24 March, 2024 10:30 AM IST | Mumbai | Manish Shah
ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુક
સતત દસ દિવસથી પૂરેપૂરો અભ્યાસ કરીને, બન્ને પક્ષોનું વલણ નિહાળીને આ લખવા માટે મજબૂર થયો છું. હા, મજબૂર થયો છું. આટલી બધી ઉપેક્ષા! આટલી બધી અવહેલના! આટલું અપમાન! કેવી રીતે ચાલે? અને એ પણ શેના માટે? લોકશાહીનાં અવિભાજ્ય અંગો, લક્ષણો જેવાં કે સ્થાનિક લોકોનું કલ્યાણ, પ્રદેશની સ્વાયતત્તા, આપેલા વાયદાઓના અમલીકરણ માટેની માગણીઓ કરી એટલે? કોઈ ધ્યાન જ નહીં આપવાનું? જરૂરિયાત નહીં સમજવાની? ના જ ચાલે.
રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતા, શાંત પ્રકૃતિના, પર્યાવરણ માટેના લડવૈયા અને પ્રખ્યાત મૅગ્સેસે અવૉર્ડની શોભા વધારનારા સોનમ વાંગચુકનો આજે ૧૯મો ઉપવાસ છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના અહિંસા અને સત્યના માર્ગોને અનુસરીને આદરેલા ૨૧ દિવસના અનશન વ્રતનો આજે ૧૯મો દિવસ છે; પરંતુ અત્યંત ખેદ અને આક્રોશ સાથે લખવું પડે છે કે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ને, આ પાર્ટીના નેતાઓને, તેમને છોડો... આપણને જ કંઈ પડી નથી. આ વલણ આશ્ચર્યકારક, આઘાતજનક અને અસ્વીકાર્ય છે.
ભારતીય પ્રજા પણ કાયમની જેમ આ સળગતા પ્રશ્ન વિશે ઘણી જ ઉદાસીન છે. ઉપવાસના ચોથા દિવસથી અત્યાર સુધી રોજ મેં સોનમ વાંગચુકના બધા જ વિડિયો અને સરકારી વલણ જોયા પછી વ્યથિત હૃદયે મારા સૌથી પ્રિય સ્થળ લદ્દાખ વિશે, એના મહત્ત્વ વિશે અને ભારતને લદ્દાખની જરૂર વિશે લખવાનું નક્કી કર્યું છે. વાચકમિત્રો, છેલ્લાં ૧૫ વર્ષથી લદ્દાખ પ્રવાસીઓ માટે, ખાસ કરીને યુવાન પ્રવાસીઓ માટે એક અનહદ આકર્ષણનું, પ્રવાસનું કેન્દ્ર રહ્યું છે. આ દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા ઠંડા રણ લદ્દાખમાં એવું તે શું છે જે દર વર્ષે લાખો પ્રવાસીઓને એના તરફ આકર્ષિત કરે છે? જ્યાં વર્ષનો સરેરાશ બે ઇંચ જ વરસાદ પડે છે, જ્યાં વેરાન પ્રદેશો છે, ડુંગરાઓ છે, રેતીના ઢૂવાઓ છે એવા આ લદ્દાખમાં શું છે? શું છે આ લદ્દાખ?
લદ્દાખ એક અનુભૂતિ
મારા ચાર વખતના દીર્ઘ પ્રવાસો વખતે જે અનુભવ્યું છે, જે માણ્યું છે એ વિશે લખતાં હજી પણ એટલો જ રોમાંચ, એટલી જ ઉત્તેજના અનુભવાય છે. જેના મોહમાં, પ્રેમમાં એવો પડ્યો છું કે લદ્દાખની સરખામણીમાં જગતનો કોઈ પણ પ્રદેશ વામણો જ લાગે છે. એ લદ્દાખની આજની લડત જોઈને હૃદય કંપી ઊઠે છે, વ્યથિત થઈ ઊઠે છે, કમકમાં છૂટે છે. લદ્દાખ સાહસની ચરમસીમા છે, લદ્દાખ એક પડકાર છે, લદ્દાખ દરેક સાહસિકનું સ્વપ્ન છે, કુદરત સાથે આંખમાં આંખ માંડવાની એક તક છે. લદ્દાખ કુદરતની બેમાપ શક્તિ સમક્ષ માનવજાતની માનસિક મજબૂતાઈ, સુસજ્જતા પુરવાર કરવા માટેની એક કસોટી છે. લદ્દાખ એટલે ચાદર ટ્રેક, લદ્દાખ એટલે ખારદુંગલા, લદ્દાખ એટલે પૅન્ગૉન્ગ ત્સો, લદ્દાખ એટલે ત્સોમોરીરી, લદ્દાખ એટલે સિંધુ નદી, લદ્દાખ એટલે સ્નો લેપર્ડ, સ્પિતી, ઝંસ્કાર, નુબ્રા... શું લખું? કેટલું લખું? દુનિયામાં કોઈ પણ દેશ પાસે નથી એવું આ લાખેણું લદ્દાખ ભારત પાસે છે અને આપણને, રાજકીય પક્ષોને આ લદ્દાખની કંઈ જ પડી નથી. લદ્દાખ ભારતનો તાજ છે, યુવાન ભારતનો આત્મા છે. લદ્દાખ એક ફરવાનું સ્થળ નથી, પ્રવાસ નથી. લદ્દાખ એક યાત્રા છે, અનુભૂતિ છે. લદ્દાખની ૬૧ ટકા વસ્તી બૌદ્ધ ધર્મ પાળે છે જે દરેક કટોકટી વખતે ભારતની સાથે ખભેખભા મેળવીને ઊભું રહ્યું છે, આપણા પક્ષે લડ્યું છે; સૈનિકોને આ અગમ ભૂમિ, ભૌગોલિક વિષમતાઓને સમજવામાં મદદ કરી છે એની આવી ભયંકર ઉપેક્ષા અને શેના માટે?
આશાનું સોનેરી કિરણ
ટૂંકાણમાં થોડી સમજ આપું. સ્વતંત્રતા પછીનાં લગભગ ૭૦ વર્ષ સુધી આવડું વિશાળ લદ્દાખ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો એક ભાગ રહ્યું હતું; પરંતુ જમ્મુ-કાશ્મીરને મળતી તમામ સવલતો, પ્રાથમિકતાઓથી એને વંચિત રાખવામાં આવ્યું હતું. BJP સત્તા પર આવ્યા પછી લદ્દાખ માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને આશાનું સોનેરી કિરણ લદ્દાખના લોકોને દેખાયું હતું. કાશ્મીરની પ્રજાથી તદ્દન વિપરીત લદ્દાખી લોકોએ BJP સરકારને ઉમળકાથી વધાવી હતી અને તેમને ભારતીય પરંપરા મુજબ કહો કે માથે બેસાડ્યા હતા. BJPએ વધુ એક નક્કર કામ કરી દેખાડ્યું. બંધારણની ૩૭૦મી કલમ એકઝાટકે ચાણક્ય જેવી મુત્સદ્દીગીરીથી ઉડાડી મૂકી અને કાશ્મીર અને લદ્દાખને અલગ દરજ્જો આપીને લદ્દાખ માટે એકદમ જ સકારાત્મક, સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કર્યું.
અન્યાયી જક્કી વલણ
ભયંકર દ્વેષયુક્ત અને દેશવિરોધી પ્રકૃતિઓનું ધમધમતું કેન્દ્ર હોવા છતાં આજની તારીખે કાશ્મીરને આપણી સરકાર પંપાળે છે, પપલાવે છે, થાબડભાણાં કર્યે રાખે છે અને લદ્દાખને? અરે, લદ્દાખને પ્રાથમિકતા તો છોડો; એના તરફ, એના પ્રશ્નો તરફ, લદ્દાખી લોકોના કલ્યાણ માટે કંઈ જ કર્યું નથી એમ કહી શકાય. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે BJPના ચૂંટણીઢંઢેરા (મૅનિફેસ્ટો)નો ત્રીજો મુદ્દો લદ્દાખને બંધારણના છઠ્ઠા અધ્યાયના, આર્ટિકલ ૨૪૪ હેઠળ સ્વાયત્તતા આપવાની બાંયધરી હતી એ પણ પાળવામાં આવી નથી. આ આર્ટિકલ કોઈ પણ પ્રદેશના સ્થાનિક લોકોને એ પ્રદેશના વિકાસમાં સહભાગી બનવાનો હક પ્રદાન કરે છે અને એમ જ હોયને? મારા ઘરના વિકાસ માટે, સુશોભન માટે કોઈ બહારનો માણસ કેવી રીતે નિર્ણય કરે? અને એમાં પણ આ તો એકદમ જ સંવેદનશીલ નાજુક પ્રદેશ. સ્થાનિક લોકોને સહભાગી કર્યા વગર ન ચાલે. લોકશાહીની આ જ તો પ્રથમ જરૂરિયાત છે. એનાથી પણ તેમને વંચિત રાખવાના? આ અન્યાયી જક્કી વલણ છે.
લદ્દાખીઓની બે જ માગણી
મારી સમજ મુજબ લદ્દાખીઓની અત્યારે બે જ માગણીઓ છે. બંધારણના છઠ્ઠા અધ્યાય હેઠળ સહભાગી થવાનો હક અને આટલા વિશાળ, પર્યાવરણની દૃષ્ટિએ એકદમ જ સંવેદનશીલ એવા આ પ્રદેશ માટે સ્થાનિક આગેવાનો સાથેની વિધાનસભા; એવા આગેવાનો જે લદ્દાખના પ્રશ્નો જાણે છે, જરૂરિયાતો સમજે છે અને જેમને આ પ્રદેશનો વિકાસ કરવો છે પરંતુ એકદમ જ સંતુલિત રીતે, પર્યાવરણની પૂરતી કાળજી રાખીને. અહીં આડેધડ વિકાસ માટેની બાજી ગોઠવાઈ ગઈ હોય એવો ડર સર્વત્ર પ્રવર્તમાન છે. ગ્લૅસિયરો પીગળી રહી છે, રડીખડી ગોચર એટલે કે ફળદ્રુપ જમીન કાં તો ચીને પચાવી પાડી છે અને હવે મોટાં ઉદ્યોગગૃહો પોતાની સગવડતા મુજબ પચાવી પાડશે એવો ડર સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે. લોકશાહીની દૃષ્ટિએ આ માગણીઓ જરા પણ ગેરવાજબી નથી.
મોદી-શાહને વિનંતી
લદ્દાખના લોકો શાંત પ્રકૃતિના છે, ભગવાન બુદ્ધને માનનારા છે, અહીંના પર્યાવરણને અને પ્રકૃતિને જાણનારા છે અને સૌથી ઉપર તેઓ સંપૂર્ણપણે ભારતીય છે, ભારતનો જ એક અંશ છે. લદ્દાખ ઉપર લખ્યા મુજબ આપણો તાજ છે, મુગટ છે, ચીન અને પાકિસ્તાન સામેનું આપણું કવચ છે, આપણી શાન છે. મોદીસાહેબને, અમિત શાહસાહેબને એ જ વિનંતી છે કે બીજું બધું છોડો; લદ્દાખને સાચવી લો, જાળવી લો; લદ્દાખીઓની ભાવનાની કદર કરો, તેમણે આપેલા સહયોગ માટેની કૃતજ્ઞતા રાખો; બીજું બધું તો ઠીક, લોકશાહીમાં અહીંના લોકોનો વિશ્વાસ પ્રસ્થાપિત કરો; લદ્દાખને અને એના જોશને પુનર્જીવિત કરો; તેમને સાંભળો, સમસ્યાઓ સમજો અને ગમે એમ કરીને આ પ્રશ્નનો નિવેડો લાવો; લદ્દાખ માટે સાચા, કલ્યાણકારી અને નીતિપૂર્વકના નિયમો અમલમાં મૂકો; ચૂંટણી વખતે જે વાયદાઓ આપ્યા છે એનું પાલન કરો; મોદી હૈ તો મુમકિન હૈ, મોદી કી ઝુબાન ગલત નહીં હોતી એ પુરવાર કરો; લદ્દાખને સાચવી લો; આ પ્રદેશની ભારતને, તમામ ભારતીયોને અને ખાસ કરીને આવનારી પેઢીઓને જરૂર છે; બીજાં બધાં રાજ્યોની જેમ લદ્દાખને પણ ભારતનું એક અવિભાજ્ય અંગ બનાવીને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરો; કરોડો ભારતીયોની આશાને એક પૂર્ણ આકાર આપો; લદ્દાખ ભારતીયોના હૃદયમાં ધબકતો ધબકાર છે; અખંડ ભારતનો જગત આખામાં ગુંજી રહેલો રણકાર છે; અંતમાં તો શ્રી કુદરત શરણમ્ મમ જ કહેવાનું, રહેવાનું છે.
તા.ક. મારાં અસ્થિવિસર્જન માટે ચીનાઓની પરવાનગી લેવી ન પડે; હિમાલયમાં, સિંધુ નદીમાં મારા
જેવા અનેક સાહસિકો વિસર્જિત થઈ, વિખેરાઈ જઈને શાશ્વત શાંતિને પામે એવી જ એક ભારતીય તરીકે અભ્યર્થના. વંદે માતરમ્.