04 May, 2024 01:45 PM IST | Mumbai | Rajani Mehta
દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી.
કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે પાતળી ભેદરેખા છે, પરંતુ બન્નેનાં પરિણામ વચ્ચે મોટો ફરક છે. ટાઇટૅનિકને એના નિર્માણ બાદ ટૅગ આપવામાં આવ્યો હતો, ‘The Unsinkable Ship.’ પહેલી જ સફરમાં એના શું હાલ થયા એ સૌ જાણે છે. આત્મવિશ્વાસ સફળતા માટે જરૂરી છે, પરંતુ અતિવિશ્વાસ ઘણી વાર નિષ્ફળતા તરફ લઈ જાય છે. અતિવિશ્વાસનું સૂક્ષ્મ કારણ છે બેદરકારી અને અહંકાર. અફસોસ કે એની જાણ થાય ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.
‘કાગઝ કે ફૂલ’ ગુરુ દત્તના ઓવર-કૉન્ફિડન્સને કારણે નિષ્ફળ ગઈ એ કહેવું અર્ધસત્ય છે. હિન્દી ફિલ્મોના ઇતિહાસ તરફ નજર રાખીએ તો નોંધપાત્ર વાત એ છે કે ફિલ્મી દુનિયાના બૅકગ્રાઉન્ડ પર બનેલી મોટા ભાગની ફિલ્મો નિષ્ફળ ગઈ છે. ‘સોને કી ચિડિયા’, ‘અભિનેત્રી’, ‘સિતારા’, ‘કુરુક્ષેત્ર’, ‘અજી બસ શુક્રિયા’ જેવી નિષ્ફળ ફિલ્મોનું કથાનક ઇન્ડસ્ટ્રીના વાતાવરણ પર આધારિત હતું. આ ફિલ્મોના પ્રોડ્યુસર-ડિરેક્ટર ગુરુ દત્ત જેવા વિખ્યાત ફિલ્મમેકર નહોતા. જ્યારે ‘કાગઝ કે ફૂલ’ને ગુરુ દત્ત જેવા સિદ્ધહસ્ત ફિલ્મમેકરનો સ્પર્શ મળ્યો હતો. તો પછી ફિલ્મની સરિયામ નિષ્ફળતાનું કારણ શું હતું?
અબ્રાર અલવી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એક કલાત્મક ફિલ્મ હતી ‘કાગઝ કે ફૂલ,’ પરંતુ ભાવનાના સંઘર્ષમાં એ ક્યાંક ઊણી ઊતરી. ફિલ્મની વાર્તા બદલવાની જરૂર નહોતી. મૂળ કથામાં હીરોને ઘરનું સુખ નહોતું, તેને પત્ની સાથે અણબનાવ છે. પછીથી એ મુદ્દાને બદલી નાખવામાં આવ્યો. અહીં જ ગરબડ થઈ. હીરોનું દુઃખ માનસિક દુઃખ બની ગયું જે લોકો સમજી ન શક્યા. ‘પ્યાસા’માં હીરો દુખી હતો એ સમજાય એવું હતું, કારણ કે હીરો ગરીબ હતો. એટલે તેને પ્રેક્ષકોની સહાનુભૂતિ મળી. અહીં હીરો આલીશાન બંગલામાં રહે છે, મોટી ગાડીમાં ફરે છે, સ્કૉચ વ્હિસ્કી પીએ છે છતાં દુખી છે. તેનું દુઃખ પ્રેક્ષકોને પોતાનું દુઃખ લાગતું નથી. પત્ની પાર્ટીઓ કરે, પતિ સામે દુર્લક્ષ કરે અને પતિ પાયમાલ થઈ જાય એવી વાતો પ્રેક્ષકોને સાહજિક લાગે, પરંતુ અહીં એવું કશું હતું નહીં. આટલા પૈસા હોવા છતાં હીરો દુખી છે એ વાત પ્રેક્ષકોને ગળે ન ઊતરી.
ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એ સમયે અફવા ચાલી કે ગુરુ દત્ત પોતાના જીવન પર આધારિત ફિલ્મ બનાવે છે. એ સાંભળીને તેઓ ડરી ગયા અને ફિલ્મની વાર્તા બદલાવી નાખી. મેં ગુરુ ગુરુ દત્તને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોતાના કૌટુંબિક જીવનને સાચવવા તેમણે વાર્તામાં ફેરફાર કરાવડાવ્યા.
ફિલ્મના પ્રીમિયરમાં જ્યારે ઇન્ટરવલ પડ્યો ત્યારે શમ્મી કપૂરે બૂમ પાડીને કહ્યું, ‘હીરો ક્યાં છે?’ કોઈકે ગુરુ દત્ત સામે આંગળી ચીંધી, પણ શમ્મી કપૂરે કૅમેરામૅન વી. કે. મૂર્તિને બાથ ભરીને કહ્યું, ‘ફિલ્મનો અસલી હીરો તો આ છે.’ મૂર્તિને ફિલ્મ માટે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. (બીજો અવૉર્ડ આર્ટ-ડિરેક્ટર એમ. આર. આચરેકરને મળ્યો હતો) અદ્ભુત કૅમેરાવર્કે ફિલ્મની નબળી વાર્તામાં પ્રાણપ્રતિષ્ઠા કરવાનું કામ કર્યું હતું. ‘વક્ત ને કિયા ક્યા હંસી સિતમ’નું ફિલ્માંકન આનું જીવતુંજાગતું ઉદાહરણ છે. એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘ફિલ્મમાં એક પણ રોમૅન્ટિક દૃશ્ય નહોતું. હીરો-હિરોઇનની પ્રેમની અભિવ્યક્તિ સાંકેતિક હતી. શબ્દો વિના કેવળ ચહેરાના હાવભાવથી સંવાદ થતો હતો. મને લાગે છે કે પ્રેક્ષકોને આ વાત સમજાઈ નહીં હોય. ફિલ્મ અડધી પૂરી થઈ ત્યારે મેં ગુરુ દત્તને કહ્યું કે એક અદ્ભુત કાવ્યાત્મક ફિલ્મ બની રહી છે, પરંતુ જો આમ જ ફિલ્મ ચાલતી રહેશે તો લોકો કંટાળી જશે. એક નિષ્ફળ ડિરેક્ટરની આત્મકથા જોવામાં કોને રસ હોય?’
ગીતકાર કૈફી આઝમી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘અમે સાથે કામ કર્યું એટલે એકમેકની નજીક આવી ગયા હતા. મને લાગે છે કે તેઓ ‘દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી’ જેવી સંવેદનાને પોતાની રીતે લોકો સમક્ષ રજૂ કરવા માગતા હતા, પણ ન કરી શક્યા. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કોઈને એ સમજાતું નહોતું કે ગુરુ દત્ત શું કહેવા માગે છે. એ સમયે તેમના જીવનમાં એવું કંઈક ચાલી રહ્યું હતું જેથી તેમની માનસિક હાલત બરાબર નહોતી. ફિલ્મ શૂટ થતી રહી, વાર્તા બદલાતી રહી, અનેક દૃશ્યો ફરી વાર શૂટ કરવામાં આવ્યા. જેટલી ફિલ્મ રિલીઝ થઈ એના કરતાં બે ગણી ફિલ્મ ડબ્બામાં પડી રહી.’
લલિતા લાજમી કહે છે, ‘એવા પણ રિપોર્ટ આવ્યા કે પડદા પર ગુરુ દત્તને જોઈને લોકો ગાળો આપતા હતા. આવી વાતોની ગુરુ પર ખરાબ અસર થઈ હતી. તે ખૂબ નિરાશ હતો. જીવનભર તેને આ વાતનો રંજ રહ્યો. મને કહે, લલ્લી, કુછ તો બાત હોગી, મારે જે કહેવું હતું એ હું કહી ન શક્યો. મારામાં હવે કામ કરવાની હિંમત જ નથી રહી.’
વહીદા રહેમાન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતા પછી તેઓ એકદમ ફિલોસૉફિકલ થઈ ગયા. તેઓ કહેતા કે જીવનમાં કેવળ બે જ વસ્તુ છે, સફળતા કાં નિષ્ફળતા. એ બેની વચ્ચે બીજું કશું નથી.’
આજે ટેક્નિકલી ‘ક્લાસિક ફિલ્મ’ ગણાતી ‘કાગઝ કે ફૂલ’ ત્યારે નિષ્ફળ કેમ ગઈ? તટસ્થ રીતે વિચાર કરીએ તો એટલું સમજાય કે વાંક ગુરુ દત્તનો નહોતો, સમયનો હતો. અત્યારે સમય એવો આવ્યો છે કે કોઈ અભિનેત્રી વિવાહિત પુરુષના પ્રેમમાં પડીને લગ્ન કરે એ ઘટનાને સામાજિક સ્વીકૃતિ મળી જાય છે. હેમા માલિની, સ્મિતા પાટીલ, સારિકા અને બીજી અભિનેત્રીઓના દાખલા નજર સામે છે. એટલું જ નહીં, બાયોપિક ફિલ્મમાં એ સિવાયની ઘણી વાતોનું ફિલ્માંકન થાય છે જેને પ્રેક્ષકો સહજતાથી સ્વીકારી લે છે. મહેશ ભટ્ટ પોતાની ફિલ્મોમાં અંગત જીવનની અનેક ઘટનાઓ રજૂ કરતાં ડરતા નથી, કારણ કે સમય બદલાયો છે. એ દિવસોમાં ગુરુ દત્તમાં આટલી હિંમત નહોતી. એ ઉપરાંત પોતાનું લગ્નજીવન પણ બચાવવાનું હતું એટલે તેમણે મૂળ વાર્તામાં ફેરફાર કર્યા. તેઓ પોતે તો સમયની આગળ હતા છતાં આવી ફિલ્મો બનાવવાનો સમય નહોતો એટલે તેમણે મૂળ વાર્તા સાથે સમજૂતી કરવી પડી.
‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતાને કારણે ગુરુ દત્ત આર્થિક મુશ્કેલીમાં આવી ગયા. બે-ત્રણ મહિનાથી સ્ટુડિયોના સ્ટાફનો પગાર આપવાનો બાકી હતો. અબ્રાર અલવી સહિત સિનિયર લોકોને તેમણે કહ્યું હતું કે ‘તમે બહાર બીજું કામ શોધી લો.’ તેમની માનસિક હાલત બરાબર નહોતી. એ જોઈને એક દિવસ જૉની વૉકર, રહેમાન અને અબ્રાર અલવી તેમની પાસે આવ્યા અને મૈત્રીભાવે હકથી ખખડાવીને કહ્યું, ‘બસ થયું, પોતાની જાતને દોષ આપવાનું બંધ કરો અને કામે લાગી જાઓ. આટલી મોટી કંપની અને ઘર ચલાવવાનું છે. આમ બેસી રહેવાથી કામ નહીં ચાલે. બહારની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરો અને એક કમર્શિયલ ફિલ્મની તૈયારી કરો. આપણે સૌ સાથે મળીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીશું.’
ગુરુ દત્તની એક આદત હતી. જ્યારે નવરાશ મળતી ત્યારે તેઓ નવી ફિલ્મો માટે વિચારતા રહેતા. શૌકત હુસેન રિઝવીની ‘એક ઝલક’ વાર્તા પરથી તેમણે ભવિષ્યમાં ફિલ્મ બનાવવી એવું વિચાર્યું હતું. નવી ફિલ્મ માટે આ વાર્તા પર આધારિત મુસ્લિમ સોશ્યલ ડ્રામાની સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું નક્કી કર્યું. ગુરુ દત્ત ડિરેક્ટ કરવાના મૂડમાં નહોતા એટલે જૉની વૉકરે મિત્ર એમ. સાદિકનો સંપર્ક કર્યો. તેઓ ઉર્દૂભાષી મુસ્લિમ બૅકગ્રાઉન્ડ ધરાવતા હતા અને આવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા હતા એટલે તેમને ડિરેક્શન સોંપવાનું નક્કી કર્યું. આર્થિક તંગીને કારણે સંગીતકાર તરીકે નૌશાદ અને ગીતકાર તરીકે સાહિર લુધિયાનવીની કિંમત પોસાય એમ નહોતી એટલે રવિ અને શકીલ બદાયુનીની પસંદગી થઈ. રાબેતા મુજબ આ નવી ફિલ્મ ‘ચૌદહવીં કા ચાંદ’ની મુખ્ય ભૂમિકામાં હતાં ગુરુ દત્ત અને વહીદા રહેમાન. એ ઉપરાંત રહેમાન અને જૉની વૉકરની અગત્યની ભૂમિકા હતી.
સંગીતકાર રવિ મારી સાથેની મુલાકાતમાં એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘હું ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવાનો પ્રયત્ન કરતો હતો, જ્યારે ગુરુ દત્ત એક સફળ ફિલ્મમેકર હતા. મને લોકોએ ચેતવ્યો કે તેઓ ખૂબ જ મૂડી છે. તેમની સાથે કામ કરવું સહેલું નથી. અનેક વાર ફિલ્મ શરૂ કરીને અધવચ્ચે બંધ કરી દે છે. આને કારણે મારા મનમાં પણ અવઢવ હતી. જોકે હું તેમને મળ્યો ત્યારે મને વિપરીત અનુભવ થયો. તેઓ એકદમ સરળ હતા. મને તેમની સાદગી અને નિખાલસતા સ્પર્શી ગઈ. તેમની સંગીતની સમજ માટે મને માન થયું. ફિલ્મના સંગીતની સફળતાને કારણે મને મોટા બૅનરની ફિલ્મો મળવા માંડી.’
કેવળ આર્થિક તંગીમાંથી બહાર નીકળવા માટે આ ફિલ્મ બનતી હતી. ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતા ગુરુ દત્તના હૃદયને કોરી ખાતી હતી. તેમનો જીવ ફિલ્મમાં નહોતો. ‘ચૌદહવીં કા ચાંદ’ના આઉટડોર શૂટિંગ માટે લોકેશન પસંદ કરવા ગુરુ દત્તની સાથે ગયેલા કૅમેરામૅન વી. કે. મૂર્તિ કહે છે, ‘એક દિવસ મને કહે, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ...’ મેં પૂછ્યું, ‘અચાનક આપંક્તિઓ કેમ યાદ આવી?’
તો કહે, ‘મને એવું જ લાગે છે. જુઓને, ડિરેક્ટર બનવું’તું, ડિરેક્ટર બની ગયો. અભિનેતા બનવું’તું, અભિનેતા બની ગયો. ફિલ્મો બનાવવી’તી, બનાવી. પૈસા છે, સઘળું છે પણ આમ જુઓ તો કાંઈ જ નથી.’
ફિલ્મની નિષ્ફળતા સાથે પારિવારિક જીવનમાં ગીતા દત્ત સાથેની દૂરી એ બન્નેનું મિશ્રણ ગુરુ દત્તના અસ્તિત્વમાં ઊંડું ઊતરીને તેમને એકલતાના દરિયામાં ધકેલી રહ્યું હતું. એનું શું પરિણામ આવશે એની ખુદ ગુરુ દત્તને પણ ખબર નહોતી