સ્ત્રી પુરુષની સાથી બની, સહધર્મચારિણી બની; પણ સ્વતંત્ર રીતે નિર્ણાયક ભૂમિકામાં ન રહી

18 March, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક મહિલા દિવસના અનુસંધાનમાં રોમિલા થાપરનું એક પુસ્તક વાંચવામાં આવ્યું. “The future in the past, essays and reflections”. વિચારપ્રેરક પુસ્તક છે.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક મહિલા દિવસના અનુસંધાનમાં રોમિલા થાપરનું એક પુસ્તક વાંચવામાં આવ્યું. “The future in the past, essays and reflections”. વિચારપ્રેરક પુસ્તક છે. એમાં ભારતમાં માતૃસત્તાક સમાજવ્યવસ્થા હતી અને હજી પણ કેટલાંક સ્થળે છે એની વાત કરવામાં આવેલી છે. ખરેખર આશ્ચર્યજનક છે. આફ્રિકાના અને ભારતના કેટલાક પ્રદેશોમાં અને કેટલીક જાતિઓમાં પરંપરાગત માતૃકેન્દ્રી સમાજ હજી પણ છે. મેઘાલયની ‘ખાસી’ અને ‘ગારો’ જાતિઓમાં તેમ જ કેરલાની કેટલીક જાતિઓમાં બાળકોના નામ પાછળ માતાનું નામ લાગે છે. છોકરીઓને લગ્ન પછી એ જ ઘરમાં રહેવાનો કે બીજે જવાનો વિકલ્પ હોય છે. સૌથી નાની દીકરી એ જ ઘરમાં રહી માતા-પિતાની સંભાળ રાખે છે. અને ‘માતાનો વંશ’ આગળ વધારે છે. માતાના મૃત્યુ બાદ મુખ્ય વ્યક્તિ તરીકેના બધા અધિકારો તે ભોગવે છે અને આમ પરંપરા ચાલુ રાખે છે. આની સામે પુત્ર હોય તો જ વંશ ચાલુ રહે અને મોક્ષ થાય એવી ઘર કરી ગયેલી માન્યતાથી તદ્દન વિપરીત આ સમાજવ્યવસ્થા છે અને પરંપરાગત ચાલતી પણ આવી છે.

એમ અનુમાન લગાવી શકાય કે સમાજજીવનની શરૂઆતમાં જ્યારે મનુષ્ય શિકાર કરીને નિર્વાહ કરતો હતો ત્યારે ઝાડ, ફળ, પાન, મૂળિયાં ભેગાં કરવાનું અને બાળકોને સાચવવાનું તેમ જ રહેઠાણની જગ્યા સાચવવાનું કામ સ્ત્રીઓ કરતી હતી. તેથી મુખ્યત્વે નિર્ણાયક ભૂમિકામાં સ્ત્રીઓ જ હતી. ખોરાકને કેવી રીતે વહેંચવો અને સમયે-સમયે ક્યાં સ્થળાંતર કરવું એવા નિર્ણયો સ્વાભાવિક રીતે જ સ્ત્રીઓ લેતી હતી. તેથી સત્તા ખોરાક આપનારના હાથમાં જ જાય. શિકાર ભલે પુરુષો કરે અને ભૂખ લાગે ત્યારે પોતે ખાઈ લે પણ સમુદાયના સ્થાને તો સૌને ભાગ સ્ત્રીઓ દ્વારા જ મળી શકતો. આજ પર્યંત દેવીમાને પૂજવાની પ્રથા સમાજમાં ચાલતી આવે છે તેથી સ્ત્રીકેન્દ્રી વ્યવસ્થા પૂર્વે હશે એમ માની શકાય. હડપ્પા સંસ્કૃતિમાં પણ નારી આકૃતિ ધરાવતાં શિલ્પો મળી આવ્યાં છે. એ બતાવે છે કે સમાજમાં સ્ત્રીનું મહત્ત્વ હતું. સમય જતાં કબીલાને સાચવવા બળની જરૂર પડી. પશુઓનો સામનો કરવા, વિરોધી કબીલાઓની સામે લડવા પુરુષોની જરૂર પડી. પુરુષ લડે ને જીતે તે મુખિયો બને. એમ સત્તા ધીરે-ધીરે પુરુષના હાથમાં આવતી ગઈ. અને સ્ત્રીનું સ્થાન બીજા સ્તરે ઊતરતું ગયું. વૈદિક સમયમાં તો પુરુષનું મહત્ત્વ યજ્ઞોમાં, મંત્રોચ્ચારમાં, ક્રિયાકાંડોમાં કેન્દ્રમાં હતું એ દેખાઈ આવે છે. મનુસ્મૃતિમાં તો જન્મથી લઈને મૃત્યુ પર્યંત પિતા, પતિ કે પુત્રના આધારે જ સ્ત્રીનું જીવન રહે એવું દર્શાવ્યું છે. સામાજિક પ્રસંગોએ કે ધાર્મિક ક્રિયાકાંડોમાં સ્ત્રીએ કેવી રીતે રહેવું એના નિયમ બનાવેલા હતા. લગ્ન પહેલાં અને લગ્ન પછીના જીવન માટે પણ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જીવનનિર્વાહ કરવો પડતો હતો. સ્ત્રી-પુરુષની સાથી બની, સહધર્મચારિણી બની; પણ સ્વતંત્ર રીતે નિર્ણાયક ભૂમિકામાં ન રહી.

columnists life and style womens day gujarati mid-day