23 November, 2026 07:54 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય શૅરબજાર માટેનો આશાવાદ રાતોરાત વધી ગયો છે, કારણો જાહેર છે. તેમ છતાં ન દેખાય તો સમજવાનો સમય હજી પણ છે. થોડો વખત પહેલાંનાં તમામ નેગેટિવ પરિબળોમાં પરિવર્તન આવી ગયું છે. ગ્લોબલ રોકાણકારો ભારત તરફ પાછાં ફરી ગયા છે તો ભારતના રોકાણકારો કોની અને શેની રાહ જુએ છે?
અરેરે, અમે રહી ગયા, સમય ચૂકી ગયા... કેટલા નીચા ભાવે મળતા સ્ટૉક્સ ખરીદવાની તક ગુમાવી દીધી. ટ્રમ્પના તેવર, યુદ્ધનો તંગ માહોલ, ક્રૂડની ચિંતા અને ફૉરેન ઇન્વેસ્ટર્સના એકધારા વેચાણને કારણે સતત ઘટી-તૂટી રહેલા બજારમાં દિવાળીના દિવસોમાં અચાનક આવો જબરદસ્ત વળાંક આવશે એ ક્યાં ખબર હતી? ખબર તો છોડો, કલ્પના પણ કયાં હતી?
આવી વાતો હાલ રોકાણકાર વર્ગમાં ચાલી રહી છે એટલું જ નહીં; હવે શું કરવું, અત્યારના વધેલા-ઊંચા ભાવોએ ખરીદી કરવી કે કરેકશનની રાહ જોવી એવી મૂંઝવણની વાતો પણ ચાલી રહી છે.
ટ્રમ્પ સાહેબ મિડ-ટર્મ ઇલેક્શનમાં હારી ગયા અને અમેરિકાનું ચિત્ર બદલાવા સાથે વિવિધ દેશોના, ખાસ કરીને ભારતીય બજારોના દિવસો ફરી ગયા. છેલ્લાં બે સપ્તાહથી બજાર ઊંચે ને ઊંચે જવા લાગતાં રહી ગયા, ચૂકી ગયાની લાગણી ધરાવતો રોકાણકાર વર્ગ ખાસ્સો મોટો રહ્યો છે. અગાઉ આ વર્ગ બજારમાં રિકવરીની રાહ જોતો રહેતો હતો અને હવે આ વર્ગ કરેક્શનની રાહ જોયા કરે છે, જેથી હજી પણ નીચા ભાવે તક મળે તો ખરીદી કરે. જોકે આ શૅરબજાર છે, એમાં સમયનું જજમેન્ટ લેવું કાયમ કઠિન હોય છે. તેથી જ શાણા-સ્માર્ટ લોકો લાંબા ગાળાની ખરીદીની સલાહ આપતા રહે છે અને શૅરબજારમાં સફળ થવા માટે લૉન્ગ ટર્મ અભિગમ જ મહત્ત્વનો રહે છે.
બાય ધ વે, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને કૂદકા મારી-મારીને ઊંચે જઈ રહ્યા છે. વધારાની રસપ્રદ વાત એ છે કે બૅન્ક સ્ટૉક્સના ઉછાળામાં હાલ બૅન્ક નિફ્ટી પણ નવી વિક્રમી ઊંચાઇએ પહોંચી ગયો છે. ગયા સપ્તાહમાં ઉછાળા બાદ પ્રૉફિટ-બુકિંગ નિમિત્તે કરેક્શન પણ જોવાયું ખરું, જોકે સાધારણ કરેક્શન બાદ શુક્રવારે મોટી છલાંગ લગાવી સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈ તરફ આગળ વધ્યા હતા.
ટ્રમ્પસાહેબ આર્થિક વિકાસ માટે યુએસ ફેડરલ રિઝર્વને ભારત તરફ જોવાનું કહે છે
હવે ટ્રમ્પસાહેબે એક નિવેદનમાં ફરી વાર આપણા મોદીસાહેબનાં અને ભારતીય ઇકૉનૉમીનાં વખાણ કરતાં કહ્યું છે કે અમેરિકાના ફેડરલ રિઝર્વે ભારતીય રિઝર્વ બૅન્ક તરફ વ્યાજદર માટે નજર કરવી જોઈએ, નીચા વ્યાજદર સાથે ઊંચો ગ્રોથ હાંસલ કરી શકાય છે. જો ભારત સાત ટકા ઉપર ગ્રોથ હાંસલ કરી શકે છે તો યુએસ નીચા વ્યાજદર સાથે ૧૪ થી ૧૫ ટકા અને ૨૦ ટકા સુધીનો ગ્રોથરેટ કેમ હાંસલ ન કરી શકે? તેમણે વ્યાજદરની નીતિ માટે ફેડરલ રિઝર્વની ટીકા કરી છે. બાકી મોદી સાહેબ માટે તાજેતરમાં તેમણે કહ્યું હતું કે આ માણસ બરાબરનો ટફ માણસ છે. સમજો તો ઇશારા કાફી...
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
એક સકારાત્મક અહેવાલમાં રૂપિયો ડૉલર સામે સુધરીને સાત મહિનાની ઊંચી સપાટીએ આવ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે સારી નિશાની ગણાય.
આ બુલ માર્કેટમાં હાલ તો NSEના શૅરમાં પણ ઉછાળાને પગલે એ પાંચ લાખ કરોડ રૂપિયાની માર્કેટકૅપ ક્લબમાં પહોંચી ગયું છે. BSEનો શૅર પણ સતત બુલિશ ટ્રેન્ડમાં રહ્યો છે.
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા અમુક દિવસોમાં ગાબડાં પડ્યાં છે, જે રોકાણપ્રવાહને શૅરબજાર તરફ વાળે છે. જોકે અમુક વર્ગ આમાં કરેક્શનને ખરીદીની તક પણ માની રહ્યો છે.
ગ્લોબલ માર્કેટના ઘટાડાને લીધે બિટકૉઇનના ભાવ પણ તૂટીને બે વર્ષના નીચા સ્તરે પહોંચી ગયા છે.
FIIની નેટ ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.
સારા અહેવાલો અને સંકેતો
તાજા અહેવાલ મુજબ ભારતીય અર્થતંત્રનો વિકાસદર આ વર્ષના બીજા ક્વૉર્ટરમાં ૭.૭ ટકા રહેવાનો અંદાજ મુકાયો છે. આ માટેનાં પૉઝિટિવ પરિબળો આકાર પામ્યાં છે. એક તરફ ડિમાંડ, ઉત્પાદન, નિકાસ વૃદ્ધિ પામી રહ્યાં છે તો બીજી તરફ ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે, રૂપિયામાં સતત સુધારો થઈ રહ્યો છે. મજાની વાત એ પણ ખરી કે કૉર્પોરેટ અર્નિંગ્સ પણ સુધરી છે. અર્થાત્ બજારને દોડવા માટે મોકળો માર્ગ મળ્યો કહી શકાય. અમેરિકા સાથેના વેપારકરારો આગળ વધવાની આશા નક્કર બની છે. લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ મામલે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT)ના ચૅરમૅને તાજેતરમાં જ આ ટૅક્સ વિશે નિવેદન કરી રાહતની સંભાવના વિશે સંકેત આપ્યા છે. આ જાહેરાત બજેટમાં આવી શકે છે, જેમાં ફૉરેન ઇન્વેસ્ટર્સને રાહત આપવાની સંભાવના હશે, આ કરમાળખું તેમને અનુકૂળ બનાવવાનું લક્ષ્ય પણ હશે. જો આમ ખરેખર થયું તો સોનામાં સુગંધ ભળશે.
FII-DII-રીટેલ
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ફૉરેન ઇન્સ્ટિટયુશનલ ઇન્વેસ્ટર્સ (FII)નો ભારતીય ઇક્વિટીઝ માર્કેટ પરનો પ્રેમ છલકાઈ રહ્યો હોવાથી તેમની ખરીદી જોરમાં ચાલી રહી છે, જયારે સ્થાનિક સંસ્થાકીય ઇન્વેસ્ટર્સ જેઓ કરેક્શનના દોરમાં સતત માર્કેટનો ટેકો બની ખરીદી કરતા રહ્યા હતા તેઓ હાલ પ્રૉફિટના લાડુ ખાઈ રહ્યા છે. મંદીમાં નીચા ભાવે ખરીદવાના ખરા લાભનું મહત્ત્વ તેમણે સાબિત કર્યું છે. આ જ બાબત રીટેલ રોકાણકારોને પણ લાગુ પડે, પણ નાના રોકાણકારોની આર્થિક ક્ષમતા મર્યાદિત હોવાથી તેઓ આવો લાભ વધુ લઈ શકતા નથી, પણ કમ સે કમ આવા સમયમાં પૅનિકમાં વેચાણ નહીં કરવાનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકે છે.
ઍન્થ્રૉપિકનો ઐતિહાસિક IPO
હાલ જયારે વિશ્વમાં ગ્લોબલ ચિપ કંપની એન્વિડિયા પ્રકરણ ચર્ચામાં છે ત્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)) સેક્ટરની જાયન્ટ કંપની ઍન્થ્રૉપિકનો મૂડીબજારના ઇતિહાસનો સૌથી વિરાટ IPO (ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ) ગયા સપ્તાહમાં આવ્યો અને ઊંચા પ્રીમિયમે લિસ્ટેડ પણ થયો, જેનું વૅલ્યુએશન આશરે ૧.૩૩ ટ્રિલ્યન ડૉલર આસપાસ છે. આ કંપનીએ વેન્ચર કૅપિટલ, પ્રાવેટ ઇક્વિટી ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, કૉર્પોરેટ્સ અને સોવરેન વેલ્થ ફંડ્સ સહિત ટોચના ૩૦૦ ઇન્વેસ્ટર્સને કવર કરી લીધા છે. આ લિસ્ટિંગ સાથે એનું માર્કેટકૅપ વધુ ઊંચે ગયું છે. બીજી બાજુ AI કંપનીઓના ધબડકા સાથે સંબંધિત કંપનીઓના ભાવો પણ તૂટયા છે. યુએસના નૅસ્ડૅક એક્સચેન્જમાં પણ ભાવોમાં કરેક્શન થયાં છે, જ્યારે કે ઍન્થ્રૉપિકમાં ભારતીય રોકાણકારો મહત્તમ રસ લઈ રહ્યા છે.
AI બબલનો લાભ ભારતીય સ્ટૉક્સને
AI બબલ કે ગભરાટનો સારો એવો લાભ હાલ ભારતીય શૅરબજારને મળી રહ્યો છે. સાઉથ કોરિયા અને તાઇવાન સ્ટૉક માર્કેટમાંથી AI સ્ટૉક્સ-IT સ્ટૉક્સમાંથી નાણાં ઉપાડી ગ્લોબલ રોકાણકારો ભારતીય સ્ટૉક્સમાં વાળતા જાય છે. આ કાર્ય ઇન્ડિયા ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) માર્ગે થઈ રહ્યું છે. નવેમ્બરમાં ગ્લોબલ રોકાણકારોએ આપણી બજારમાં ૯ અબજ ડૉલરની નેટ ખરીદી કરી છે. આને માર્કેટ AI હેજિંગ તરીકે ઓળખાવે છે. અર્થાત્, AI સ્ટૉક્સના સંભવિત જોખમ સામે ભારતીય સ્ટૉક્સ પસંદ કરાઈ રહ્યા છે. ભારતીય શૅરબજારનું મહત્ત્વ આ માર્ગે પણ ગ્લોબલ ઇન્વેસ્ટર્સને સમજાઈ રહ્યું છે.
વીતેલા સપ્તાહમાં બજારની તેજીની ટ્રેન થોડી ધીમી પડી હતી, કંઈક અંશે ગ્લોબલ નકારાત્મક કારણો રહ્યાં તો કંઈક અંશે પ્રૉફિટ-બુકિંગ પણ કારણ બન્યું. યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજદર વધારવાની શક્યતા છે તેમ જ ઘરઆંગણે રિઝર્વ બૅન્ક પણ વ્યાજદર વધારે એવું બની શકે છે. જોકે માર્કેટનો ટ્રેન્ડ બુલિશ રહેવાનું નક્કી મનાય છે જેથી કરેક્શનને ખરીદીની તક નહીં બનાવનાર વર્ગ હજી પણ રહી ગયા, ચૂકી ગયાની લાગણી યા અફસોસમાં જ રહી જશે કે શું? . અલબત્ત, ખરીદીમાં સાવચેતી જરૂરી છે, વધુ પડતી ઉતાવળી કે બેફામ ખરીદી પણ ન કરવી જોઈએ.