24 October, 2026 08:20 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બન્ને બજારના તમામ સેક્ટોરલ લાલ થયા, માર્કેટ બ્રેડ્થમાં ભારે બૂરાઈ, માર્કેટકૅપમાં ૬.૫૯ લાખ કરોડના ધોવાણ વચ્ચેય સેન્સેક્સ માત્ર સવાસો પૉઇન્ટ ડાઉન : જિયો ફાઇનૅન્શિયલ નવા વર્સ્ટ લેવલે, હિન્દુસ્તાન યુનિલીવર-NTPC-SBI લાઇફ, તાતા મોટર્સ પૅસેન્જર,પાવર ગ્રિડ, નેસ્લે, ભારત ઇલેક્ટ્રિકલમાં નવા નીચા ભાવ : પરિણામ પૂર્વે ઇન્ફીમાં પરચૂરણ સુધારો, ૧૦૩૭ના નીચલા ભાવે મોટો માલ વેચાઈ જતાં એક બ્રોકરને ભારે નુકસાનની ચર્ચા : બંધ બજારે ઇન્ફીનાં એકંદર ધારણા કરતાં થોડાંક ઢીલાં પરિણામ
બજારને ઘટ-વા ઊપડ્યો છે. એક કદમ આગે તિન કદમ પીછેની ચાલમાં માર્કેટનું પોત સતત પાતળું પડી રહ્યું છે. બજારના પગ ક્યાંય દેખાતા નથી. રિલાયન્સની જિયો પ્લૅટફૉર્મનો મહાકાય IPO અવનવા વિક્રમ સર્જી પૂરો થયો છે. માર્કેટમાં દિવાળી-સેલ હવે કેવું જોર પકડે છે એ જોવાનું છે. સેન્સેક્સ આગલા બંધથી ૪૧૬ પૉઇન્ટ પ્લસ, ૭૩,૬૬૫ ઉપર ખૂલી છેવટે ૧૨૫ પૉઇન્ટ ઘટી ૭૩,૧૨૪ તથા નિફ્ટી ૮૮ પૉઇન્ટના ઘટાડે ૨૨,૬૦૦ શુક્રવારે બંધ થયો છે. પ્રથમ નજરે આ ઘટાડો મામૂલી છે, પરંતુ વાસ્તવિકતા ઘણી કડવી છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૭૩,૭૬૬ વટાવી ગયો હતો. ૫૧૭ પૉઇન્ટનો સુધારો અલ્પજીવી નીવડ્યો હતો. બજાર ત્યાંથી ૧૩૧૪ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૭૨,૪૫૨ થયું હતું. કસીનો-સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૨,૯૯૫ તથા નિફ્ટી ૨૨,૫૧૬ હતો. માર્કેટ બ્રેડ્થમાં કશું સારાપણુ નથી. NSEમાં વધેલા ૬૨૪ શૅરની સામે પાંચ ગણા કે ૩૦૧૧ શૅર લાલ થયા છે. સેન્સેક્સ નિફ્ટીની રીતે બજાર નહીંવતથી સાધારણ ઘટ્યું છે. સેન્સેક્સ માત્ર સવાસો પૉઇન્ટ ઢીલો થયો છે, પરંતુ માર્કેટકૅપની રીતે રોકાણકારોના ૬.૫૯ લાખ કરોડ રૂપિયા ગઈ કાલે હોમાઈ ગયા છે. સરવાળે માર્કેટકૅપ ગગડી ૪૫૧.૮૩ લાખ કરોડે આવી ગયું છે. મતલબ બહુ સાફ છે. બ્રૉડર માર્કેટ, સ્મૉલકૅપ, મિડકૅપ અને સાઇડ શૅરોમાં રીતસર મંદીનું બુલડોઝર ચાલી રહ્યું છે. લોકો ૫.૭ વર્ષમાં જે કાંઈ કમાયા હતા એ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે છેલ્લા કેટલાક ગણતરીના દિવસો કે મહિનામાં સાફ થઈ ગયું છે. MTF કે માર્જિન ટ્રેડ ફેસિલિટીની સુવિધાનો લાભ લઈ જે લોકો તેજીની ગાડીમાં ચડી ગયા છે તેમની કત્લે-આમ હવે થવાની છે. SIP સહી હૈ, સહી હૈના તાલમાં જે ઘેટાંગીરી ચાલી છે તેમના ઊન સાથે ચામડી હવે ઊતરવાની છે, લખી રાખજો. બ્રેન્ટ ક્રૂડ ૧૧૪ ડૉલર વટાવી ૧૧૫ ડૉલર ભણી ગતિમાન છે. ત્યારે ડૉલર સામે સળંગ ૮ દિવસના આભાસી સુધારા બાદ રૂપિયો બીજા દિવસે પણ ઘટ્યો છે. ડૉલરદીઠ ૯૫નું લેવલ આજકાલમાં નક્કી છે (અને... ત્રણેક મહિનામાં ડૉલરદીઠ ૧૦૦ રૂપિયાનો ભાવ આવશે એ અમે ફરીવાર દોહરાવીએ છીએ.
એટર્નલ સેન્સેક્સમાં ૪ ટકા અને નિફ્ટીમાં સવાચાર ટકા વધી ગઈ કાલે બેસ્ટ ગેઇનર બની છે. અપોલો હૉસ્પિટલ્સ ૧.૭ ટકા, લાર્સન સવા ટકો, TCS એક ટકો, રિલાયન્સ ૧.૨ ટકા પ્લસ હતી. નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ ચાર ટકા તૂટી ૮૬૫ના બંધમાં તો સેન્સેક્સમાં તાતા સ્ટીલ સવાત્રણ ટકા પિગળી ૧૬૭ના બંધમાં ટૉપ લૂઝર બની છે. અન્યમાં સેન્સેક્સ ખાતે અદાણી પોર્ટ્સ ૩ ટકા, ટ્રેન્ટ ૨.૧ ટકા, ટેક મહિન્દ્ર બે ટકા, ભારત ઇલેક્ટ્રિકલ ૧.૯ ટકા, ઇન્ડિગો તથા બજાજ ફિનસર્વ પોણાબે ટકા, કોટક બૅન્ક ૧.૭ ટકા ડૂલ હતી. નિફ્ટીમાં JSW સ્ટીલ ૨.૮ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર બે ટકા, અદાણી પોર્ટ્સ ૨.૭ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨.૯ ટકા, તાતા સ્ટીલ ૨.૭ ટકા, હિન્દાલ્કો ૧.૮ ટકા, ટ્રેન્ટ પોણાબે ટકા માઇનસ હતી.
જિયો ફાઇનૅન્શિયલ સવાબે ગણા કામકાજે ૨૦૨નું ઐતિહાસિક બૉટમ બનાવી ૨.૮ ટકા બગડીને ૨૦૫ બંધ થઈ છે. બંધની રીતે આ સંભવત : એની ઑલટાઇમ બૉટમ છે. આ સિવાય NTPC, ભારત ઇલેક્ટ્રિકલ, હિન્દુસ્તાન યુનિલીવર, નેસ્લે, તાતા મોટર્સ પૅસેન્જર, પાવર ગ્રિડ, SBI લાઇફમાં ગઈ કાલે નવા ઐતિહાસિક નીચા બૉટમ બન્યા છે. ઇન્ફી પરિણામ પૂર્વે ઉપરમાં ૧૧૯૮ થયા બાદ નીચામાં ૧૦૩૭ થઈ છેલ્લે સાડાત્રણ રૂપિયાના પરચૂરણ સુધારામાં ૧૧૫૪ બંધ થયો છે. બજાર બંધ થયા બાદ કંપનીએ ૧૧ ટકા વધારામાં ૪૯,૨૪૪ કરોડની આવક ઉપર ૬ ટકા વૃદ્ધિદરથી ૭૮૨૩ કરોડ નફો મેળવી શૅરદીઠ ૨૬નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. બ્લુમબર્ગની ધારણા ૪૯,૧૩૫ કરોડની આવક તથા ૭૯૦૫ કરોડના નફાની હતી.
એડલવાઇસની ઈઆ ઇન્ડિયા ઑલ્ટરનેટિવ્સનો OFS IPO સોમવારે
સોમવારે મુંબઈના કલિના ખાતેની ઈઆ (EAAA) ઇન્ડિયા ઑલ્ટરનેટિવ્સ પાંચના શૅરદીઠ ૧૬૬૫ની અપરબેન્ડમાં ૧૨૦૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ કરવાની છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૪માં સ્થપાયેલી આ કંપની ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટ બિઝનેસમાં પ્રવૃત્ત છે ગત વર્ષે ૨૩ ટકાના વધારામાં ૯૬૪ કરોડ આવક ઉપર ૧૫ ટકા વૃદ્ધિદરથી ૨૬૫ કરોડ નેટ પ્રૉફિટ કર્યા પછી કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૭૩૬ કરોડની આવક ૮૦૭૧ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું ૪૦૦ કરોડ નજીક છે. ઇશ્યુ પ્રાઇસ ગત વર્ષની કમાણી પ્રમાણે ૪૦.૬નો પીઇ બતાવે છે. એડલવાઇસ ગ્રુપની કંપની છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
રિલાયન્સની સબસિડિયરી જિયો પ્લૅટફૉર્મનો ૧૦ના શૅરદીઠ ૧૧૧૯ના ભાવનો ૩૦,૨૧૩ કરોડનો મેગા ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૨.૭ ગણા, HNIમાં ૧૩.૯ ગણા, QIBમાં ૫૦.૩ ગણા સહિત કુલ ૧૮.૬ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. પ્રીમિયમ સુધરીને હાલ ૨૫૦ ચાલે છે. ગુરુગ્રામની પારસ હેલ્થકૅરનો એકના શૅરદીઠ ૬૯૩ના ભાવનો ૧૪૫૦ કરોડનો ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૨.૧ ગણા સહિત કુલ ૨.૩ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ગગડતું રહી સાડાત્રણ થઈ ગયું છે.
SME સેગમેન્ટમાં મૈસૂરની કોર ફૉર એન્જિનિયર્સનો ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવનો ૫૫ કરોડનો BSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૧૪ ટકા સહિત કુલ ૮ ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી. ઇન્દોરની શૅરદીઠ ૧૦૧ના ભાવે ઇશ્યુ કરનારી પેશ્વા વ્હીટ લિસ્ટિંગ બાદ સતત ગગડતી રહી ગઈ કાલે ૩૫ નીચેના વર્સ્ટ લેવલે જઈ ૧૦ ટકાની તજીની સર્કિટમાં ૪૧ વટાવી છેવટે ત્યાં જ બંધ રહી છે.
બેરિશ વ્યુ વચ્ચે સિયેન્ટ સવા વર્ષની ટોચે જઈને મજબૂત
સિયેન્ટ લિમિટેડે ૨૨.૫ ટકા વધારામાં ૨૨૪૪ કરોડ નજીક આવક મેળવી છે પણ નેટ નફો ૭ ટકા ઘટી ૧૩૨ કરોડ નોંધાયો છે. કંપનીએ શૅરદીઠ ૧૨ રૂપિયા ઇન્ટરિમ જાહેર કર્યું છે. બ્રોકરેજ હાઉસ દ્વારા ૧૦૨૦ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ વ્યુ જારી થયા છે. શૅર જોકે ૩ દિવસની નરમાઈ બાદ ગઈ કાલે ૧૨૬૮ની સવા વર્ષની ટૉપ બનાવી ૨૫ ગણા કામકાજે ૭.૪ ટકા વધી ૧૨૨૯ બંધ થયો છે. વેલસ્પન કૉર્પને અમેરિકન કંપની તરફથી ૫૫૦૦ કરોડનો નવો ઑર્ડર મળતાં તેની ગ્લોબલ ઑર્ડર બુક ૫૦,૦૦૦ કરોડના બેસ્ટ લેવલે પહોંચી ગઈ છે. શૅર ઉપરમાં ૨૪૬૮ થઈ છેવટે સવા ટકો ઘટી ૨૪૦૨ બંધ રહ્યો છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ સિટી તરફથી આઇશર મોટર્સમાં ૮૮૫૦ની ટાર્ગેટ પ્રાઇસ વધારી ૭૨૦૦ તથા બજાજ ઑટોમાં ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. ગઈ કાલે આઇશર મોટર્સ નીચામાં ૬૯૧૫ થઈ એક ટકો ઘટી ૭૦૫૦, હીરો મોટોકૉર્પ ૪૯૯૪ થઈ એક ટકો ઘટી ૫૦૩૫ તથા બજાજ ઑટો નીચામાં ૯૯૮૯ બતાવી અડધો ટકો ઘટી ૧૦,૦૮૦ રહી છે. હીરો મોટોકૉર્પનાં રિઝલ્ટ ૨૮મીએ તથા બજાજ ઑટોનાં પરિણામ ૨૭મીએ છે. ઑટો એન્સિલિયરી કંપની ઍડ્યુરન્સ ટેક્નૉલૉઝિસમાં સીટએ ૩૫૫૦ની અપ-ગ્રેડેડ ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૨૧૫ થઈ ૪.૧ ટકા ગગડી ૨૨૪૫ બંધ હતો. એના પરિણામ ૩ નવેમ્બરે છે.
શ્રી સિમેન્ટ્સ આવક ૨૩.૮ ટકા વધીને ૫૮૯૭ કરોડ થઈ છે, નફો ૧૫ ટકાના ઘટાડે ૨૬૨ કરોડ રહ્યો છે. માર્જિન સવાત્રણ ટકા ઘટ્યું છે. શૅર નીચામાં ૨૧,૭૫૮ થઈ બે ટકા વધી ૨૨,૭૬૦ હતો. સ્ટીલ સ્ટ્રીપ્સ વ્હીલ્સની આવક ૬૦.૮ ટકા વધી ૧૯૩૦ કરોડ થઈ છે. નફો ૩૫ કરોડથી ઊછળી ૧૧૭ કરોડ જોવાયો છે. કંપનીએ ૧૪૦૦ કરોડના ખર્ચે ઔરંગાબાદ એટલે કે છત્રપતિ સંભાજીનગર ખાતે નવો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. શૅર ૩૮ ગણા વૉલ્યુમે ૪૬૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૨૦ ટકાની તેજીમાં ત્યાં જ બંધ થયો છે. એકના શૅરની બુકવૅલ્યુ ૧૧૯ રૂપિયાથી ય વધુ છે. મેઇડન બોનસની રાહ જોવાય છે.
માર્જિન ભીંસમાં રહેતાં કોલગેટમાં સાડાત્રણ વર્ષનું બૉટમ
સ્વિગી લિમિટેડે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૬ ટકા વધારામાં ૭૫૭૧ કરોડની આવક મેળવી છે. નેટ લૉસ ૧૦૯૨ કરોડથી ઘટી ૯૨૨ કરોડ રહી છે. જોકે જૂન ક્વૉર્ટરની ૭૯૨ કરોડની ચોખ્ખી ખોટના મુકાબલે આ ફીગર વધુ છે. નોમુરાએ ૩૦૦ તથા જેફરીઝે ૩૩૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ જાળવી રાખ્યો છે પણ શૅર ગઈ કાલે ૧૭૫ નીચેનું નવું લાઇફટાઇમ બૉટમ બનાવી ૧૬.૪ ટકાની ખરાબીમાં ૧૭૭ નજીક બંધ થયો છે. વર્ષ પૂર્વે, ૩૧ ઑક્ટોબરે ભાવ ૪૩૪ના શિખરે હતો. ઑલટાઇમ હાઈ ૬૧૭ની છે. સતત ખોટ કરતી આ કંપની નવેમ્બર ૨૦૨૪માં એકના શૅરદીઠ ૩૯૦ના ભાવથી ૧૧,૩૨૭ કરોડનો IPO લાવી હતી. એમાંથી ૬૮૨૮ કરોડની ઑફર ફૉર સેલ હતી. ૧૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ લિસ્ટિંગમાં ભાવ ૪૫૬ બંધ થયો હતો. ગોદરેજ પ્રૉપર્ટીઝની આવક ૭૪૦ કરોડથી તગડા વધારામાં ૧૯૩૫ કરોડ થઈ છે પણ નફો ૬૨ ટકા બગડી ૧૫૪ કરોડ થયો છે. શૅર નીચામાં ૧૪૬૮ થઈ સવાચાર ટકા તૂટી ૧૪૯૭ હતો.
કોલગેટ પામોલિવે સવાબાર ટકા વધારામાં ૧૭૦૬ કરોડ આવક ઉપર સવાચાર ટકા વૃદ્ધિદરથી ૩૪૨ કરોડ નેટ નફો દર્શાવ્યો છે. માર્જિન ત્રણેક ટકા ઘટ્યું છે. શૅર ૧૫૮૦ની સાડાત્રણ વર્ષની નીચી સપાટી બતાવી ૪.૮ ટકા ખરડાઈ ૧૬૦૪ થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં આ શૅર ૩૮૯૩ના સર્વોચ્ચ શિખરે ગયો હતો. કરસન પટેલની નુવાકો વિસ્તાસ કૉર્પોરેશને સાડાતેર ટકાના વધારામાં ૨૭૯૦ કરોડની આવક ઉપર ૮૧ ટકાના વધારામાં ૬૫ કરોડ નેટ નફો મેળવ્યો છે. શૅર દોઢા કામકાજે ઉપરમાં ૩૪૩ નજીક ગયા બાદ નીચામાં ૩૨૯ થઈ ૨.૨ ટકા ઘટી ૩૩૦ રહ્યો છે. બ્લુસ્ટોન જ્વેલરીની ત્રિમાસિક આવક ૪૫ ટકા વધી ૭૪૫ કરોડ થઈ છે. કંપનીની નેટ લૉસ બાવીસ કરોડ ઉપરથી ઘટી સાડાચાર કરોડ નીચે આવી છે. શૅર જોકે નીચામાં ૬૬૩ થઈ ચારેક ટકા લથડી ૭૩૧ હતો. ક્રેડિટ એક્સેસ ગ્રામીણની આવક ૩૧ ટકા વધી ૧૩૫૧ કરોડ અને નફો ૨૯૯ ટકા ઊછળી ૫૦૧ કરોડ વટાવી ગયો છે. શૅર ત્રણ ગણા વૉલ્યુમે ઉપર ૧૧૬૮ થયા પછી ૫.૫ ટકા ખરડાઈ ૧૦૩૦ હતો.
ઝેટવર્ક મૅન્યુફૅક્ચરિંગમાં સાડાઆઠ ટકા લિસ્ટિંગ લૉસ
ગઈ કાલે કુલ પાંચ IPO લિસ્ટેડ થયા છે. મેઇન બોર્ડમાં સુરતની સહજાનંદ મેડિકલ ટેક્નૉલૉઝિસ એકના શૅરદીઠ ૩૪૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૪૦થી શરૂ થઈ ઉપરમાં ૪૩ અને નીચામાં ૧૫ થયા બાદ છેલ્લે ચાલતા ૧૭ના પ્રીમિયમ સામે ૩૬૮ ખૂલી ૩૭૮ બંધ થતાં દસેક ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બૅન્ગલોરની ટોન્બો ઇમેજિંગ બેના શૅરદીઠ ૭૦૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૨૭૦થી શરૂ થઇ ઉપરમાં ૫૧૬ થયા બાદ છેલ્લે બોલાતા ૪૫૦ના રેટ સામે ૧૧૬૨ ખૂલી ૧૧૩૩ બંધ રહેતાં ૬૨ ટકા કે શૅરદીઠ ૪૩૪ રૂપિયા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બેંગ્લોર અર્બનની ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસ એકના શૅરદીઠ ૧૫૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૩૦થી શરૂ થઈ ઝીરો થઈ ગયા બાદ અંતે બોલાતા એકના પ્રીમિયમ સામે બિલોપાર, ૧૫૯ ખૂલી ૧૩૮ બંધ આવતાં ૮.૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કાંચીપૂરમની ઇટાલિયન મલ્ટિનૅશનલ બોનફીગ્લીયોલી ટ્રાન્સમિશન્સ ૧૦ના શૅરદીઠ ૫૮૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૩૭થી શરૂ થઈ ૧૭૮ થયા બાદ ઘટી છેલ્લે બોલાતા ૬૬ના પ્રીમિયમ સામે ભાવોભાવ ૫૮૬ ખૂલી નીચામાં ૫૨૭ બતાવી છેલ્લે ૫૭૬ બંધ રહેતાં ૧.૭ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. નવી દિલ્હીની SME કંપની શેલ્ઝ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૭૯ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થઈ ઉપરમાં ૪૬ થયા બાદ ફસડાઈ ૭ રૂપિયે આવી ગયેલા પ્રીમિયમ સામે ગઇ કાલે BSEમાં ભાવોભાવ, ૧૭૯ ખૂલી નીચલી સર્કિટે ૧૭૦ થઈ ત્યાં જ બંધ આવતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે.
દરમ્યાન આગલા દિવસે ૦.૩ ટકાના નામના લિસ્ટિંગ ગેઇનમાં ૨૯૦ નીચે બંધ થયેલી ફ્યુઝન સીએક્સ ગઈ કાલે નીચલી સર્કિટમાં ૨૬૧ નીચે નવા તળિયે જળને ત્રણેક ટકા ઘટી ૨૮૧ રહી છે. થાણેના બેલાપુરની રાવિતા એન્જિનિયરિંગ દોઢ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૧૪ નજીક બંધ આવ્યા પછી ગઈ કાલે ઉપલી સર્કીટે ૧૧૯ પ્લસના બેસ્ટ લેવલે જઈ ૪.૯ ટકા વધી ત્યાં જ બંધ થઈ છે. તાજેતરમાં જ લિસ્ટેડ થયેલી મુંબઈના મુલુન્ડ-વેસ્ટની એમ.ડી. ફાયર પ્રોટેક્ટ ૨૬૩નું નવું બૉટમ બતાવી પોણાચાર ટકા ગગડી ૨૬૬ તથા વૈભવ વ્યાપાર પાંચ ટકાની નીચલી સર્કિટે ૫૧ની અંદર જઈ એક ટકો ઘટીને ૫૩ નજીક રહી છે.