પ્રાઇમરી માર્કેટમાં નવા વર્ષે નવો દાવ

04 November, 2024 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા વિક્રમ સંવતમાં ધમધમતી રાખવા આ અઠવાડિયે આવી રહ્યા છે પાંચ નવા ઇશ્યુ

આઈ પી ઓ

કવિ રવીન્દ્રનાથ ટાગોરનું એક સુપ્રસિદ્ધ વિધાન છે : આ જગતમાં આવનારું દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ઈશ્વર હજી મનુષ્યથી નિરાશ થયો નથી. 

અત્યારે શૅરબજારની સ્થિતિ સૌ જાણે જ છે. આમ છતાં નવા વર્ષના આ પ્રથમ સપ્તાહમાં નવા ઇશ્યુ એટલે કે IPO (ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ્સ) આવી રહ્યા છે જે દર્શાવે છે કે બજાર વર્તમાન સ્થિતિને સ્વીકારીને સતત નવું કરતા રહેવા માટે તૈયાર છે અને સક્ષમ છે. રોકાણકારો આ ઇશ્યુને કેવો પ્રતિસાદ આપે છે એ જોવું રસપ્રદ બની રહેશે. 

ચાલો, નવા વિક્રમ સંવતના પ્રારંભિક દિવસોમાં પ્રાથમિક બજારને ધમધમતું રાખનારા IPO પર એક નજર કરી લઈએઃ
પ્રથમ સપ્તાહમાં સ્વિગી લિમિટેડ, સેજિલિટી ઇન્ડિયા લિમિટેડ અને ઍક્મો સોલર હોલ્ડિંગ્સ લિ.ના IPO આવી રહ્યા છે. આ ઉપરાંત NSEના SME સેગમેન્ટ પર નીલમ લીનન્સ ઍન્ડ ગાર્મેન્ટ્સ ઇન્ડિયા લિમિટેડનો પણ ઇશ્યુ આવવાનો છે.

ઍક્મે સોલર હોલ્ડિંગ્સ

અક્ષય ઊર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીની આ કંપનીનો IPO ૬ નવેમ્બરે ખૂલી રહ્યો છે. ઍક્મે સોલરના ઇશ્યુમાં કુલ ૨૩૯૫ કરોડ રૂપિયા મૂલ્યના ૮.૨૯ કરોડ નવા શૅર ઇશ્યુ કરવામાં આવશે. ઑફર ફૉર સેલ મારફત ૧.૭૫ કરોડ શૅરનું વેચાણ કરાશે. ૮ નવેમ્બર સુધી ખુલ્લા રહેનારા અને NSE તથા BSE પર લિસ્ટિંગની તારીખ ૧૩ નવેમ્બર ધરાવનારા આ ઇશ્યુ માટે પ્રાઇસ-બૅન્ડ
૨૭૫-૨૮૯ રૂપિયા નક્કી કરવામાં આવી છે. રીટેલ રોકાણકારો ૫૧ શૅરની લઘુતમ લૉટ-સાઇઝ માટે અર્થાત્ ૧૪,૭૩૯ રૂપિયાના લઘુતમ રોકાણ માટે અરજી કરી શકશે. 

કંપનીએ ઇશ્યુમાં મળનારી રકમમાંથી કરજની ચુકવણી કરવાનું તથા કેટલીક રકમ સર્વસામાન્ય કૉર્પોરેટ હેતુસર વાપરવાનું આયોજન કર્યું છે. કૅફીન ટેક્નૉલૉજિસ લિમિટેડ આ ઇશ્યુની રજિસ્ટ્રાર છે. 

અહીં જણાવવું રહ્યું કે જૂન ૨૦૧૫માં સ્થપાયેલી ઍક્મે સોલર હોલ્ડિંગ્સ ભારતમાં પવનઊર્જા અને સૌરઊર્જામાંથી વીજળી પેદા કરનારી ટોચની કંપનીઓમાં સામેલ છે. મોટા પાયાના રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ સ્થાપવામાં એ નિપુણતા ધરાવે છે.

સેજિલિટી ઇન્ડિયા

સેજિલિટી ઇન્ડિયા એ આરોગ્યસેવાનાં સૉલ્યુશન્સ પૂરાં પાડનારી કંપની છે. એનો IPO પાંચમી નવેમ્બરે ખૂલશે અને ૭મીએ બંધ થશે તથા લિસ્ટિંગ ૧૨ નવેમ્બરે થશે.

કંપનીએ પ્રતિ શૅર ૨૮થી ૩૦ રૂપિયાની પ્રાઇસ-બૅન્ડ નક્કી કરી છે અને આ ઇશ્યુમાં ૭૦.૨૦ કરોડ શૅરનું ઑફર ફૉર સેલ મારફત વેચાણ થશે. કંપની આ ઇશ્યુ દ્વારા ૨૧૦૬.૫૯ કરોડ રૂપિયા ઊભા કરવા ધારે છે. બૅન્ગલોરસ્થિત આ કંપનીએ નેટ ઇશ્યુનો ૭૫ ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે, ૧૫ ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે અને ૧૦ ટકા હિસ્સો રીટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખ્યો છે. 

સેજિલિટી ઇન્ડિયા ભારતમાં રહીને અમેરિકાની આરોગ્ય વીમાની કંપનીઓને વિવિધ સૉલ્યુશન્સ અને સર્વિસિસ પૂરી પાડે છે. એના ઇશ્યુની રજિસ્ટ્રાર લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા લિમિટેડ છે. 
રીટેલ રોકાણકારો માટે લઘુતમ ૫૦૦ શૅરનો એક લૉટ રાખવામાં આવ્યો છે, જે પ્રાઇસ-બૅન્ડના ઉપલા ભાવે કુલ ૧૫,૦૦૦ રૂપિયાનું રોકાણ દર્શાવે છે. આ ઇશ્યુ ઑફર ફૉર સેલ હોવાથી એમાં મળનારી નેટ રકમ પોતાનો હિસ્સો વેચનારા શૅરધારકોને મળશે. 

સ્વિગી

ખાદ્ય પદાર્થો અને કરિયાણાની ડિલિવરી માટેનું ઑનલાઇન માધ્યમ સ્વિગી લિમિટેડ છઠ્ઠી નવેમ્બરે IPO લાવી રહી છે. એમાં ૪૪૯૯ કરોડ રૂપિયાના નવા તથા ૧૭.૫ કરોડ રૂપિયાના ઑફર ફૉર સેલના શૅર વેચાવા મુકાશે. કંપનીએ દરેક શૅર માટે ૩૭૧થી ૩૯૦ રૂપિયાની પ્રાઇસ-બૅન્ડ રાખી છે. કુલ શૅરમાંથી ૭.૫ લાખ શૅર કંપનીના નિશ્ચિત માપદંડ હેઠળ પાત્ર ઠરેલા કર્મચારીઓ માટે હશે, જેના પર દરેક શૅરદીઠ ૨૫ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ રહેશે. 

સ્વિગીના ઇશ્યુમાં રીટેલ રોકાણકારો ઓછામાં ઓછા ૩૮ શૅરનો એક લૉટ અને એના ગુણાંકમાં શૅર માટે અરજી કરી શકશે. ૩૮ શૅરના એક લૉટની કિંમત ૧૪,૮૨૦ રૂપિયા થશે. અર્થાત્ લઘુતમ રોકાણ ૧૪,૮૨૦ રૂપિયાનું હશે. આ IPO ૮ નવેમ્બરે બંધ થશે અને લિસ્ટિંગ ૧૩ નવેમ્બરે થશે. નોંધનીય છે કે સ્વિગી લિમિટેડના શૅરનું NSE અને BSE બન્ને એક્સચેન્જો પર લિસ્ટિંગ થશે. 

ઝોમાટોની આ પ્રતિસ્પર્ધી કંપની IPOમાંથી મળનારી કુલ રકમમાંથી ૧૩૪૩ કરોડ રૂપિયાનો ઉપયોગ પોતાની પેટાકંપની સ્કૂટ્સીમાં રોકાણ કરવા અર્થે તથા પોતાના ડાર્ક સ્ટોર્સના નેટવર્કનું વિસ્તરણ કરવા અર્થે કરવાની છે. આ ઉપરાંત ૭૦૩ કરોડ રૂપિયાનો ઉપયોગ ટેક્નૉલૉજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા હેતુ થશે. ૧૧૧૫.૩ કરોડ બ્રૅન્ડ માર્કેટિંગ અને બિઝનેસ પ્રમોશન માટે વપરાશે. ૧૩૭ કરોડ રૂપિયાની મદદથી કરજ ચૂકવવામાં આવશે.

નીલમ લિનન્સ ઍન્ડ ગાર્મેન્ટ્સ 

NSEના SME સેગમેન્ટ પર આવનારો નીલમ લિનન્સ ઍન્ડ ગાર્મેન્ટ્સનો IPO ૮ નવેમ્બરે ખૂલીને ૧૨ નવેમ્બરે બંધ થશે. એના દ્વારા ૧૩ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય છે. એમાં ૫૪.૧૮ લાખ નવા શૅર વેચાવા મુકાશે. કંપનીએ ઇશ્યુ માટે ૨૦-૨૪ રૂપિયાની પ્રાઇસ-બૅન્ડ નક્કી કરી છે. રીટેલ રોકાણકારો માટે ૬૦૦૦ શૅરની લૉટ-સાઇઝ રાખી છે. અર્થાત્ એમાં લઘુતમ રોકાણ ૧.૪૪ લાખ રૂપિયાનું હશે. 

આ કંપની સૉફ્ટ હોમ ફર્નિશિંગ્સનો બિઝનેસ કરે છે; જેમાં ચાદર, તકિયાનાં કવર, ડુવેટ કવર, ટુવાલ, શેતરંજી, શર્ટ્સ તથા અન્ય તૈયાર વસ્ત્રો સામેલ છે. કંપની આ વસ્તુઓનું પ્રોસેસિંગ, ફિનિશિંગ અને સપ્લાય કરે છે. 

IPOમાં મળનારી રકમનો ઉપયોગ મૂડીગત ખર્ચ માટે, કરજની ચુકવણી માટે તથા સર્વસામાન્ય કૉર્પોરેટ હેતુસર કરવામાં આવશે. શૅરનું લિસ્ટિંગ ૧૮ નવેમ્બરે થશે. 

વિશ્વભરમાં ભારતીય બજાર એકમાત્ર વૃદ્ધિ કરનારું બજાર રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં ઇક્વિટી માર્કેટમાં સારું એવું કરેક્શન આવ્યું છે, છતાં ૨૬ કંપનીઓએ ૭૨,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવા અને બીજી ૫૫ કંપનીઓએ ૮૯,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા માટેના ઇશ્યુ લાવવા SEBI (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)ને અરજી કરી રાખી છે. છેલ્લા અમુક IPOમાં ઝાઝી ઝમક રહી ન હોવા છતાં પ્રાઇમરી માર્કેટને ગતિશીલ રાખવા માટે નવા-નવા ઇશ્યુ આવતા રહેશે અને નવા વર્ષે નવો દાવ શરૂ થશે.

નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપની

નિવા બુપાનો ઇશ્યુ ૭ નવેમ્બરે ખૂલશે અને ૧૧મીએ બંધ થશે, જેમાં ૮૦૦ કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શૅર અને ૧૪૦૦ કરોડ રૂપિયાના ઑફર ફૉર સેલના શૅર વેચાવા મુકાશે. ઑફર ફૉર સેલમાં બુપા સિંગાપોર હોલ્ડિંગ્સ અને ફૅટલ ટોન એ બન્ને રોકાણકારો પોતાના હિસ્સાના શૅર વેચવાના છે. ઇશ્યુમાંથી મળનારી રકમનો ઉપયોગ મૂડીગત ખર્ચ માટે અને કરજની ચુકવણી માટે થશે. અહીં જણાવવું રહ્યું કે કંપનીએ પ્રાઇસ-બૅન્ડની જાહેરાત કરી નથી.

share market stock market ipo bombay stock exchange swiggy zomato sebi national stock exchange business news