પૅન્ડેમિકે આપણને કેટકેટલું શીખવ્યું, પણ એ બધામાંથી કેટલું યાદ રહ્યું?

16 August, 2024 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે જ્યારે કોવિડનો એ પેન્ડેમિક પિરિયડ મોટા ભાગના લોકોને યાદ નથી રહ્યો ત્યારે મને થાય છે કે એ પિરિયડ ખરેખર ભૂલવા જેવો તો નહોતો જ નહોતો

પ્રતીકાત્મક તસવીર

કોવિડ ક્યારેય નહીં ભુલાય, કોઈને પણ નહીં ભુલાય એવું હું માનું છું અને મને તો ખાસ, કારણ કે કોવિડમાં મેં મારા પપ્પા ગુમાવ્યા. એ પિરિયડે આપણને શીખવાડ્યું, સમજાવ્યું કે બહુ ભાગવાથી કંઈ વળવાનું નથી. ફૅમિલીથી દૂર રહીને ફૅમિલીને બેટર લાઇફસ્ટાઇલ આપવાની આપણે જે આર્ગ્યુમેન્ટ્સ કરતા હતા એ આપણી બધી આર્ગ્યુમેન્ટ્સ કોવિડના પેન્ડેમિકમાં તૂટી ગઈ. ફૅમિલી સાથે હોઈએ એનાથી મોટું બીજું કોઈ સુખ નથી એ વાત આપણને એ પિરિયડમાં સમજાઈ અને એ પણ સમજાયું કે આપણી નીડ ખરેખર કેટલી ઓછી છે. એકબીજા સાથે રહેવાનો એ સમય હતો. નાનામાં નાની વાતમાં એકબીજા પ્રત્યેની કૅર હતી અને એ કૅર વચ્ચે સતત ઇમોશન્સ દેખાતાં હતાં. રિયલિટી તો આ જ છેને? આપણે કઈ બ્રૅન્ડનો મોબાઇલ યુઝ કરીએ છીએ એ નહીં પણ આપણી પાસે ફૅમિલીનું કોણ-કોણ ઊભું છે એ જોવાનો-સમજવાનો એ આખો પિરિયડ હતો એવું મને લાગે છે.

આજે જ્યારે કોવિડનો એ પેન્ડેમિક પિરિયડ મોટા ભાગના લોકોને યાદ નથી રહ્યો ત્યારે મને થાય છે કે એ પિરિયડ ખરેખર ભૂલવા જેવો તો નહોતો જ નહોતો. ઍટ લીસ્ટ, મને એવું લાગે છે. રિલેશનની કિંમત આપણને એ સમયે સમજાવી હતી અને એ પણ સમજાવ્યું હતું કે કુદરતની સામે આપણે બધા લાચાર છીએ, પણ આજના આ સમયને જોઈએ છીએ ત્યારે થાય છે કે આપણે કેટલું ઝડપથી આ જે સત્ય છે એને ભૂલી ગયા.

અફકોર્સ, દરેકની પોતપોતાની વિચારવાની અને જીવન જીવવાની રીત હોય એટલે હું કોઈને દોષ નથી આપતી; પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે જો આપણે કોવિડ આજે પણ ન ભૂલ્યા હોત તો આજે પણ આપણી જરૂરિયાત એટલી જ રહી હોત જેટલી એ સમયે લિમિટેડ થઈ ગઈ હતી અને એ જ રિયલિટી હતી. ભાગવું, દોડવું અને બધું જલદી-જલદી મેળવી લેવાની જે મેન્ટાલિટી એ સમયે કન્ટ્રોલમાં આવી ગઈ હતી એ ખરેખર કન્ટ્રોલમાં રહે તો આજે પણ આપણે એટલી જ શાંતિ સાથે અને નિરાંત સાથે જીવી શકીએ.

મારા જેવા ઘણા હશે જેઓ આજે પણ આવું જ માનતા હશે અને ભાગવા કે દોડવાને બદલે સરળતા સાથે, જરૂરિયાતોને મર્યાદામાં રાખીને પણ બહુ સરસ રીતે જીવી શકાય. ઍટ ધી એન્ડ ઑફ લાઇફ એ નથી જોવાતું કે તમે કેટલું જીવ્યા, પણ જોવાય એ છે કે તમે કેવું જીવ્યા! કદાચ કોવિડનું પેન્ડેમિક આપણને આ જ વાત સમજાવવા આવ્યું હશે. જેણે એ વાત સમજી લીધી તે આજે મર્યાદિત જરૂરિયાતો સાથે પણ ભરપૂર જીવે છે અને જે એ વાત ટેમ્પરરી સમજીને ભૂલી ગયા તે ભરપૂર ભેગું કરવા માટે જીવી રહ્યા છે. જેને જે યોગ્ય લાગ્યું એ કરે છે, બીજું તો શું કહેવાનું.

 

- રિદ્ધિ નાયક-શુક્લ (ઍક્ટ્રેસ રિદ્ધિ નાયક-શુક્લએ ‘એક રૂમ રસોડું’, ‘માધુરી દીક્ષિત’ જેવાં ગુજરાતી નાટકો અને ‘બંદિની’, ‘બાલિકાવધૂ 2’ હિન્દી સિરિયલો કરી છે.)

columnists coronavirus covid19