03 August, 2024 10:33 AM IST | Mumbai | Pallavi Acharya
શર્મન જોશી
વિખ્યાત અભિનેતા શર્મન જોશી હવે મેન્ટલિસ્ટ પણ બની ગયો છે. મેન્ટલિસ્ટ એટલે કે લોકોનું મન વાંચી શકતા શર્મને શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. શર્મનનો આખો પરિવાર અભિનયના ફીલ્ડમાં છે, પરંતુ આ ફીલ્ડમાં સફળતા મળશે જ એ નક્કી નથી હોતું. શર્મન કહે છે, ‘મારે બચપણથી ઍક્ટર જ બનવું હતું તેથી ઍક્ટિંગમાં પહેલાં ટ્રાય કરી. ઇન્ટરકૉલેજિયેટ સ્પર્ધામાં મને બહુ પ્રેમ અને પ્રોત્સાહન મળ્યાં. નરસી મોનજી કૉલેજમાં ઘણીબધી કૉમ્પિટિશનો થતી, એમાં મને બેસ્ટ ઍક્ટરના અવૉર્ડ્સ મળ્યા. BComના લાસ્ટ યરમાં હતો ત્યારે મેં પપ્પાને કહ્યું કે પ્લીઝ, મને પ્રોફેશનલ નાટકમાં કોઈ પણ રોલ આપો. એક નાનો રોલ હતો, મેં કર્યો. પપ્પા કહે, હું તારા માટે બરાબર રોલ લખું અને નાટક બનાવું. પણ મેં કહ્યું ના, તમે નાનો રોલ આપશો તો પણ ચાલશે, મારે આઇડિયા લેવો છે કે આ હું કરી શકીશ કે નહીં. મેં જીદ કરીને રોલ લીધો. મારે જાણવું હતું. મેં વિચારી રાખેલું કે ઍક્ટિંગમાં કંઈ નહીં થાય તો સ્ટડી કન્ટિન્યુ કરીશ, જેમાં પહેલો પ્રેફરન્સ હતો લૉ અને નહીં તો બિઝનેસ સ્ટડી.’
હું લકી
શર્મનના પપ્પા અરવિંદ જોશી, કાકા પ્રવીણ જોશી, કાકી અને માસી સરિતા જોશી ગુજરાતી થિયેટરમાં બહુ મોટાં નામ છે. શરૂઆતના એ દિવસોની વાત કરતાં શર્મન કહે છે, ‘આ મને પ્રિવિલેજ હતો. ગુજરાતી થિયેટરમાં મારું પ્રેમથી સ્વાગત થયું. ભગવાનની કૃપા અને મમ્મી-પપ્પાના આશીર્વાદથી મેં સારું કામ કર્યું અને મારું લક પણ સારું કે કરીઅરની શરૂઆતમાં જ મને ‘ઑલ ધ બેસ્ટ’ અને ‘અમે લઈ ગયા તમે રહી ગયા’ એ બે કમાલનાં નાટકો મળ્યાં, જેના ૫૦૦ શો થયા. મારી મહેનત અને ટૅલન્ટ ખરી, પણ લક ન હોય તો કંઈ ન થઈ શકે. હું એટલો લકી કે સરસ નાટકો મને મળ્યાં ને કૉમેડી-ટાઇમિંગ વગેરે ઘણુંબધું નાટકોમાં શીખ્યો. લોકોને લાગે કે મારું કૉમેડી-ટાઇમિંગ કમાલનું છે પણ એ માટે મેં બહુ મહેનત કરી છે. ભગવાનની કૃપા કે હું મારી ટૅલન્ટ પર વર્ક કરી શક્યો. નાટકોમાં ઘણું શીખ્યો. ત્યારે પણ મૉડર્ન થિયેટર હતાં એટલે ડાયલૉગ જોઈને બોલવાના એવું નહોતું અને સાઉન્ડ સિસ્ટમ વગેરે પણ સારાં હતાં. બસ, આ જ રીતે ફિલ્મોમાં પણ કામ કરવા લાગ્યો. ફિલ્મમાં કૅમેરા મારું ઑડિયન્સ હતું. મેં મનમાં નક્કી કરેલું કે કૅમેરાને હું ઑડિયન્સ ગણીશ. આમ થિયેટરમાં કરતો હતો એમ જ ફિલ્મોમાં કામ કરવા લાગ્યો ને લોકોને ગમ્યું. ‘સ્ટાઇલ’, ‘રંગ દે બસંતી’થી લોકો ઓળખતા હતા; પણ ‘થ્રી ઇડિયટ્સ’, ‘ગોલમાલ’થી વધુ ઓળખવા લાગ્યા.’
બે વચ્ચે એક હેલ્મેટ
શર્મન હિન્દી ફિલ્મોના વિલન પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણાને પરણ્યો છે. કૉલેજમાં પહેલી વાર પ્રેરણાને જોઈ અને તેના પ્રેમમાં પડ્યો. ૮ વર્ષના ડેટિંગ પછી તેમણે લગ્ન કર્યાં ત્યારે શર્મન ૨૧ વર્ષનો હતો. તેમનાં લગ્નને ૨૪ વર્ષ થયાં. ડેટિંગ સમયની એક વાતને યાદ કરતાં શર્મન કહે છે, ‘શરૂઆતમાં તેનાં મમ્મી-પપ્પા ખુશ નહોતાં, ટિલ ધે રિયલાઇઝ્ડ આઇ ઍમ સચ અ ગ્રેટ ગાય. એ તો બહુ પછીની વાત છે, પણ શરૂઆતમાં તેમને તેમની દીકરીની થોડી ચિંતા રહેતી હતી. એ સમયે મારી પાસે બાઇક હતી. પ્રેરણાને ક્યારેક પોતાના કોઈ રિલેટિવને ત્યાં જવું હોય તો અમે બાઇક પર જતાં હતાં; પણ એનાં સગાં એક તો વધારે અને કોઈ ખાર તો કોઈ પાર્લે તો કોઈ સાંતાક્રુઝ એમ રહે. બાઇક પર જઈએ એટલે પ્રેરણાને થોડોક ડર રહેતો, તેથી બાઇક પર અમે જઈએ ત્યારે હેલ્મેટ હું તેને પહેરાવતો અને હું બાઇક ચલાવતો. લોકો અમને જોતા રહેતા. આ નજારો અજીબ હતો. કોઈ વાર પોલીસ પકડે તો માઈબાપ કરીને તે માને તો ઠીક, નહીં તો પૈસા આપવા પડે. એ સમયે બીજી હેલ્મેટ ખરીદવાના પણ પૈસા મારી પાસે નહોતા.’
મારી જ જવાબદારી
શર્મનને જીવનમાં કોઈ રિગ્રેટ નથી એનું કારણ આપતાં તે કહે છે, ‘નાનપણથી ભગવાને મને સદ્બુદ્ધિ આપી છે કે હું જે પણ નિર્ણય લઉં એમાં સારું થાય કે ખોટું, એમાં મારી જ જવાબદારી. હું મારી કરીઅર, પ્રોફેશન કે પર્સનલ બાબતોમાં જે પણ કરું એ સમજી-વિચારીને કરું છું. એ માટે બધાની સલાહ પણ લઉં છું, પરંતુ કરું છું મારે જે કરવું હોય એ, પછી એ સારું પડે કે ના પડે. કંઈ ગરબડ થાય તો પણ માની લઉં કે મેં મારી તરફથી કંઈ કમી નથી રાખી પણ પછી પણ ન થયું તો જેવી ભગવાનની ઇચ્છા, મારા સારા માટે જ આ થયું હશે એની ખાતરી હંમેશાં રાખું. એમાંથી પણ કંઈક શીખવાનું છે.’
નવી દુનિયાનો ઉઘાડ
તાજેતરમાં શર્મન બ્રેઇન્ટરટેઇનર્સ નામના શોને હોસ્ટ કરી રહ્યો છે. ૨૦૨૪ની બીજી જૂને આ શો ઓપન થયો. તાતામાં બે શો કર્યા. ત્રીજો શો ઍન્ડ્રુઝમાં થયો અને હવે ચોથો શો વરલીના નેહરુ સેન્ટરમાં ૧૮ ઑગસ્ટે છે. ઍક્ટર તો હું છું જ, પણ હવે મેન્ટલિસ્ટ પણ થઈ ગયો છું એમ કહી આ જાદુઈ દુનિયાની વાત કરતાં શર્મન કહે છે, ‘મેન્ટલિસ્ટ એ રીતે કે હું તમારું માઇન્ડ રીડ કરવા જેવી ઘણીબધી ચીજો પોતે પર્ફોર્મ કરું છું. મેન્ટલિઝમ મૅજિકનું ટૉપમોસ્ટ ફૉર્મ છે. આ એક જાદુગરી જ છે. જાદુગરો વસ્તુઓ સાથે જાદુ કરે, મેન્ટલિસ્ટ મન સાથે જાદુ કરે. ઇલ્યુઝન કરે, માઇન્ડ-રીડિંગ કરે, ભવિષ્યમાં શું થવાનું છે એની આગાહી કરે. આ દુનિયા મને કમાલની લાગી. આ પ્રકારનો શો કરવા માટે હું શ્યૉર નહોતો, કારણ કે નવી દુનિયા છે. અજાણ્યા પ્રદેશમાં પ્રવેશવાનું હોવાથી મને પણ ડર હતો. આ એક જાદુ જ છે, ટ્રિક છે. કોઈ ચમત્કાર કે દૈવી શક્તિ કે એવું કંઈ નથી; પણ તમે જુઓ ત્યારે ચોક્કસ વિચારવા લાગો કે આ થયું કેવી રીતે.’
આ જુદા ફીલ્ડમાં શર્મનની એન્ટ્રીમાં મદદે આવ્યો કોવિડ. મેન્ટલિસ્ટના ફીલ્ડમાં તેની એન્ટ્રીની વાત પણ રસપ્રદ છે. શર્મન કહે છે, ‘૮ વર્ષ પહેલાં ભારતના જાણીતા મેન્ટલિસ્ટ ભૂપેશ દવેનો એક શો હું જોવા ગયો હતો. એ જોઈને હું શૂન્યમનસ્ક થઈ ગયો કે આ શું કમાલ થઈ રહી છે, કેવી ગજબની ઇફેક્ટ પર્ફોર્મ થઈ રહી છે. મને આ દુનિયા કમાલની લાગી. અમારા કૉમન ફ્રેન્ડ્સ હતા એટલે ભૂપેશ સર સાથે અમે મળતા રહેતા હતા. એક વાર મેં તેમને કહ્યું મને પણ એક-બે ચીજો શીખવાડો જેથી કોઈ પાર્ટીમાં ગયો હોઉં ને બતાડું તો લોકોને મજા આવે. તેમણે એક-બે ચીજ શીખવાડી અને મને મજા આવી એટલે કહ્યું, હજી વધુ એક-બે ચીજ શીખવો. એ દરમિયાન કોવિડ આવ્યો, જેમાં અમે બહુ મળતા હતા. આ સમયમાં હું ઘણીબધી ટ્રિક્સ શીખ્યો. એક વાર તેમણે કહ્યું, હવે તો તું પોતાનો શો કરે એટલું શીખી ગયો છે. એ સમયે તેમણે મને પ્રપોઝલ આપી કે આપણે પાર્ટનરશિપમાં શો કરીએ. મેં કહ્યું, આ તો હું ઘરમાં ચાર જણ સામે પર્ફોર્મ કરું છું, સ્ટેજ પર પર્ફોર્મ કરી શકીશ? મને સમય આપો. એપ્રિલમાં ફરી વાત થઈ, મહેનત કરી, શો ડિઝાઇન કર્યો અને બીજી જૂને ઓપન કર્યો. ધાર્યું નહોતું એનાથી દસગણી મજા મને પર્ફોર્મ કરવાની આવી રહી છે, કારણ કે આ શો ઇન્ટરૅક્ટિવ છે. લોકો આવે, વાતો કરે, પાર્ટિસિપેટ કરે અને ઑડિયન્સની સાથે જ પર્ફોર્મ થાય છે.’
ગોચી પણ કરી!
શર્મનના કામથી આ કેવી રીતે જુદું પડે અને વધુમાં શર્મનને એ પોતાની પર્સનાલિટીથી સાવ અલગ કેવી રીતે લાગે એની વાત કરતાં તે કહે છે, ‘અત્યાર સુધી હું તો એ જ શીખ્યો છું કે નાટકમાં ફોર્થ વૉલ એટલે ઑડિયન્સ (૧, ૨ અને ત્રીજી વૉલમાં અમે પર્ફોર્મ કરીએ). સામે જોવાનું નહીં. આ થિયેટરની ડિસિપ્લિન છે જે અમને શીખવાડવામાં આવી હોય છે. હવે આને અચાનક બ્રેક કરીને ઑડિયન્સની સાથે વાત કરવાની છે. બીજું, હું શરમાળ છું. નાટક કે ફિલ્મમાં મારા પાત્ર પાછળ મારી પર્સનાલિટી છુપાવીને હું પર્ફોર્મ કરી શકું છું, પણ અહીં તો મારે ‘હું’ બનીને જ પર્ફોર્મ કરવાનું છે. આમ એક નવી દુનિયા મારા માટે છે. દરેક વખતે શોનો અલગ રંગ હોય છે.’
શરૂઆત છે, ગમેતેટલી તૈયારી કરો તો પણ ભૂલ તો થાય જ. નાટકમાં તો ભૂલો થાય ત્યારે એને સંભાળી લઈ શકાય, પણ અહીં તો ટ્રિક સફળ ન થાય તો શું કરવું? શર્મને બહુ ફની અને મજાના પ્રસંગો કહ્યા, ‘પહેલું નાટક કર્યું ત્યારે જે એક્સાઇટમેન્ટ હતું એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. પહેલી ફિલ્મ કરી ત્યારે પણ એમ જ હતું. અહીં દરેક શો માટે એક્સાઇટમેન્ટ રહે છે. સ્ટેજનો આટલોબધો અનુભવ હોવા છતાં સ્ટેજ પર જઈએ ત્યારે ૯૦ ટકા પેટમાં પતંગિયાં કૂદાકૂદ કરતાં હતાં પણ આ શોમાં તો દર વખતે એટલું ટેન્શન થાય છે કે જાણે પહેલો શો કરવા જઈ રહ્યો છું. એમાં બે વાર મેં ગોચી પણ કરી હતી. નાટકમાં કોઈ ભૂલ થાય તો એનો રસ્તો કેવી રીતે કાઢવો એની ખબર હોય છે, પણ આ શોમાં જતાં હૃદય ધક-ધક કરે છે. શો દરમિયાન ઑડિયન્સ વચ્ચે જઈને હું પર્ફોર્મ કરી રહ્યો હતો એમાં બે વાર ગરબડ કરી. ટ્રિકને સફળ કરવા બે-ત્રણ વાર ટ્રાય કરી પછી મેં ઑડિયન્સને કહ્યું કે ગરબડ થઈ છે, મને એક-બે ચાન્સ આપો. ઑડિયન્સે કહ્યું, સર, ટ્રાય કરો, અમે તમારી સાથે જ છીએ. તેમને મારા પર દયા આવી હશે.’
અંગત-સંગત
શર્મનના પરિવારમાં મમ્મી, પત્ની અને ૩ બાળકો છે. બાળકોનાં નામ સંસ્કૃત ભાષા પરથી છે. દીકરી ખ્યાના (જેનો અર્થ જ્ઞાન થાય છે) ૧૮ વર્ષની છે અને કૅનેડામાં બિઝનેસ સ્કૂલમાં ભણે છે. બે દીકરા વિહાન (અર્થ થાય છે અર્લી મૉર્નિંગ) અને વાર્યન (અર્થ છે એક્સલન્ટ) ટ્વિન્સ છે. ૧૪ વર્ષના છે અને જમનાબાઈ નરસી સ્કૂલમાં ટેન્થમાં ભણે છે. શર્મન કહે છે, ‘મારું અને મોટી બહેન માનસીનું નામ પણ પપ્પાએ સંસ્કૃત પરથી રાખ્યું હતું. શર્મન એટલે જૉય અને માનસી એટલે ઇમૅજિનેશન.’