઝ મી... મને ફર્સ્ટ

ફ્લાઇટ સુધી રૂમ જોઈશે. ઍની કૅટેગરી વિલ ડૂ...’

અનિરુદ્ધના કાન ચમકી ગયા. એ જ અવાજ... એ જ મીઠાશ અને એ પછી પણ સ્પષ્ટ અને અધિકારભર્યો લહેકો. એ અવાજ જે આજે પણ અનિરુદ્ધના લોહીમાં દોડતો હતો. અનિરુદ્ધે ગરદન ફેરવી. તેની ધારણા સાચી હતી. કાઉન્ટર પર આરતી હતી.

આરતી કશ્યપ. દેશની સૌથી યુવાન, તેજતર્રાર રાષ્ટ્રીય પ્રવક્તા. ઇન્ફ્લુઅન્સર અને વડા પ્રધાનની સાઇડ લેતા રહેવાની નીતિએ તેને પૉલિટિક્સમાં એન્ટ્રી અપાવી અને એ એન્ટ્રી પછી આજના દેશના પૉલિટિક્સના આક્રમક ચહેરાઓ પૈકીનો એક ચહેરો બની. આ છેલ્લાં પાંચ વર્ષનું ચિત્ર હતું; પણ એ પહેલાં, પાંચ વર્ષ પહેલાં બેડરૂમની બારીમાંથી સૂરજ પહેલાં આંખો ખોલતી અનિરુદ્ધની પત્ની.

ક્ષણવાર માટે રિસેપ્શન એરિયાનો ઘોંઘાટ શમી ગયો. બહારનો કોલાહલ જાણે કે મ્યુટ થઈ ગયો અને

અનિરુદ્ધ-આરતીની આંખો એક થઈ. પાંચ વર્ષનો ખાલીપો, સેંકડો વણબોલાયેલા શબ્દો અને એકબીજા વિના વતાવેલા ૧૮૨૫ દિવસો એક સેકન્ડમાં બન્નેની આંખો સામે આવીને ઊભા રહી ગયા.

‘અનિરુદ્ધ...’ આરતીના હાથમાંથી ક્રેડિટ કાર્ડ સરકી ગયું, ‘તું... અહીં...’

અનિરુદ્ધના ચહેરા પર પ્રોફેશનલ માસ્ક પાછો આવી ગયો, પણ આંખોની ધ્રુજારી એ માસ્ક છુપાવી ન શકી. તેણે પરાણે સ્માઇલ કર્યું.

‘વેલકમ ટુ ઍરપોર્ટ ઇન્ટરનૅશનલ આરતીજી...’

આરતીને અપેક્ષા નહોતી કે મુંબઈની આ તોફાની રાતે તેની ફ્લાઇટ ટેક-ઑફ થવાને બદલે ભૂતકાળમાં લૅન્ડ થશે.

‘અનિ... તું અહીં?’

‘છેલ્લાં ૩ વર્ષથી.’ અનિરુદ્ધે રિસેપ્શનિસ્ટ સામે જોયું, ‘આ મૅડમનું ચેક-ઇન હું જોઉં છું. તું બીજા ગેસ્ટને અટેન્ડ કર...’

અનિરુદ્ધે કી-કાર્ડ લીધું.

‘રૂમ-નંબર ૩૦૪. થર્ડ ફ્લોર. કૉર્નર રૂમ. રનવે ફેસિંગ નથી... શાંતિ રહેશે.’

‘તને હજી યાદ છે?’ આરતીના ચહેરા પર અચરજ હતું, ‘મને ઘોંઘાટ નથી ગમતો.’

‘કેટલીક વાતો યાદ નથી રાખવી પડતી. બસ, ભુલાતી નથી.’

બન્ને લિફ્ટમાં આવ્યાં. લિફ્ટનો કાચ બન્નેનું રિફ્લેકશન દેખાડતો હતો. ડિટ્ટો પાંચ વર્ષ જૂના મૅરેજ-આલબમ જેવું જ એ રિફ્લેકશન હતું.

‘દિલ્હી જતી હતી?’

અનિરુદ્ધે આરતી સામે જોયા વિના જ પૂછ્યું.

‘હા... સવારે ૧૧ વાગ્યે પ્રેસ-કૉન્ફરન્સ છે. જો ન પહોંચી તો ઑપોઝિશન...’

આરતીના અવાજમાં ફરી એ જ ઉતાવળ અને ભાગદોડ આવી જે

અગાઉ હતી.

ખટાક...

લિફ્ટ ત્રીજા માળે રોકાઈ. અનિરુદ્ધે રૂમ-નંબર ૩૦૪ પાસે જઈને કાર્ડ સ્વાઇપ કર્યું. દરવાજો ખૂલ્યો અને આરતી અંદર એન્ટર થઈ. અનિરુદ્ધ દરવાજો બંધ કરે એ પહેલાં જ આરતીએ અનિરુદ્ધ સામે જોયું.

‘અનિ... કૉફી પીવી છે...’

‘શ્યૉર મૅડમ, મોકલાવું...’

અનિરુદ્ધ ટર્ન થયો અને લિફ્ટ પાસે પહોંચ્યો ત્યાં જ તેની પીઠ પર અવાજ આવ્યો.

‘૧૦ મિનિટ છે તારી પાસે કે પછી... એ પણ બીજા કોઈ આપી જશે?’

અનિરુદ્ધના પગ ફરીથી રૂમ-નંબર ૩૦૪ તરફ વળ્યા.

lll

‘ચોળી લે, ચોળી લે હજી આંખોને...’ થાક ઉતારવા અનિરુદ્ધે આંખો પરથી ચશ્માં ઉતારીને આંખો ચોળી કે તરત આરતી ઉશ્કેરાઈ, ‘આંખ ન ચોળાય કેટલી વાર મેં તને કહ્યું, પણ તને સમજાતું જ નથી...’

‘પાંચ વર્ષથી કોઈ કહેવાવાળું નહોતું એટલે...’ અનિરુદ્ધે ફરીથી આંખો પર ચશ્માં ગોઠવ્યાં, ‘જૂની આદત ફરી પાછી આવી ગઈ.’

પાંચ વર્ષ.

આરતીએ સહેજ નિસાસો મૂક્યો અને સોફા પર પલાંઠી મારીને બેસી ગઈ. બરાબર એ જ રીતે જે રીતે અંધેરીના નાના વન-BHK ફ્લૅટમાં બેસતી.

‘કૉફીમાં શુગર લેવાનું શરૂ કર્યું કે પછી...’

‘શુગર જીભને ટેસ્ટ આપે પણ બૉડીનો ટેસ્ટ બગાડે અનિ...’

આરતીએ કપ હાથમાં લઈને એક સિપ લીધી કે તેની આંખો મીંચાઈ ગઈ.

‘ઓહ ગૉડ... એ જ કૉફી, તને યાદ છે આપણા જૂના ફ્લૅટની બાલ્કની?’

‘હા... અને વરસતા વરસાદને જોઈને તું પૂછતી કે આ આકાશ આપણા પર જ કેમ વરસે છે, આખી દુનિયા પર કેમ નહીં?’

‘અને તું કહેતો...’

‘પ્રેમમાં હોય એના પર આકાશ થોડું વધારે ઝૂકી જાય.’

બન્ને વચ્ચે ક્ષણ માટે મૌન છવાઈ ગયું. એ એવું પારદર્શક હતું કે બન્ને એકબીજાના શ્વાસ સાંભળી શકે.

‘કેમ છૂટાં પડ્યાં આપણે અનિ?’

થોડી મિનિટોના મૌન પછી આરતીએ અચાનક પૂછી લીધું. એ જ સવાલ જે છેલ્લાં પાંચ વર્ષથી બન્નેના ગળામાં અટવાયેલો હતો.

‘આપણે છૂટાં ક્યાં પડ્યાં હતાં આરતી?’ અનિરુદ્ધે એક ઊંડો શ્વાસ લીધો, ‘આપણે તો બસ પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યાં. તારે આકાશ જોઈતું હતું, મને જમીન ગમતી હતી. તને આગળ વધવાની ભૂખ હતી, મને સાથે જીવવાની તરસ હતી. કોઈ ખોટું નહોતું. બસ, તારી ઘડિયાળ મારા સમય સાથે મેળ ખાતી નહોતી.’

અનિરુદ્ધની આંખ સામે એ

સાંજ આવી ગઈ જે તે સતત ભૂલવા મથતો હતો.

lll

મૅરેજને બે વર્ષ થયાં હતાં. અનિરુદ્ધ એક રેસ્ટોરાંમાં મૅનેજર હતો અને આરતી ઇન્ફ્લુઅન્સર તરીકે લોકલ પૉલિટિકલ લીડરનું પબ્લિક રિલેશન સંભાળતી હતી. એ દિવસે અનિરુદ્ધનો બર્થ-ડે હતો.

૯... ૧૦... ૧૧...

સાડાઅગિયારે આરતી આવી ત્યારે તેના ચહેરા પર ઉત્સાહ હતો અને આંખોમાં ચમક હતી.

‘અનિ, ગૅસ વૉટ? મને યુથ વિંગની કોર કમિટીમાં સિલેક્ટ કરી. આવતા વીકે મારે દિલ્હી શિફ્ટ થવું પડશે, ૬ મહિના માટે...’

અનિરુદ્ધે ટેબલ પર ઠરી ગયેલા સૂપ તરફ જોયું.

‘આરતી, તને યાદ છે... આજે કયો દિવસ છે?’ આરતી બ્લૅન્ક થઈ ગઈ, ‘આજે મારો બર્થ-ડે છે...’

આરતી અવાક થઈ ગઈ. તેણે અનિરુદ્ધનો હાથ પકડ્યો.

‘સૉરી, હું ભૂલી ગઈ... પણ અનિ, આ મારી લાઇફનો મોટો બ્રેક છે. તું ખુશ નથી?’

‘હું ખુશ છું આરતી, પણ મને એટલું કહીશ કે હું તારા જીવનમાં ક્યાં છું? તારા કૅલેન્ડરમાં મારા માટે કોઈ તારીખ કેમ નથી હોતી?’

‘કારણ કે... તું મારી જિંદગી છે અનિ. તારે કૅલેન્ડરમાં આવવાની જરૂર નથી.’ આરતી ચિડાઈ ગઈ હતી, ‘તું હંમેશાં નાની વાત પકડીને બેસી જાય છે. તારાથી મારી સક્સેસ જોવાતી નથી? તું ઇચ્છે છે કે હું તારી હોટેલની જેમ એક જ જગ્યાએ આખી જિંદગી ઊભી રહું?’

તારાથી મારી સક્સેસ જોવાતી નથી...

આ વાક્ય અનિરુદ્ધના ઈગો પર ખંજરની જેમ ભોંકાયું હતું.

‘હું તને રોકતો નથી...’ અનિરુદ્ધે ઠંડા અવાજે જવાબ આપ્યો, ‘જો તારી ઊંચાઈ મારા અસ્તિત્વને નાનું બનાવતી હોય તો મારે એ ઊંચાઈના પડછાયામાં નથી જીવવું.’

બીજા વીકે આરતી દિલ્હી જતી રહી. કોઈ ઝઘડો નહીં, કોઈ આક્ષેપબાજી નહીં. બસ, એક મૌન ડિવૉર્સ. બન્નેનો ઈગો એટલો મોટો હતો કે કોઈએ પાછળ ફરીને એકબીજાને ‘રોકાઈ જા’ પણ ન કહ્યું.

lll

વર્તમાનની શાંતિ તોડતાં આરતીએ અનિરુદ્ધ સામે જોયું.

‘તારો ઈગો હજી એવો ને એવો જ છે?’

‘અને તારી એ ઉતાવળ હજી એવી ને એવી જ છે?’ અનિરુદ્ધની આંખમાં ધાર હતી, ‘તું ત્યારે પણ ભાગતી, આજે પણ દિલ્હી ભાગી રહી છે...’

બરાબર ત્યારે જ આરતીના મોબાઇલ પર નામ આવ્યું : મિશ્રા – પાર્ટી પ્રેસિડન્ટ.

‘યસ સર...’ ફોન રિસીવ કરીને આરતીએ તરત જ કહ્યું, ‘હેવી રેઇનને કારણે ફ્લાઇટ્સ બંધ છે... સવારે ૬ વાગ્યાની ફ્લાઇટમાં હું નીકળીશ...’

સામેથી આવતો અવાજ એટલો મોટો હતો કે અનિરુદ્ધને પણ

સંભળાતું હતું.

‘પહલે ટીવી ઑન કર... દેખ ક્યા આ રહા હૈ...’

આરતીએ ટીવી ઑન કર્યું. ન્યુઝ-ચૅનલ પર બ્રેકિંગ ન્યુઝ આવતા હતા.

‘બ્રેકિંગ ન્યુઝ : રાષ્ટ્રીય પ્રવક્તા આરતી કશ્યપ મુંબઈમાં ગુમ? આવતી કાલની પ્રેસ-કૉન્ફરન્સ પહેલાં ઑપોઝિશનનો ધડાકો. ઑપોઝિશનનો આક્ષેપ - આરતી કશ્યપ કોઈ ડીલ કરવા મુંબઈની લક્ઝરી હોટેલમાં રોકાયાં.’

સ્ક્રીન પર ઍરપોર્ટની બહાર આરતીની ગાડીમાંથી ઊતરતાં વિઝ્યુઅલ્સ ચાલતાં હતાં. લોકલ રિપોર્ટરે તેને ઍરપોર્ટની બહાર જોઈ લીધી અને અફવા ફેલાવી કે પોતાની જ પાર્ટી સામે બગાવત કરીને મુંબઈમાં કોઈ બિઝનેસમૅન સાથે આરતી ડીલ કરે છે.

‘ધિસ ઇઝ રિડિક્યુલસ...’ આરતીના ચહેરા પર ગુસ્સો હતો, ‘આ લોકો મારી પૉલિટિકલ કરીઅરને તમાશો બનાવે છે.’

ફોન હજી ચાલુ જ હતો. મોબાઇલના સ્પીકરમાંથી પાર્ટી પ્રેસિડન્ટ ગર્જતા હતા.

‘સવારે ૮ વાગ્યા સુધીમાં તું દિલ્હી હેડક્વૉર્ટર ન પહોંચી તો તારી જગ્યાએ સુમિત્રાને પ્રવક્તા બનાવાશે. આરતી, યુ વિલ બી ફિનિશ...’

ફોન કટ થયો અને આરતી સોફા પર ઢળી પડી. એક કરાફાડ, આક્રમક નેતા અચાનક લાચાર બની ગઈ. અનિરુદ્ધ તેની નજીક ગયો. તેણે આરતીના ખભા પર હાથ મૂક્યો. આરતીએ નજર ઊંચી કરી. આરતીની આંખોમાં આંસુ હતાં.

‘અનિ... સવાર સુધી પહોંચવાનો મારી પાસે કોઈ રસ્તો નથી. ઍરપોર્ટ બંધ છે, હાઇવે પર પાણી છે. જો હું સવારે ત્યાં ન હોઉં તો હું ખતમ થઈ જઈશ.’

અનિરુદ્ધે તેની આંખોમાં જોયું. એ જ આંખો, જેણે એક વાર તેને પોતાની જિંદગીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. અનિરુદ્ધે નક્કી કરી લીધું.

‘ડોન્ટ વરી...’ અનિરુદ્ધે દૃઢ અવાજે કહ્યું, ‘જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ તારું આકાશ છીનવી નહીં શકે.’

બરાબર એ જ વખતે ઇન્ટરકૉમની ઘંટડી વાગી.

‘સર, મીડિયાવાળા આવ્યા છે...’

અનિરુદ્ધે બારીના કર્ટન હટાવીને જોયું. મીડિયાના કૅમેરાની બહાર

ભીડ હતી.

‘આરતી ફાસ્ટ...’ અનિરુદ્ધે બારી બંધ કરીને આરતીનો હાથ પકડ્યો, ‘હોટેલના સર્વિસ એલિવેટર અને બૅકયાર્ડમાંથી એક રસ્તો કાર્ગો ગેટ જાય છે. મારી કાર ત્યાં જ છે. પુણે ઍરપોર્ટ ચાલુ છે. જો આપણે એક્સપ્રેસવે પકડીએ તો સવારે પાંચ વાગ્યે પુણે અને ત્યાંથી ૬.૧૫ વાગ્યાની દિલ્હી ફ્લાઇટ...’

‘અનિ... આવી સિચુએશનમાં તું હોટેલ છોડીશ તો તારી જૉબ જોખમમાં...’

‘જૉબ છત છે, વરસાદ બંધ થશે એટલે બીજી મળી જશે; પણ જો આજે તારી પાંખો તૂટી તો હું આખી જિંદગી મારી જાતને માફ નહીં કરી શકું.’

આરતી અનિરુદ્ધ સામે જોઈ રહી. પાંચ વર્ષ પહેલાં જેને ‘પોતાની સફળતા આડે આવતો પથ્થર’ માન્યો તે જ આજે પોતાના અસ્તિત્વને દાવ પર લગાવીને તેને ઊડવા માટે રસ્તો કરતો હતો.

‘ચાલ...’ અનિરુદ્ધે રૂમની લાઇટ બંધ કરી અને અંધારામાં બન્નેના શ્વાસ એક થયા, ‘યાદ રાખજે, પાછળ વળીને નથી જોવાનું.’

અનિરુદ્ધે આરતીનો હાથ મજબૂતીથી પકડ્યો અને બન્ને સર્વિસ સીડીઓ તરફ દોડ્યાં. તોફાની રાત, અજાણી સફર અને અધૂરા રહી ગયેલા પ્રેમના નવા અધ્યાય તરફ.

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah