છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૭)

03 May, 2026 02:21 PM IST  |  Mumbai | Kajal Oza Vaidya

‘નિર્દોષ છૂટી ગયો. તે છોકરીએ તમારી સાથે વાત કરી હતી એના CDR મળ્યા.’ અઝીઝ હસ્યો, ‘ગુડ.’ તેણે કહ્યું, ‘તો બધું પ્લાન મુજબ થયું.’

ઇલસ્ટ્રેશન

સુશીલાનો નંબર બ્લૉક કરી દીધા પછી અઝીઝ સાવધ થઈ ગયો. પોતે સુશીલાને નંબર આપીને ભૂલ કરી એ વાત તેને સમજાઈ ગઈ. જોકે તેના માટે ફોન-નંબર બદલી નાખવો એ કંઈ મોટી વાત નહોતી. તેણે તરત જ સિમ કાઢીને ફેંકી દીધું. અઝીઝ પાસે કોઈ પણ સમયે ત્રણથી ચાર ફોન ઍક્ટિવ રહેતા. તેના નિકટના માણસો પાસે તેનો જે નંબર હતો એ અન્ય કોઈ પાસે નહોતો. એ નંબર સતત બિઝનેસમાં રહેતો. બાકીના નંબરો વારંવાર બદલાતા રહેતા. મુંબઈમાં રહેતા તેના કૉન્ટૅક્ટને તેણે ફોન લગાવ્યો, ‘મકબૂલ, શું થયું પેલા કેસનું?’ તેણે પૂછ્યું.

‘નિર્દોષ છૂટી ગયો. તે છોકરીએ તમારી સાથે વાત કરી હતી એના CDR મળ્યા.’ અઝીઝ હસ્યો, ‘ગુડ.’ તેણે કહ્યું, ‘તો બધું પ્લાન મુજબ થયું.’

‘બિલકુલ શેખસાહેબ.’ તેના માણસે માહિતી આપી, ‘પેલો જર્નલિસ્ટ તેની મદદ કરી રહ્યો છે.’

‘કોણ?’ અઝીઝે પૂછ્યું, ‘અનિસાવાળો?’

‘હા, તે જ.’ મકબૂલે કહ્યું, ‘એ વખતે તો બચી ગયો. તેને કારણે મારો મોટો લૉટ હાથમાંથી ગયો. આખા નેટવર્કના લોકોને જવાબ આપતાં અને પોલીસનાં મોં બંધ કરાવતાં મારી ફાટી...’ તે મર્યાદામાં આગળ બોલ્યો નહીં, પણ તેનું મગજ મિહિરના વિચારમાત્રથી ઉશ્કેરાઈ ગયું હતું.

‘સારું છે. તે મનહૂસ છે, જેની મદદ કરે છે તેનો જીવ લઈને છોડે છે. તે બાઈનો શૌહર પણ મરવાનો થયો છે.’ અઝીઝે કહ્યું.

‘શેખસાહેબ! મિહિર ચૂહા જેવો છે. બધું કાતરીને ખતમ કરી નાખે એવો. તમે હોશિયાર રહેજો.’ મકબૂલે કહ્યું.

‘હમ્...’ અઝીઝે હોંકારો ભણીને ફોન કાપી નાખ્યો. તેનું મગજ ત્રણગણી ઝડપથી વિચારવા લાગ્યું. મિહિર પાઠક જો આ કેસમાં ઇન્વૉલ્વ થયો હોય તો તેણે બધી ભાળ કાઢી જ હશે. રહમત શુજા પોતાના સુધી કઈ રીતે પહોંચ્યો એ સવાલનો જવાબ હવે અઝીઝને મળી ગયો. શુજા આ તપાસમાં જોડાયો છે એટલે સુલતાન સુધી માહિતી પહોંચી જ હશે – એ વાત અઝીઝ માટે ચિંતાજનક હતી. અઝીઝને બજારમાં વેચવા છોકરીઓની કમી નહોતી. અક્ષરા સાથે જે કંઈ થયું એ બધું અઝીઝની થ્રિલનો, રમતનો એક ભાગ હતું. તેણે ક્યારેય ધાર્યું નહોતું કે વાત આટલી વધી જશે! મકબૂલની વાત સાચી હતી. મિહિરના કૉન્ટૅક્ટ આખી દુનિયામાં ફેલાયેલા હતા. તેને અત્યાર સુધી ખબર પડી જ ગઈ હશે કે અક્ષરા શારજાહથી ઇસ્તાંબુલ અને ત્યાંથી મિલાન પહોંચી છે. મિહિરે હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં જે રીતે શોધખોળ કરી હતી એ રીતે અઝીઝ તેને બરાબર ઓળખતો હતો. મિહિરને મિલાન પહોંચતાં વાર નહીં લાગે એ અઝીઝને સમજાઈ ગયું.

હવે તેણે ૩ મોરચે લડવું પડે એમ હતું. રહમત શુજાને ભલે કોઈ પુરાવા ન મળ્યા, પણ તેને શક તો પડ્યો જ છે એટલે તે સહેલાઈથી પીછો નહીં છોડે... મિહિર પાઠક પણ હવે આ લડાઈમાં ઊતર્યો છે એટલે તે જૂના કેસનું પગેરું શોધતો અક્ષરા સુધી પહોંચવાનો પૂરો પ્રયાસ કરશે જ... અને છેલ્લે, ‘બૉસ!’ તેમને જો ખબર પડે કે રાયતું આ હદે ફેલાઈ ચૂક્યું છે તો પહેલા પુરાવા તરીકે તે અઝીઝને જ ઉડાવી દેતાં અચકાશે નહીં.

આજે પહેલી વાર અઝીઝને કોઈ છોકરીને પોતાની જાળમાં સપડાવવાનો અફસોસ થયો. અક્ષરા પોતાની સાથે જે પ્રશ્નો લઈને આવી એને સુલટાવતાં ઘણું લોહી વહેશે એ આશંકા અઝીઝને ક્ષણભર માટે હચમચાવી ગઈ.

થોડી વાર સૂનમૂન બેસી રહ્યા પછી તેણે ઝડપથી વિચારવા માંડ્યું. મિહિર કદાચ મિલાન પહોંચે તો ત્યાંની પરિસ્થિતિને પોતાના કાબૂમાં લેવાનું પહેલું મોહરું સેરેના હતી.

તેણે સેરેનાને ફોન લગાવ્યો, ‘શું ખબર છે?’

‘આમ તો સેટલ્ડ લાગે છે.’ સેરેનાએ કહ્યું, ‘કોઈ ઉધામા નથી કર્યા હજી સુધી. સિચુએશનને સ્વીકારી લીધી છે. સાંજે પહેલો ક્લાયન્ટ...’

‘સાચવજે.’ અઝીઝે સૂચના આપી, ‘આને બીજી છોકરીઓની જેમ ગુમ નહીં કરી શકાય.’ તેના અવાજમાં સહેજ ચિંતા હતી, ‘કોઈ ને કોઈ તેનો પીછો કરી રહ્યું હશે.’

‘હું ધ્યાન રાખીશ.’ સેરેનાએ કહ્યું, ‘કદાચ, કોઈ પીછો કરતું હોય તો તે અહીં સુધી પહોંચી નહીં શકે. એમ ઇટલીમાં કોઈને શોધવા સહેલા નથી. તેનો ઓરિજિનલ પાસપોર્ટ ફાડીને ફેંકી દીધો છે. તેની પાસે પોતાનો ફોન કે કોઈ ડિવાઇસ નથી.’

‘આઇ નો, મને બૉસની એબિલિટી પર પૂરો વિશ્વાસ છે.’ અઝીઝે કહ્યું, ‘પણ અહીં સુલતાનના માણસોને ગંધ આવી ગઈ છે. તે લોકો પણ કદાચ આ છોકરીનું પગેરું કાઢતાં પહોંચે તો નવાઈ નહીં.’

‘ખતમ કરી દઉં? બે લાખ યુરોનું નુકસાન પોસાશે, નવું લફરું નહીં પોસાય.’ સેરેનાએ પૂછ્યું.

‘એટલી ઉતાવળ કરવાની જરૂર નથી. એ સમય આવશે તો એ પણ કરી જ દઈશું...’ અઝીઝે કહ્યું, ‘ખુદા હાફિઝ.’

‘ખુદા હાફિઝ.’ સેરેનાએ ફોન મૂક્યો. પછી સામે દેખાતી મોટી સ્ક્રીન પર તે પૂરા યુરોપના નકશા પર દેખાતા ટ્રૅકર્સને જોતી રહી. આ એ છોકરીઓનાં ટ્રૅકર્સ હતાં જે તેમના માટે કામ કરતી હતી. દરેક ટ્રૅકરને એક નંબર હતો. એ નંબર સાથે ફોનનું લોકેશન અથવા ફોન ક્યાં ફરી રહ્યો છે એની પૂરી માહિતી આ સ્ક્રીન પર દેખાતી હતી. કોઈ CCTV મૉનિટરની જેમ લાલ-ભૂરી લીટીઓ અને ફોનના નંબર્સ સાથે દોરાનાં ગૂંચળાં હોય એવાં ટ્રૅકર્સ આમથી તેમ ફરી રહ્યાં હતાં. જુદા-જુદા દેશના ટાઇમઝોન સાથે મૅચ કરેલાં આ ટ્રેકર્સ સેક્સ-વર્કિંગ માટે ખરીદવામાં આવેલી છોકરીઓના પગમાં અદૃશ્ય બેડી જેવાં હતાં. દરેક છોકરીને અપાયેલા ઘરમાં CCTV કૅમેરા હતા. આ દરેક કૅમેરા અહીંથી ઑપરેટ થઈ શકતા. દરેક છોકરીને અપાયેલા નંબર સાથે એ કૅમેરા અને એનું ટ્રૅકર ઑન થઈ જતાં. સેરેનાએ 322 નંબર પર ક્લિક કર્યું. અક્ષરાનું ઘર દેખાવા લાગ્યું.

તે પોતાના બેડરૂમમાં સૂતી-સૂતી છત તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં એક વિચિત્ર શૂન્યતા હતી. તે જાણે કંઈ વિચારી રહી હોય એમ તેનો ચહેરો ગંભીર હતો. સેરેના થોડી વાર જોતી રહી. અક્ષરાએ ઊભા થઈને એક ચાદર લીધી. આમતેમ જોયું. સેરેના ધ્યાનથી જોઈ રહી હતી. અક્ષરાએ બેડ પર પાથરેલી ચાદર ખેંચી લીધી. એનો ડૂચો લઈને તે આખા ઘરમાં ફરવા લાગી. અક્ષરાએ આખા ઘરની છત તપાસી. સેરેનાને પહેલાં સમજાયું નહીં કે તે શું કરી રહી હતી. પછી સમજાયું કે તે પંખો શોધી રહી હતી, પણ અહીં પંખા નહોતા! અક્ષરાએ આખા ઘરમાં તપાસ કરી. બહાર નાનકડી ગૅલરીમાં બાંધેલા હીંચકાનાં કડાં સિવાય અહીં છતમાં એવું કંઈ જ નહોતું જેના પર ચાદર બાંધીને લટકી જવાય... અક્ષરા જમીન પર પછડાઈને રડવા લાગી. સેરેનાના ચહેરા પર સ્મિત આવ્યું. તે આપઘાતનો પ્રયાસ કરી રહી હતી... ‘ઇટ્સ ઓકે, શરૂઆતમાં બધા જ કરે.’ તેણે સ્વગત કહ્યું.

અક્ષરાએ રસોડામાં જઈને છરી શોધી. કાંડું આગળ કરીને બે-ચાર વાર છરી કાંડા પર મૂકી જોઈ. દબાણ પણ આપ્યું... બસ! તેની હિંમત ન થઈ. તે ધ્રુસકે-ધ્રુસકે રડતી રહી. તેનાથી મરી પણ નથી શકાતું એ વાતે તેણે પોતાની જાતને જ બે-ચાર તમાચા મારી દીધા. સેરેના રસપૂર્વક આ આખી પ્રવૃત્તિ જોતી રહી. તેના ચહેરા પર એ જ વિચિત્ર પ્લાસ્ટિકિયું સ્મિત હતું. રસોડાની ફર્શ પર પડીને ક્યાંય સુધી રડતી રહેલી અક્ષરા અંતે શાંત થઈ. કદાચ તેને સમજાયું કે આનો કોઈ અર્થ નથી. તે ઊભી થઈ. બાથરૂમમાં જઈને મોઢું ધોયું. ફ્રિજમાંથી બ્રેડ-બટર કાઢીને ટેટ્રાપૅકમાં મૂકેલું દૂધ લઈને તેણે કૉફી બનાવી. તે ખાવા લાગી, ‘સર્વાઇવર!’ સેરેનાએ ફરી સ્વગત કહ્યું. ‘આ નહીં મરે! ટકી જશે ઇવેન્ચ્યુઅલી.’ સેરેનાએ નિરાંતનો શ્વાસ લીધો. તેણે હવે નંબર બદલીને બીજી છોકરીઓને ટ્રૅક કરવાનું શરૂ કર્યું. તે પરિસ્થિતિને સરેન્ડર કરીને ગોઠવાઈ જશે એવી તેને ખાતરી થઈ ગઈ!

‘હું તને જવાની રજા કોઈ કાળે નહીં આપું.’ પ્રેમલતા ચોધાર આંસુએ રડી રહી હતી, ‘મારો એકનો એક દીકરો છે તું. એક છોકરી પાછળ તારી જિંદગી બરબાદ કરીશ? જે જવાની હતી તે જતી રહી... હવે કયા જવાબો મેળવવા છે તારે?’

‘મા! તું સમજતી કેમ નથી?’ તેના પગ પાસે બેઠેલો અચ્યુત છેલ્લા અડધો કલાકથી પ્રેમલતા સાથે દલીલ કરી રહ્યો હતો. પ્રેમલતા કોઈ રીતે માનવા તૈયાર નહોતી, પણ અચ્યુત પોતાના મનમાં નક્કી કરી ચૂક્યો હતો. માને દુઃખી કરીને જવાની તેની ઇચ્છા નહોતી એટલે તે શાંતિથી પ્રેમલતાને સમજાવી રહ્યો હતો, ‘મારી અંદર એક ફાંસ તૂટી ગઈ છે. જ્યાં સુધી હું તેની પાસેથી જવાબ નહીં મેળવું ત્યાં સુધી આ ફાંસ મને ખૂંચ્યા કરશે, હું ચેનથી રહી નહીં શકું.’ કહેતાં-કહેતાં અચ્યુતનું ગળું ભરાઈ આવ્યું.

‘ને તારા ગયા પછી હું ચેનથી રહીશ?’ પ્રેમલતાએ પૂછ્યું, ‘આ કેવા માણસો છે? કેવી દુનિયા છે... હું બરાબર સમજું છું. છેલ્લાં ૨૦ વર્ષથી ફોકલૅન્ડ રોડ પર કામ કરું છું. ક્રાઇમ અને સેક્સ-વર્કિંગ એકબીજાથી જુદા નથી. અંધારી દુનિયામાં તને એકલો કેવી રીતે જવા દઉં?’

‘મને કંઈ નહીં થાય.’ અચ્યુતે કહ્યું, ‘બધા પ્રશ્નો પછી હું નિર્દોષ સાબિત થયોને. ભગવાન મારી સાથે છે.’ કહીને અચ્યુતે માના ખોળામાં માથું મૂકી દીધું. પ્રેમલતા ચૂપચાપ દીકરાના વાળમાં આંગળીઓ ફેરવતી રહી. પ્રેમલતા જાણતી હતી કે અચ્યુત જિદ્દી છે. તેણે આજ સુધી નક્કી કરેલું બધું જ કરીને બતાવ્યું હતું. તે ઇટલી જશે જ એ સત્ય પ્રેમલતાને સમજાતું હતું, પણ એક મા તરીકે તેનું મન કોઈ રીતે એ વાતની રજા આપતું નહોતું.

‘મને ખબર છે તું નહીં માને.’ પ્રેમલતાની આંખોમાંથી આંસુ સરતાં હતાં. તેણે બને એટલો સંયમ રાખવાનો પ્રયત્ન કર્યો, પછી રૂંધાયેલા ગળે કહ્યું, ‘જા! નહીં રોકું તને...’ અચ્યુતથી અનાયાસ હાથ જોડાઈ ગયા. હવે તેની આંખો પણ ભીની થવા લાગી, ‘એક વાતનું વચન આપવું પડશે.’ અચ્યુતે નજરથી જ કહી દીધું, તારી બધી વાત મને મંજૂર છે! પ્રેમલતા તેની સામે જોતી રહી. તેના ચહેરા પર અત્યંત માર્દવથી હાથ ફેરવીને પ્રેમલતાએ કહ્યું, ‘તું જ્યાં હોય, જે કરતો હોય, જે પરિસ્થિતિમાં હોય ત્યાં બધેથી દિવસમાં એક વાર મારી સાથે વાત કરવી પડશે.’

અચ્યુતે કંઈ વિચાર્યા વગર સીધું ‘હા’માં ડોકું ધુણાવી દીધું, ‘હું ચોક્કસ ફોન કરીશ.’ કહીને તે સહેજ અટક્યો, ‘ફોન નહીં થઈ શકે તો મેસેજ કરીશ. દિવસમાં એક વાર તારી સાથે સંપર્ક જરૂર કરીશ એવું વચન આપું છું.’ કહેતાં-કહેતાં તે રડી પડ્યો, ‘તારો અવાજ સાંભળ્યા વગર મારો પણ દિવસ નહીં ઊગે મા! હું સમસ્યામાં હોઉં ત્યારે તો મને તું જ યાદ આવે...’ કહીને તેણે ફરી પ્રેમલતાના ખોળામાં માથું ઢાળી દીધું. મા-દીકરો ક્યાંય સુધી પોતપોતાના મનની ગાંઠો ઉકેલતાં મૌન બેસી રહ્યાં. બન્નેના મનમાં પોતપોતાના સવાલો અને પોતપોતાની સમસ્યાઓ ગૂંચવાઈ રહ્યાં હતાં... કોણ કોને મદદ કરે! બન્નેએ પોતપોતાની લડાઈ જાતે જ લડી લેવાનો નિશ્ચય કરી લીધો.

અક્ષરા ઘસઘસાટ ઊંઘતી હતી. આટલું બધું રડ્યા પછી ખાઈને તે પલંગમાં પડી ત્યારે તેની આંખો સ્વાભાવિક રીતે જ મીંચાઈ ગઈ. તેની આંખો ખૂલી ત્યારે તેના ફોન પર લગાતાર રિંગ વાગી રહી હતી. સેરેના સિવાય કોણ ફોન કરે! અક્ષરાએ ફોન ઉપાડ્યો, ‘પાંચ વાગ્યા છે. અત્યાર સુધી તને ઊંઘવા દીધી. હવે ઊઠ, તૈયાર થા. શાર્પ સાડાછએ તને લેવા ગાડી આવી પહોંચશે.’

‘હું તૈયાર ન થાઉં તો?’ અક્ષરા કાચી ઊંઘમાંથી ઊઠી હતી. થોડી ધૂંધવાયેલી, અકળાયેલી હતી. તેને ઘરનું ભોજન પણ મિસ થવા લાગ્યું હતું. અહીં ફસાયાનો અફસોસ તેને કોરી ખાતો હતો. એટલે તેનાથી ચીડમાં પુછાઈ ગયું.

‘તો?’ સેરેના ખડખડાટ હસી, ‘૧૦ મિનિટમાં બે છોકરીઓ આવશે. તને એક થપ્પડ મારી, નવડાવી, તૈયાર કરીને ગાડીમાં બેસાડશે.’

‘હું ક્લાયન્ટ સુધી પહોંચીને પણ કો-ઑપરેટ ન કરું તો?’ અક્ષરા હજી હારી નહોતી.

‘અરે વાહ! બહુ સવાલો સૂઝે છે તને.’ સેરેના ફરી ખડખડાટ હસી, ‘કેટલીક ભૂલોની માફી નથી હોતી એલેના.’ તેણે કહ્યું, ‘અમારા ક્લાયન્ટ્સ VVIP લોકો હોય છે. તેમની સાથે નાનકડી પણ તોછડાઈ કે આડોડાઈ કરવાની ભૂલ નહીં કરતી. તે તને રિસ્પેક્ટ આપશે, તારે તેમને રિસ્પેક્ટ આપવો પડશે.’ સેરેનાનો અવાજ અચાનક તીખો, તેજ થઈ ગયો હતો, ‘અમારા માણસો હોટેલની રૂમના દરવાજાની આસપાસ જ હશે. તારી લાશ બેલાજીઓના કયા ખૂણામાં દફન થઈ જશે એની કોઈને ખબર પણ નહીં પડે. છોકરી તો બીજી પણ મળી જશે, ક્લાયન્ટ જશે તો પાછો નહીં આવે.’ સેરેનાએ કહ્યું, ‘આ બધી જો અને તોની વાતો આપણે પછી કરીશું. ગેટ રેડી ઍન્ડ લુક બ્યુટિફુલ.’ ફોન કપાઈ ગયો. અક્ષરા ક્યાંય સુધી અન્યમનસ્ક બેસી રહી.

તે પરાણે ઊભી થઈ. સામે દેખાતા અરીસામાં તેની નજર ગઈ. તે એલેના હતી કે અક્ષરા? પોતાનું આખું અસ્તિત્વ જ બદલાઈ ગયું હતું. અરીસામાં દેખાતું તેનું જ પ્રતિબિંબ જાણે તેની મજાક કરી રહ્યું હતું. ‘ચૂપચાપ પરિસ્થિતિને સરેન્ડર થઈ જા.’ અરીસામાં દેખાતી એલેનાએ કહ્યું.

‘મરી જઈશ પણ શરીર નહીં વેચું.’ અરીસાની સામે ઊભેલી અક્ષરાએ કહ્યું.

અરીસામાં દેખાતી એલેના હસવા લાગી, ‘મરવું જ હતું તો અઝીઝને ત્યાંથી નીકળતાં પહેલાં જ મરી જવું હતું. તું નહીં મરી શકે. કાયર છે, ડરપોક...’

‘હા, ડરપોક છું.’ અક્ષરાએ કહ્યું, ‘મરીને શું સાબિત કરીશ? બધા ભૂલી જશે મને. એક નવી છોકરી આવશે. તેને નવું નામ મળશે, નવો પાસપોર્ટ. મારી જગ્યાએ તે કામ કરશે. કોઈને કંઈ ફેર નહીં પડે, પણ જો જીવતી રહીને કંઈ કરી શકું તો લોકો યાદ કરશે મને.’

‘એમ?’ અરીસામાં દેખાતી એલેના હજી હસી રહી હતી, ‘શું કરીશ? સાડાત્રણસો છોકરીઓને બચાવીશ? આમનું ઇન્ટરનૅશનલ રૅકેટ ખતમ કરીશ? જેમ્સ બૉન્ડ છે તું? કોઈ ફિલ્મ ચાલે છે અહીં?’ અક્ષરા સાંભળતી રહી, ‘તને શું લાગે છે, તારા પહેલાં કોઈએ આવો પ્રયત્ન નહીં કર્યો હોય? કોઈ છોકરી લડી નહીં હોય? ઝઝૂમી નહીં હોય?’

‘નથી જાણતી, પણ હું સહેલાઈથી હથિયાર નહીં ફેંકું. લડીશ એટલું મેં નક્કી કરી લીધું છે.’

એલેનાએ ધીમેથી કહ્યું, ‘જોઈએ, કેવું લડે છે તું? અત્યારે તો તારી પાસે અડધો કલાક છે. ચૂપચાપ તૈયાર થઈ જા, નહીં તો...’ અક્ષરાની આંખો છલકાઈ પડી. તે પણ જાણતી હતી કે અત્યારે સેરેનાના હુકમને તાબે થયા સિવાય તેની પાસે કોઈ ઉપાય નહોતો.

તેણે બાથરૂમમાં જઈને શાવર ચાલુ કર્યો. હૂંફાળા પાણીનાં ટીપાં તેના શરીર પર પડતાં રહ્યાં. અક્ષરાની આંખમાંથી વહેતાં આંસુ એ ટીપાં સાથે ભળીને વહી ગયાં. અક્ષરા જ્યારે તૈયાર થઈને ગાડીમાં બેઠી ત્યારે તેને આશ્ચર્ય થયું. સેરેના જાતે તેને લેવા આવી હતી.

‘બ્યુટિફુલ!’ સેરેનાથી કહેવાઈ ગયું, ‘હું સમજી શકું છું કે અઝીઝે તારામાં શું જોયું હશે, પારખુ છે. તે જેટલી છોકરીઓ લાવ્યો છે તે અમારા બિઝનેસની સુપરસ્ટાર પુરવાર થઈ છે. તું પણ હવે પછી કોઈ નવા પ્રશ્નો ઊભા નહીં કરે એમ માનું છું.’ એટલું કહીને સેરેનાએ ફરી પેલું પ્લાસ્ટિકિયું સ્મિત કર્યું, ‘આપઘાતનો પ્રયત્ન નહીં કરતી. તને અસાયલમમાં લઈ જશે. અહીં ભારતની જેમ આપઘાત માટે કાનૂની સજા નથી, પણ મેન્ટલ હેલ્થ સેન્ટર કે રીહૅબમાં નાખી દેશે તો ગાંડાઓની વચ્ચે વધુ ગાંડી થઈ જઈશ.’ તેણે કહ્યું. અક્ષરા આશ્ચર્યથી તેની સામે જોતી રહી. સેરેનાએ કહ્યું, ‘તારા ઘરના ઇંચેઇંચમાં CCTV કૅમેરા છે. તારી નાનકડી મૂવમેન્ટ પણ અમારા સુધી પહોંચ્યા વગર નહીં રહે. બીજી વાત, બૉસનું મગજ એક વાર છટક્યું તો તને એવી હાલતમાં જીવવાની સજા કરશે કે તું મોતની ભીખ માગીશ...’ અક્ષરાની નસોમાં લોહી થીજી ગયું.

ગાડી ચાલવા લાગી. બન્નેમાંથી કોઈ કશું બોલ્યું નહીં... લેક કોમોના કિનારે આવેલી ‘વિલા સેરબેલોની’ નામની એક લક્ઝરી હોટેલની બહાર આવીને ગાડી ઊભી રહી... હવે શું થશે એ વિચારમાત્રથી અક્ષરાનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. આટલી ઠંડકમાં પણ તેને પરસેવો વળી ગયો.

(ક્રમશઃ)

columnists kajal oza vaidya gujarati mid day lifestyle news life and style