બા, બાબલો ને બૅન્ક - બોલે તો કિસ્સા રૉબરી કા (પ્રકરણ ૧)

05 January, 2026 01:54 PM IST  |  Mumbai | Rashmin Shah

રોમેશ, અબ્દુલ અને સચિન બાની પાછળ ગયા અને દુકાનની પાછળના ભાગમાં આવેલા સ્ટોર રૂમમાં જઈને બાએ પોતાની થેલીમાંથી એક નકશો કાઢ્યો.

ઇલસ્ટ્રેશન

પોરબંદરની ચોપાટી પર આવેલા હસુમતી ચૌહાણના આલીશાન બંગલા ‘મેરાણી વિલા’માં સ્મશાનવત શાંતિ હતી.

દુબઈથી મુંબઈ અને મુંબઈથી પોરબંદર પાછા આવી ગયાને ઑલમોસ્ટ છ મહિના પૂરા થઈ ગયા હતા પણ બાએ પોરબંદર છોડ્યું નહીં અને બા સાથે આવેલા તેમના ત્રણ બાબલાઓ અબ્દુલ, સચિન અને રોમેશ પણ મુંબઈ જઈ શક્યા નહીં. બાને કિડનૅપ કરવાની ગુસ્તાખી કરી ચૂકેલા આ ત્રણેય યંગસ્ટર્સે અનાયાસ જ બાને બચાવવાનું કામ કર્યું એટલે તેમનો જીવ તો બચી ગયો, પણ બાની નજરમાં તે આરોપી ચોક્કસ હતા. ફરક માત્ર એટલો હતો કે બાએ તેમને કેદ નહોતા કર્યા પણ બાએ તે ત્રણેયને નજરકેદ રાખ્યા હતા. પાંજરામાં પુરાયેલા પોપટ જેવી તેમની જિંદગી હતી. માગે એ ખાવા મળતું અને માગે ત્યારે ખાવા મળતું. ઍર-કન્ડ‌િશન્ડ વાતાવરણ વચ્ચે રહેવા મળતું અને મુલાયમ રજવાડી પલંગ પર સૂવા મળતું. બા જ્યાં જાય ત્યાં તેમણે સાથે જવાનું અને બા કહે ત્યારે ઘરમાં બેસી જવાનું. હા, પોરબંદરમાં ક્યાંય પણ ફરવું હોય તો ફરવાની છૂટ, પણ બાના રોટલિયા તેમની સાથે રહે.

lll

‘બા, હવે અમારે શું કરવાનું છે?’

અત્યંત દબાયેલા અવાજે અબ્દુલે બાને પૂછ્યું. આલીશાન ચૅર પર બેઠેલાં બાએ પોતાનો ડાબો હાથ ઊંચો કરી હાથમાં રહેલી માળા દેખાડી ઇશારાથી જ સમજાવી દીધું કે દિવસમાં ત્રણ વાર કરવામાં આવતી કાંધલી આઈના નામની માળા અત્યારે ચાલુ છે.

બાના એ ઇશારા સાથે જ અબ્દુલે અનાયાસ જ બે હાથ જોડી દીધા. જેના ધર્મમાં હાથ ફેલાવીને અલ્લાહની બંદગી કરવાનું કહેવામાં આવ્યું હતું એ અબ્દુલ પોતે પોરબંદર આવીને હવે રોજ બા સાથે હવનમાં બેસતો થઈ ગયો હતો. જોકે એમાં શ્રદ્ધા કરતાં બાનો કડપ વધારે જવાબદાર હતો.

lll

‘હંમ... શું કહ્યું તેં બાબલા?’

આઠેક મિનિટ પછી માળા પૂરી કરી બાએ અબ્દુલની સામે જોયું. બાની નજરમાં તાપ હતો અને એ તાપથી ત્રણેય મુંબઈકરના રીતસર છક્કા છૂટી જતા.

‘ના, હું તો... હું તો... એમ પૂછતો હતો કે હવે અમારે કરવાનું છે શું?’

અબ્દુલે સચિનને કોણી મારી એટલે સચિને વાત આગળ વધારી.

‘બા, અમારે પાછા જવાનું છે. ત્યાં અમારે અમારા કામે લાગવાનું હોયને?’

‘કયા કામે લાગવાનું? નોકરીઓ તો છે નહીં તમારી પાસે, લેણિયાત મારી બીકે તમને હેરાન કરતા નથી તો પછી મુંબઈ જઈને તમારે કરવું છે શું?’

‘હા પણ બા...’ હવે રોમેશે જવાબદારી સંભાળી, ‘તમારી કેટલી મહેમાનગતિ માણવાની? હવે અમે પણ કામે લાગીએને...’

‘કામે લાગવું હોય તો અમારે ત્યાં એક નિયમ છે, એનું પાલન કરો.’ આંખે ચડાવેલાં ચશ્માં સહેજ નીચે ઉતારી બાએ ત્રણેય પર વારાફરતી નજર કરી, ‘પછી તમતમારે છૂટા...’

‘શેનો નિયમ બા, તમે...’

બા ઊભા થઈ અબ્દુલ, રોમેશ અને સચિન પાસે આવ્યાં.

‘જુઓ બાબલાવ, મેં તમારો જીવ બચાવ્યો, એની સામે તમે મારો જીવ બચાવી લીધો. હિસાબ ફિટ્ટૂસ... પણ હજી બીજો હિસાબ ઊભો છે. મેં તમારું દેવું ચૂકવી દીધું. તમારા વતી દુબઈમાં એક કરોડ ચૂકવી દીધા. પણ મેરાણી છું ને મેરાણીની ડિક્શનરીમાં ‘મફત’ કંઈ હોતું નથી. ઉધારી ચૂકવો ને વાત પૂરી કરો.’

‘બા, અમે... અમે કેવી રીતે એક કરોડ...’

‘છેલ્લા છ મહિનાથી તો અમે અહીં જ છીએ, તમારી સેવામાં. કંઈ કામધંધો પણ નથી કરતા.’

‘એમ?’ બાનો અવાજ ઊંચો થયો, ‘તમારી જાતને રશિયન સમજો છો કે બજારમાં નીકળો ને તમારી ઉપર પૈસાનો વરસાદ થવા માંડે?’

‘ના, ના. એવું નથી બા. અમે તો..’

બાનો હાથ હવામાં ઊંચો થયો અને ત્રણેય બાબલાઓની બોલતી બંધ થઈ ગઈ.

પોરબંદર આવ્યા પછી તેમણે આવું દૃશ્ય અનેક વખત જોયું હતું જેમાં બાનો હાથ હવામાં ઊંચો થાય અને ભલભલાનાં પૅન્ટ ભીનાં થાય.

‘મુંબઈમાં મારો એક જૂનો હિસાબ ઊભો છે. એ ચૂકતે કરવાનો છે.’

‘બા, અમારી પાસે પૈસા નથી. તમને ખબર તો છે...’

અબ્દુલ કંઈ આગળ કહે એ પહેલાં તો સચિને ફિલોસૉફી પીરસી દીધી.

‘બા, મૂકોને આ બધું વેર-બેરને એવું... એમાં શું દાટ્યું છે?’

‘વેર, ઝેર ને મેર...’ બાએ ‌સચિન સામે જોયું, ‘સ્મશાને લાકડાં સાથે જ પૂરાં થાય.’

હૉલમાં સન્નાટો પ્રસરી ગયો, જેને તોડવાનું કામ બાએ જ કર્યું.

‘મુંબઈમાં એક જૂનો હિસાબ પૂરો કરવાનો છે ને એની માટે એવો ધડાકો કરવાનો છે કે મુંબઈ આખાની પોલ‌ીસ ધ્રૂજી જાય.’

‘એટલે બા, અમારે કોઈનું મર્ડર...’

રોમેશની વાત સાંભળીને બા ખડખડાટ હસી પડ્યાં.

‘અલ્યા બાબલા, તમારા ત્રણથી એક મચ્છર મરાતું નથી ને તમે મર્ડર કરશો, ને એ પણ મારા વતી?’ બાએ કમરેથી રિવૉલ્વર કાઢી ત્રણેયની સામે ધરી, ‘તમારે હાથ લોહીથી નહીં, નોટથી રગદોળવાના છે. આપણે રૉયલ ઇન્ડ‌િયન બૅન્કની કાંદિવલી બ્રાન્ચ સાફ કરવાની છે.’

રોમેશ, અબ્દુલ અને સચિનના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ.

બૅન્ક સાફ કરવાની એટલે કે બૅન્ક લૂંટવાની, આટલી સાદી સમજ ત્રણેયમાં હતી. અબ્દુલને પરસેવો છૂટવા માંડ્યો હતો તો સચિનને પીપી લાગી ગઈ હતી.

‘બા, રૉયલ ઇન્ડિયન બૅન્ક... તમને ખબર છે? એની સિક્યૉરિટી કિલ્લા જેવી છે. પરમિશન વિના અંદર કીડી પણ દાખલ નથી થતી.’

‘એટલે તો મેં તમને પસંદ કર્યા છે.’ બાએ ચોખવટ કરી લીધી, ‘નક્કી થઈ ગયું છે, કેટલીક તૈયારીઓ થઈ ગઈ છે ને બાકીની તૈયારીઓ તમારે ત્યાં જઈને કરવાની છે.’

બાબલાઓ કંઈ કહે એ પહેલાં જ બાએ રાડ પાડી.

‘હરભમ.’ અડધી સેકન્ડમાં માણસ અંદર દાખલ થયો અને બાએ ઑર્ડર કર્યો, ‘ગાડી કાઢ.’

બા ઊભાં થયાં અને રોમેશ, અબ્દુલ અને સચિનને કહી દીધું...

‘આખી વાત હું રાતે સમજાવીશ. અત્યારે મારે મીટિંગમાં જવાનું છે...’

ત્રણેય મુંબઈકરને પોરબંદરમાં રહ્યા પછી એટલું સમજાઈ ગયું હતું કે બાની મીટિંગ એટલે એકાદને થર્ડ ડિગ્રી આપવી.

કોઈ કંઈ પૂછે એ પહેલાં બા ઘરની બહાર નીકળી ગયાં અને પૅલેસ જેવા એ મહાલયમાં એ લોકો એકલા રહી ગયા.

lll

‘તમે ત્રણેય મુંબઈ જશો. મેં કાંદિવલીમાં બૅન્કની બિલકુલ બાજુમાં એક દુકાન ભાડે રખાવી છે. ફર્ન‌િચરનું કામ પણ પૂરું થઈ ગયું છે. દુકાનનું નામ પણ નક્કી છે, શ્રીજી ફરસાણ માર્ટ.’ જમ્યા પછી બાએ વાત શરૂ કરી, ‘તમે ત્યાં દિવસ દરમ્યાન ફરસાણ બનાવશો અને રાત્રે બૅન્કની તિજોરી સુધી પહોંચવાની સુરંગ ખોદશો.’

‘પણ બા અમારે આ કામ ન કરવું હોય તો...’

‘ના નામનો કોઈ ઑપ્શન આ મેરાણી દેતી નથી.’ સવાલ પૂછનારા રોમેશ સામે જોયા વિના જ બાએ કહી દીધું, ‘તમે કામ કરો છો એ સમજીને હવે જે કોઈ વાત મનમાં આવતી હોય એ પૂછતા જાવ.’

IT એક્સપર્ટ એવા અબ્દુલનું મગજ તરત જ ટેક્નિકલ પાસાંઓ પર દોડવા લાગ્યું અને તેણે બાને પૂછી લીધું, ‘બા, બૅન્કમાં આ રીતે શું કામ ઘૂસવાનું? પૈસા માટે જને? તમે... તમે અમને તમારું નામ વાપરવાની છૂટ આપો. અમે તમને બેચાર કરોડ તો આમ ચપટી વગાડતાં લઈ આવી દેશું.’

‘વાત પૈસાની નથી, પૈસો તો ગૌણ છે અબ્દુલ.’ બાના ફેસ પર સ્માઇલ હતું, ‘બૅન્કના લૉકર-નંબર ૧૦૮માં મુસ્તાક કણબીના એવા ડૉક્યુમેન્ટ્સ પડ્યા છે જે બહાર આવે તો મુસ્તાક અને મારો જૂનો દુશ્મન જિંદગીભર જેલમાં સડે... મને એ ડૉક્યુમેન્ટ્સ, એ કાગળિયાં જોઈએ છે.’

ત્રણેય બાબલાઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાઈ ગયું હતું કે એ ડૉક્યુમેન્ટ્સ કયા સ્તર પર જોખમી હશે કે એને લૉકરમાં રાખવામાં આવ્યા છે. તેમને એ પણ સમજાઈ ગયું હતું કે બાને કિડનૅપ કરવાની કરેલી ભૂલ હવે તેમને જિંદગીભર નડતી રહેવાની છે.

‘સવારે તમારી કેશોદથી ફ્લાઇટ છે.’ બા ઊભાં થયાં, ‘કાલથી જ તમે મુંબઈમાં કામે લાગી જશો.’

lll

મુંબઈ પહોંચ્યા પછી અબ્દુલે બૅન્કની આસપાસની સિક્યૉરિટીની રેકી શરૂ કરી અને પછી તેણે લૅપટૉપ પર બૅન્કનો સિક્યૉરિટી મૅપ જોયો ત્યારે તેને પરસેવો વળી ગયો.

‘શું થયું અબ્દુલ?’ સચિને પૂછ્યું, ‘કેમ ચહેરો ઊતરી ગયો?’

‘સચિયા, આ બૅન્કનું જે ડિજિટલ સિક્યૉરિટી સૉફ્ટવેર છે એ ‘વજ્ર ૧.૦’ મેં પોતે પાંચ વર્ષ પહેલાં મારી જૂની IT કંપનીમાં રહીને ડિઝાઇન કર્યું હતું.’

‘તો-તો બહુ સારું થયુંને! તને એના પાસવર્ડ અને વીકનેસની ખબર હશે. આપણું કામ આસાન થઈ ગયું.’

‘એ ડફોળચંદ...’ અબ્દુલના ચહેરા પર ગુસ્સો આવી ગયો, ‘મેં એમાં એવો સેલ્ફ-ડિસ્ટ્રક્ટ મોડ અને સાઇલન્ટ અલાર્મ રાખ્યાં હતાં કે જો કોઈ સૉફ્ટવેર સાથે છેડછાડ કરે તો સીધો પોલીસ કન્ટ્રોલ રૂમમાં મેસેજ જાય અને બૅન્કના તમામ દરવાજા ઑટોમૅટિક મૅગ્નેટિક લૉક થઈ જાય.’

‘તું પણ મૂર્ખ છો. એવું તારે ન કરાયને?’

‌અબ્દુલે સચિન પર તકિયો ફેંક્યો.

‘તારા બાપને ખબર નહોતી કે ભવિષ્યમાં મારે જ આ બૅન્ક લૂંટવા જવાનું છે.’ અબ્દુલે રોમેશ સામે જોયું, ‘રોમલા, તું કંઈક કરને... આપણે આમાં ફસાઈ જશું.’

‘એક રસ્તો છે.’

રોમેશના શબ્દો પૂરા થયા કે

તરત અબ્દુલ અને સચિન તેની પાસે આવી ગયા.

‘બોલ શું છે રસ્તો?’

‘આપણે સુસાઇડ કરી લઈએ...’

lll

કાંદિવલીના વ્યસ્ત ઠાકુર કૉમ્પ્લેક્સમાં એક નવી દુકાનનું ઓપનિંગ થયું. દુકાન ઉપર મોટું બોર્ડ હતું, શ્રીજી ફરસાણ માર્ટ.

દુકાનની બહાર પણ બોર્ડ હતું, જેમાં લખ્યું હતું પોરબંદરનાં સ્પેશ્યલ ગાંઠિયા અને જલેબી રોજેરોજ ગરમાગરમ અમારે ત્યાં મળશે.

તાવડા પાસે અબ્દુલ બેસી ગયો હતો તો દુકાને આવતા ગ્રાહકોને સચિન ફ્રી સૅમ્પલ ખવડાવતો હતો અને રોમેશ કૅશ-કાઉન્ટર પર બેસીને બૅન્કમાં આવતા-જતા લોકો અને સિક્યૉરિટી ગાર્ડ્‍સની અવરજવર પર નજર રાખતો હતો.

સાંજ પડતાં જ દુકાન પાસે ૧૦૦ નંબર લખેલી કાળા કલરની ગાડી આવીને ઊભી રહી અને એમાંથી મજબૂત બાંધાની લેડી બહાર આવી. સફેદ સુતરાઉ સાડી, માથે મોટો લાલ ચાંદલો અને આંખમાં એવો તાપ કે આજુબાજુના ગુંડાઓ પણ રસ્તો આપી દે. બા પોતે રણમેદાનમાં આવી ગયાં હતાં.

‘શું છે બાબલાવ, ધંધો તો પહેલા દિવસે જ જામી ગયો લાગે છેને?

મોટા અવાજે બાએ પૂછ્યું અને પછી બા દુકાનમાં દાખલ થયાં.

‘મારી પાછળ આવો...’

રોમેશ, અબ્દુલ અને સચિન બાની પાછળ ગયા અને દુકાનની પાછળના ભાગમાં આવેલા સ્ટોર રૂમમાં જઈને બાએ પોતાની થેલીમાંથી એક નકશો કાઢ્યો.

‘તૈયાર થઈ જાવ. આજે રાત્રે પહેલો ટાંકણો મારવાનો છે. આ સ્ટોર રૂમમાં એવી રીતે ગોઠવણ કરી છે કે કોઈને ખબર પણ નહીં પડે કે નીચે શું ચાલે છે.’

બાની નજર જમીન પર રહેલી કાર્પેટ પર હતી. અબ્દુલે કાર્પેટ હટાવી અને તેની આંખો પહોળી થઈ ગઈ. બાએ દુકાનમાં એક છૂપી જગ્યા તૈયાર કરાવી રાખી હતી.

‘બા, તમે તો આખું પાયાનું પ્લાનિંગ કરી રાખ્યું છે!’

‘વાતો ઓછી કરો અને કામ શરૂ કરો,’ બાએ પોતાની સાથે લાવેલી થેલીમાંથી આધુનિક સાઇલન્ટ ડ્રિલિંગ મશીન કાઢ્યું. ‘યાદ રાખજો, તમારી પાસે માત્ર સાત દિવસ છે. જો સુરંગ ખોદવામાં મોડા પડ્યા તો મુસ્તાક લૉકરના ડૉક્યુમેન્ટ્સ બીજે ફેરવી દેશે અને જો પકડાયા તો આ વખતે હું પણ તમને નહીં બચાવી શકું.’

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah