24 February, 2025 12:26 PM IST | Mumbai | Dr. Gyanvatsal Swami
ફાઈલ તસવીર
થોડા સમય પહેલાં કહ્યું હતું એમ ભારતનું સદ્ભાગ્ય છે કે આવા વિરલ મહાપુરુષો આ ભૂમિ પર જન્મ લેતા રહ્યા છે. એની પરંપરામાં પ્રગટેલા પ્રમુખસ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા એ સમયની મારે તમને વાત કહેવી છે.
એક દિવસની સાંજે યોજાયેલી જાહેરસભામાં ઍડ્વાન્સ મિલના એક કર્મચારી અર્જુનભાઈ તેમની દાસ્તાન કહેવા માટે ઊભા થયા. તેમણે કોઈ પણ જાતના શેહસંકોચ વિના વાત માંડીને કહ્યું કે પહેલાં મને સાધુ-સંતો પ્રત્યે જ નફરત. ગામમાં આવે તો તેમને મેથીપાક ચખાડ્યા વિના ન મૂકું. મને એમ જ થાય કે આ ભગવાં પહેરેલાને દેશમાંથી કાઢવા જોઈએ. આવું મને શું કામ હતું એનું કોઈ કારણ નહીં, પણ બસ મને સાધુ-સંતોને જોઈને ગુસ્સો જ આવે અને મારો ગુસ્સો પણ કેવો, સળગતા આગના ગોળા જેવો.
મારા ગુસ્સાથી મિલમાં બધા મારાથી ડરે. મિલમાં જ નહીં, બહાર પણ મારા ગુસ્સાથી લોકો થથરે. બસમાં મને કોઈ ખાલી ‘ખસ’ એટલું કહે ને ઝઘડી પડું, ને જો સામેવાળો જરાક વધારે પડતું બોલે તો પછી મારો હાથ પણ ઊપડી જાય. ઝઘડ્યા વિનાનો કોઈ દિવસ ખાલી ગયો નથી. પણ એક વાર પ્રમુખસ્વામી મહારાજના ઉત્સવમાં આવવાનું થયું, ત્યારથી મારા જીવનમાં નવો વળાંક આવ્યો.
હમણાં હું મંદિરના પાર્કિંગ વિભાગમાં સેવા આપી રહ્યો છું. અહીં મને એક આગંતુકે કારણ વગર અપશબ્દો કહ્યા. હું એકદમ નમ્ર રહી શક્યો. મને પોતાને આશ્ચર્ય થાય છે કે ‘હું ગુસ્સે કેમ ન થયો?’ જો એકાદ વર્ષ પહેલાં આવું કહ્યું હોત તો તેનું અસ્તિત્વ જ ન રહેત. સાચે, મેં તેને ત્યાં ને ત્યાં એવો લમધારી નાખ્યો હોત કે તેને થેલીમાં નાખીને લઈ જવો પડે. પણ એવું થયું નહીં એ તો ઠીક, મને એવો વિચાર સુધ્ધાં ન આવ્યો. મેં એ ભાઈની બે હાથ જોડીને માફી માગી અને હવે તકલીફ નહીં પડે એવી બાંહેધરી પણ આપી. આ મારા પ્રત્યે પ્રમુખસ્વામી મહારાજની કૃપા અને અનહદ પ્રેમ. તેમના વિના હું ક્યારેય આવો થઈ શક્યો ન હોત.’
પાંદડાં-ડાળખાં નહીં પણ મૂળ પર પ્રહાર એ આનું નામ. પ્રમુખસ્વામી મહારાજને આ કળા જન્મસિદ્ધ હતી. તેઓ અનેક લોકોમાં ધરમૂળથી ફેરફારો લાવ્યા અને એનું કારણ હતું મૂળ પર ઘા કરવાની તેમની કુનેહ અને એ કુનેહ પણ કેવી, જેમાં પ્રેમ અને લાગણી સિવાય કશાનો અનુભવ થાય નહીં.