આશરે ૧૫૦૦ પૉઇન્ટની બેતરફી વધ-ઘટ દાખવીને બજાર છેવટે નહીંવત્ નરમ

17 March, 2025 06:54 AM IST  |  Mumbai | Anil Patel

થાઇલૅન્ડ સવાબે ટકા, હૉન્ગકૉન્ગ પોણો ટકો અને ચાઇના નજીવું નરમ હતું. યુરોપ રનિંગમાં પોણાથી એક ટકો વધેલું હતું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં રિસેશનના ચાન્સ વધીને ૪૦ ટકા થતાં આઇટીમાં માનસ બગડ્યું ઃ ઇન્ફોસિસ સવાચાર ટકા તૂટી બન્ને બજારમાં ટૉપ લૂઝર, આઇટી ઇન્ડેક્સ સાડાઆઠ મહિનાના તળિયે ઃ બૅન્કિંગના ૪૧માંથી ૩૧ શૅર ડાઉન, પરંતુ ત્રણ હેવીવેઇટના સહારે બૅન્ક નિફ્ટી સુધારામાં ઃ જૅગ્વાર લૅન્ડ રોવરની કામગીરી ભીંસમાં રહેવાની ધારણા વચ્ચે તાતા મોટર્સ સવાત્રણ ટકા વધ્યો એની નવાઈ ઃ છ દિવસની ખરાબી બાદ BSE લિમિટેડમાં ૨૦૪ રૂપિયાની તેજી, જેન્સોલ એન્જિનિયરિંગમાં ધબડકો જારી ઃ મુંબઈમાં ૩૬,૦૦૦ કરોડનો મોતીલાલનગર પ્રોજેક્ટ અદાણીને મળ્યો, ગ્રુપના ૧૧માંથી ૭ શૅર ડાઉન

ટ્રમ્પે ઍલ્યુમિનિયમ અને સ્ટીલની આયાત પર પચીસ ટકા ડ્યુટી નાખી દીધી છે. કૅનેડાના કિસ્સામાં પચીસ ટકાના બદલે ૫૦ ટકા ડ્યુટી નાખવાની ધમકી આપી હાલ કામ ચલાવી લીધું છે. વળતા પ્રહારમાં યુરોપિયન યુનિયન ૨૮ અબજની અમેરિકન આયાતને નિશાન બનાવવા સક્રિય બન્યું છે. કૅનેડા અને ઑસ્ટ્રેલિયાએ ઘટતાં પગલાં લેવાની તૈયારી આદરી છે. ટ્રમ્પના મેટલ ટૅરિફની સૌથી માઠી અસર કૅનેડા, બ્રાઝિલ, મેક્સિકો, સાઉથ કોરિયા, વિયેતનામ, જપાન, જર્મની, તાઇવાન, નેધરલૅન્ડ અને ચાઇનાને થવાની દહેશત છે. બીજી બાજુ આયાત સીધી પચીસ ટકા મોંઘી બની જતાં અમેરિકા ખાતે નાના-મોટા ૧૮૯ વપરાશકારા ઉદ્યોગોને વત્તે-ઓછે અંશે પ્રતિકુળ અસર થવાની છે. ફુગાવો વધવાનો છે. માગ ઘટવાની છે. મૉર્ગન સ્ટૅનલીના અર્થશાસ્ત્રી કહે છે કે અમેરિકા મંદીમાં સરી પડવાના ચાન્સ વધીને ૪૦ ટકા થઈ ગયા છે. અમેરિકન શૅરબજાર દિવસે-દિવસે બગડવા માંડ્યું છે. ગોલ્ડમૅન સાક્સ દ્વારા સ્ટાપુઅર્સ ૫૦૦ માટેનું ટાર્ગેટ ડી ગ્રેડ કરાયું છે. શૅરબજારમાં ખરાબીને ખાળવા ટ્રમ્પે કૉર્પોરેટ મેળાવડા શરૂ કરી દીધા છે. ટ્રમ્પના મેટલ ટૅરિફ પછી એશિયન બજારો બુધવારે બહુધા સુધર્યાં છે. સાઉથ કોરિયા તથા ઇન્ડોનેશિયા દોઢ ટકાથી વધુ અને તાઇવાન એક ટકો મજબૂત થયું છે.

થાઇલૅન્ડ સવાબે ટકા, હૉન્ગકૉન્ગ પોણો ટકો અને ચાઇના નજીવું નરમ હતું. યુરોપ રનિંગમાં પોણાથી એક ટકો વધેલું હતું. લંડન ફુત્સી સાધારણ સુધારામાં હતો. બ્રેન્ટક્રૂડ ૭૦ ડૉલર નજીક ટકેલું છે. બિટકૉઇન રનિંગમાં ૮૨,૮૨૭ ડૉલરે ફ્લૅટ હતો.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૬૯ પૉઇન્ટ પ્લસ, ૭૪,૨૭૧ ખૂલ્યા પછી ૭૨ પૉઇન્ટ ઘટી ૭૪,૦૩૦ તથા નિફ્ટી ૨૭ પૉઇન્ટ ઘટીને ૨૨,૪૭૦ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ બજાર ઉપરમાં ૭૪,૩૯૨ અને નીચામાં ૭૩,૫૯૮ થયું હતું. માર્કેટ બ્રેડ્થ મૂરઝાયેલી જ રહી છે. NSEમાં વધેલા ૯૯૩ શૅર સામે ૧૮૩૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૪૧ લાખ કરોડ રૂપિયા ઘટી ૩૯૨.૮૪ લાખ કરોડ જોવાયું છે. સેક્ટોરલ લગભગ મિશ્ર વલણમાં હતાં. અમેરિકાની ફિકરમાં આઇટી બેન્ચમાર્ક ૩૫,૧૬૯ની સાડાઆઠ મહિનાની બૉટમ બનાવી ત્રણ ટકા કે ૧૧૦૮ પૉઇન્ટ લથડી ૩૫,૫૭૦ બંધ રહ્યો છે. અત્રે ૫૬માંથી કેવળ પાંચ શૅર પ્લસ હતા. આઇટી સાથે ટેલિકૉમ ઇન્ડેક્સ બે ટકા બગડતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પણ અઢી ટકા કપાયો છે. અન્યમાં રિયલ્ટી પોણાબે ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકા, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પોણો ટકો, નિફ્ટી મીડિયા દોઢ ટકો, મિડકૅપ પોણો ટકો માઇનસ હતા. ઑટો બેન્ચમાર્ક સર્વાધિક અડધો ટકો સુધર્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક અને કોટક મહિન્દ્ર બૅન્કની આગેવાની હેઠળ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅર ઘટવા છતાં ૨૦૩ પૉઇન્ટ વધ્યો છે.

પ્રાઇમરી માર્કેટમાં પીડીપી શિપિંગનો શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૧૨૬૫ લાખ રૂપિયાનો SME ઇશ્યુ કુલ એક ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ભરણું રીટેલમાં ૧.૯ ગણું ભરાયું હતું, પણ HNI પોર્શન ૧૪ ટકા જ ભરાયો છે. સુપર આયર્ન ફાઉન્ડ્રીનો ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૬૮૦૫ લાખ રૂપિયાનો SME IPO બીજા દિવસના અંતે કુલ ૪૫ ટકા ભરાયો છે. HNI પોર્શનમાં ફક્ત ૬ ટકાનો જ રિસ્પૉન્સ મળ્યો છે. આગલા દિવસે ૧૪ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૦૨ બંધ થયેલી નેપ્સ ગ્લોબલ એક વધુ નિચલી સર્કિટેમાં ૯૮ની અંદર જઈ ત્યાં જ બંધ થઈ છે.

બુલરન જાળવી રખતાં કામત હોટેલ અને તાજ જીવીકે નવા શિખરે

જેન્સોલ એન્જિનિયરિંગ એક વધુ નીચલી સર્કિટમાં પાંચ ટકા તૂટી ૨૭૫ના નવા તળિયે બંધ થયો છે. ૧૨ દિવસમાં આ કાઉન્ટર ૫૦ ટકા ગગડ્યું છે. BSE લિમિટેડ સતત છ દિવસના ઘટાડા બાદ ગઈ કાલે સવાપાંચ ટકા કે ૨૦૪ રૂપિયા ઊછળી ૪૦૧૪ બંધ થયો છે. CDSL તથા MCX સવા ટકા જેવા નરમ-ગરમ હતા. ઓલા ઇલેક્ટ્રિક નહીંવત્ સુધરી ૫૧ થયો છે. સબસિડિયરીમાં ૬૯૬ કરોડનું રોકાણ કરવાની યોજના પાછળ પૉલિસી બાઝાર ૪ ગણા વૉલ્યુમે નીચામાં ૧૩૩૫ થઈ સાડાચાર ટકાની ખરાબીમાં ૧૪૦૩ રહ્યો છે. મૅનેજિંગ ડિરેક્ટરને સેબીએ નોટિસ આપી હોવાના અહેવાલમાં કાયનેસ ટેક્નૉલૉજીઝ વૉલ્યુમ સાથે ભારે ઊથલપાથલમાં જોવાયો હતો. શૅર ૯ ટકાથી વધુના કડાકામાં ૩૮૯૪ની અંદર ગયા બાદ તગડા બાઉન્સબૅકમાં ૪૪૦૫ બતાવી નામપૂરતા ઘટાડે ૪૩૦૦ બંધ આવ્યો છે.

વૉલ્યુમ સાથે ખુવારીની હૅટ-ટ્રિકમાં કે ઍન્ડ આર રેલ એન્જિનિયરિંગ ગઈ કાલે ૧૬૯ની બે વર્ષની બૉટમ બનાવી ૧૭.૬ ટકાના કડાકામાં ૧૭૫ નજીક બંધ થયો છે. આ શૅર વર્ષ પૂર્વે ૬૩૭ હતો. બીજી ઑક્ટોબર ૨૦૨૩ના રોજ ભાવ ૮૬૩ના સર્વોચ્ચ શિખરે ગયો હતો. ડિસેમ્બરમાં ૧૭ લાખથી વધુ ગ્રાહક ઓછા થવાના પગલે વોડાફોન સાડાત્રણ ટકા બગડી સાત ઉપર રહ્યો છે. તાજ જીવીકે બુલરન જારી રાખતાં ૫૧૮ના શિખરે જઈ દોઢ ટકો વધી ૫૦૯ની નજીક તો કામત હોટેલ્સ ૩૨૭ની ટૉપ બતાવી પાંચકે ટકા ઊછળી ૩૧૮ બંધ રહ્યા છે.

અદાણી ગ્રુપની અદાણી પ્રૉપર્ટીઝને મુંબઈ ખાતે મોતીલાલનગરના રીડેવલપમેન્ટ માટે આશરે ૩૬,૦૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. અદાણીની ફ્લૅગશિપ અદાણી એન્ટર સાધારણ ઘટી છે. અદાણી એનર્જી અઢી ટકા, અદાણી ગ્રીન સાડાત્રણ ટકા, અદાણી ટોટલ અડધો ટકો પ્લસ હતા. સામે સાંધી ઇન્ડસ્ટ્રીઝ સવાબે ટકા, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો, એસીસી પોણો ટકો, NDTV દોઢ ટકા, અદાણી વિલ્મર પોણાબે ટકા, અદાણી પોર્ટ્સ પોણો ટકો ઘટ્યા છે. ટેલિકૉમમાં એકંદર નરમાઈ વચ્ચે MTNL બમણા કામકાજે પોણાછ ટકા ઊચકાઈ ૪૩ વટાવી ગઈ છે.

હિન્દુજાની હૈયાધારણમાં તળિયે ગયેલી ઇન્ડસઇન્ડ બૅન્ક ઊછળી

કરન્સી ડેરિવેટિવ્ઝમાં હિસાબી ગોટાળાને લઈ મંગળવારે ૨૭ ટકા તૂટેલી ઇન્ડસઇન્ડ બૅન્ક ગઈ કાલે ૬૦૫ની નવી પાંચેક વર્ષની બૉટમે ગયા પછી શાર્પ બાઉન્સબૅકમાં ૬૯૭ વટાવી ૪.૪ ટકા ઊચકાઈ ૬૮૫ બંધ રહી છે. બૅન્કને કશો વાંધો નહીં આવે, અમે બેઠા છીએ એવી પ્રમોટર્સ હિન્દુજાની હૈયાધારણ હાલ તો કામ કરી ગઈ છે. દરમ્યાન ઇન્ડસઇન્ડ બૅન્ક જેવા ગોટાળા અન્ય બૅન્કોમાં તો નથીને એની ખાતરી કરવા રિઝર્વ બૅન્કે ઉદ્યોગવાર ડેરિવેટિવ્ઝ પોઝિશનની તપાસ હાથ ધરી છે. ટૅરિફ-વૉરને લઈ વિશ્વ વેપારના અનિશ્ચિત માહોલમાં જૅગ્વાર લૅન્ડ રોવરની કામગીરીને માઠી અસર થશે એ નક્કી હોવા છતાં તાતા મોટર્સ ૩.૨ ટકા વધીને ૬૬૮ બંધ આવ્યો એની નવાઈ છે. HDFC બૅન્ક સવાત્રણ ગણા વૉલ્યુમે દોઢ ટકા વધી ૧૭૧૨ બંધ આપી બજારને સર્વાધિક ૧૭૫ પૉઇન્ટ ફળી છે. કોટક બૅન્ક અઢી ટકા વધતાં એમાં બીજા ૬૦ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. બજાજ ફાઇનૅન્સ, આઇટીસી, સનફાર્મા સવાથી પોણાબે ટકા મજબૂત હતા.

ઈલૉન મસ્કની સ્ટારલિન્કના ભારત પ્રવેશ સામે બાયો ચડાવીને બેઠેલા સુનીલ મિત્તલ તથા મુકેશ અંબાણીએ નીચી મૂંડીએ સમાધાન કરી લીધું છે. ભારતી ગ્રુપ અને રિલાયન્સ બન્નેએ સ્ટારલિન્ક માટે મસ્કની સ્પેસએક્સ સાથે ભાગીદારી કરી લીધી છે. રિલાયન્સ ગઈ કાલે પોણો ટકો વધી ૧૨૫૬ તો ભારતી ઍરટેલ એક ટકો ઘટી ૧૬૪૫ બંધ રહ્યા છે.

આઇટીમાં ડીરેટિંગ શરૂ થયું છે. મૉર્ગન સ્ટૅનલીએ ઇન્ફોસિસમાં ૨૧૫૦ની ટાર્ગેટ પ્રાઇસ કાપીને ૧૭૪૦ કરી નાખી છે, જેમાં ઇન્ફી ગઈ કાલે નીચામાં ૧૫૬૪ થઈ સવાચાર ટકા તૂટી ૧૫૮૯ બંધ થતાં બજારને ૨૨૧ પૉઇન્ટનો માર પડ્યો છે. ટીસીએસ બે ટકા, ટેક મહિન્દ્ર ૨.૮ ટકા, HCL ટેક્નૉ ૧.૯ ટકા, વિપ્રો ૩.૪ ટકા, લાટિમ સાડાત્રણ ટકા ડૂલ થયા છે. અન્યમાં એશિયન પેઇન્ટ્સ, ઍક્સિસ બૅન્ક, અદાણી પોર્ટ્સ, ઝોમાટો, હિન્દુસ્તાન યુનિલીવર, ONGC, હીરો મોટોકૉર્પ, ડૉ. રેડ્ડીઝ લૅબ, તાતા કન્ઝ્યુમર પોણાથી દોઢ ટકા ડાઉન હતા. નેસ્લે ૨.૪ ટકા બગડી ૨૧૯૬ રહ્યો છે. સ્ટેટ બૅન્ક એક ટકો અને ટાઇટન પોણો ટકો ઢીલા હતા.

business news gujarati mid-day columnists share market stock market national stock exchange bombay stock exchange nifty sensex