હું ગ્રેટેસ્ટ નથી, હજી ઘણું અચીવ કરવાનું બાકી છે : નીરજ ચોપડા

29 August, 2023 01:48 PM IST  |  Budapest | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં ભારતના સૌપ્રથમ ગોલ્ડ મેડલવિજેતા બનેલા ભાલાફેંકના મૅજિકમૅને કહ્યું કે ‘ચેક રિપબ્લિકના યાન જેલેઝ‍્નીથી ગ્રેટેસ્ટ બીજું કોઈ નહીં’

નીરજ ચોપડા

જૅવલિન થ્રોમાં વિશ્વને ભારતે નીરજ ચોપડાના રૂપમાં નવો વર્લ્ડ ચૅમ્પિયન આપ્યો છે. રવિવારે રાતે હંગેરીના બુડાપેસ્ટમાં ૮૮.૧૭ મીટરના સૉલિડ થ્રો સાથે ભાલાફેંકમાં વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સનો પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય નીરજ બે વર્ષ પહેલાં ઑલિમ્પિક્સમાં ભાલાફેંકમાં જ સુવર્ણચંદ્રક જીતનારો પહેલો ભારતીય પણ બન્યો હતો. તે કૉમનવેલ્થ ગેમ્સનો, એશિયન ગેમ્સનો, એશિયન ચૅમ્પિયનશિપ્સનો, વર્લ્ડ અન્ડર-૨૦ ચૅમ્પિયનશિપ્સનો, ડાયમંડ લીગનો તેમ જ સાઉથ એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યો છે.

હરિયાણામાં જન્મેલો નીરજ ભારતીય લશ્કરમાં સુબેદારનો રૅન્ક ધરાવે છે. પચીસ વર્ષના નીરજે ટ્રૅક ઍન્ડ ફીલ્ડના ક્ષેત્રે જે અપ્રતિમ સિદ્ધિઓ મેળવી છે એ જોતાં રવિવારની રાતથી તેની ગણના ભારતના સર્વશ્રેષ્ઠ (ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ) ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઍથ્લીટ તરીકે થઈ રહી છે, પરંતુ ખુદ નીરજ સૌમ્ય અભિગમને જ વળગી રહ્યો છે. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ નીરજે કહ્યું કે ‘હું ક્યારેય પોતાને ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ તરીકે નહીં ઓળખાવું. એવું કહેવું મને જરાય નહીં ગમે. લોકો મને કહેતા હતા કે ચંદ્રકોની મારી ઝોળીમાં એકમાત્ર વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સનો ગોલ્ડ મેડલ ખૂટે છે. મેં એ જીતી લીધો, પરંતુ હજી મારે ઘણું બધું મેળવવાનું બાકી છે અને હવે પછી હું એ મેળવવા પર જ ધ્યાન આપીશ. મારી દૃષ્ટિએ ચેક રિપબ્લિકના યાન જેલેઝ‍્ની ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ છે.’

પાકિસ્તાની રનર-અપ પણ તિરંગામાં આવી ગયો

રવિવારે નીરજ ચોપડા ગોલ્ડ મેડલ જીત્યા પછી તિરંગા સાથે પોઝ આપી રહ્યો હતો ત્યારે પાકિસ્તાનનો અર્શદ નદીમ જે નીરજ પછી બીજા નંબરે આવ્યો હતો તે પણ તેની બાજુમાં ઊભો રહી ગયો હતો.

વર્લ્ડ રેકૉર્ડ કોનો છે?

ચેક રિપબ્લિકના યાન જેલેઝ્‍‍નીએ ૧૯૯૬માં ભાલો ૯૮.૪૮ મીટર દૂર ફેંક્યો હતો અને એ વિશ્વવિક્રમ હજી સુધી કોઈ તોડી નથી શક્યું. તેઓ ૫૭ વર્ષના છે અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સના અને ઑલિમ્પક્સના ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

પાકિસ્તાનનો નદીમ સેકન્ડ

નીરજે ફાઉલ થ્રો સાથે શરૂઆત કરી હતી, પરંતુ બીજા પ્રયાસમાં તેણે ભાલો ૮૮.૧૭ મીટર દૂર ફેંક્યો હતો જે તમામ સ્પર્ધકોમાં બેસ્ટ હતો. પછીથી નીરજે બાકીના ચાર પ્રયાસમાં ભાલો ૮૬.૩૨ મીટર, ૮૪.૬૪ મીટર, ૮૭.૭૩ મીટર અને ૮૩.૯૮ મીટર દૂર ફેંક્યો હતો. પાકિસ્તાનના અર્શદ નદીમે ભાલો વધુમાં વધુ ૮૭.૭૨ મીટર (ત્રીજા પ્રયાસમાં) દૂર ફેંક્યો હતો અને એ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ હોવાથી નીરજ તેનાથી આગળ હતો અને ગોલ્ડ જીતી ગયો હતો, જ્યારે નદીમના ફાળે સિલ્વર મેડલ આવ્યો હતો. ચેક રિપબ્લિકનો યાકુબ વાલેચ (૮૬.૬૭ મીટર) બ્રૉન્ઝ જીત્યો હતો.

ટૉપ-સિક્સમાં ત્રણ ભારતીય

ભાલાફેંકની વિશ્વસ્પર્ધામાં કિશોર જેના (૮૪.૭૭ મીટર) પાંચમા સ્થાને અને ડી. પી. મનુ (૮૪.૧૪) છઠ્ઠા સ્થાને રહ્યો હતો. આ ચૅમ્પિયનશિપ્સના ટોચના છ વિજેતાઓમાં ત્રણ ભારતીયો હોય એવું પહેલી જ વખત બન્યું છે.

હર્ષનાં આંસુ રોકી ન શક્યો

નીરજ રવિવારે હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી ભાવુક થઈ ગયો હતો. (તસ્વીર : એ.પી./પી.ટી.આઇ.)

ભારત પાસે ત્રણેય રંગના મેડલ

નીરજ રવિવારે વર્લ્ડ ઍથ્લેટિક્સની ભાલાફેંકની હરીફાઈમાં ગોલ્ડ જીત્યો. ગયા વર્ષે તે આ જ સ્પર્ધામાં સિલ્વર જીત્યો હતો. અંજુ બૉબી જ્યોર્જ ૨૦૦૩માં પૅરિસમાં લૉન્ગ જમ્પમાં બ્રૉન્ઝ જીતી હતી. એ સાથે આ સર્વોચ્ચ સ્પર્ધામાં ભારત ત્રણેય રંગના મેડલ જીતી ચૂક્યું છે.

૪ x ૪૦૦માં ભારતીયો પાંચમે

રવિવારે મેન્સની ૪ x ૪૦૦ રિલેમાં ભારતીયો મેડલ જીતશે એવી આશા હતી, પરંતુ તેઓ ૨ઃ૫૯.૯૨ના ટાઇમિંગ સાથે છેક પાંચમા સ્થાને આવ્યા હતા. પારુલ ચૌધરી ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝની ફાઇનલમાં છેક ૧૧મા નંબર પર રહી હતી. જોકે તેણે ૯ મિનિટ, ૧૫.૩૧ સેકન્ડનો નૅશનલ રેકૉર્ડ રચ્યો હતો જે અગાઉ લલિતા બાબર (૯ઃ૧૯.૭૬)ના નામે હતો.

બિન્દ્રાની જેમ નીરજની બે સિદ્ધિ

નીરજ ઑલિમ્પિક્સના ગોલ્ડ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સનો સુવર્ણચંદ્રક જીતનારો નિશાનબાજ અભિનવ બિન્દ્રા પછીનો બીજો ભારતીય છે.

ગોલ્ડનમૅન : નીરજ ચોપડા સાત વર્ષની ટૂંકી કરીઅરમાં સાત ગોલ્ડ મેડલ જીત્યો છે.

વર્લ્ડ ઍથ્લેટિક્સની ફાઇનલ જોવા મોડે સુધી જાગવા બદલ હું દેશવાસીઓનો આભાર માનું છું. આ મેડલ ભારતને અર્પણ કરું છું. હું હવે ઑલિમ્પિક ચૅમ્પિયન છું, હું હવે વર્લ્ડ ચૅમ્પિયન પણ છું. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવવા તનતોડ મહેનત કરતા રહો, બસ. આપણે બધાએ મળીને વિશ્વમાં ભારતનું નામ વધુ રોશન કરવાનું છે. : નીરજ ચોપડા

નીરજ સ્પોર્ટ્‍સ વિશ્વમાં ઉત્કૃષ્ટતાનું અજોડ દૃષ્ટાંત :મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ‍્વિટર પર ગોલ્ડનમૅન નીરજ ચોપડાની પ્રશંસામાં લખ્યું હતું કે ‘ટેલન્ટેડ નીરજ ચોપડા ઉત્કૃષ્ટતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેની સમર્પણ ભાવના, સચોટતા અને પૅશને તેને ઍથ્લેટિક્સમાં ચૅમ્પિયન તો બનાવ્યો જ છે, સમગ્ર ખેલકૂદ વિશ્વમાં તેની ઉત્કૃષ્ટતા અજોડ પ્રતીક બની ગઈ છે. વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ તેને અભિનંદન.’

મેરે દેશ કી ધરતી સોના ઉગલે... : ગાવસકર
ભારત આવતાં ૧૦-૧૫ વર્ષમાં ખેલકૂદ ક્ષેત્રે અગ્રેસર દેશોમાં ગણાવા લાગશે, એવું મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે ગઈ કાલે નીરજ ચોપડાની વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સની અસાધારણ સિદ્ધિના અનુસંધાનમાં તેની પ્રશંસા કરવાની સાથે ચેસ વર્લ્ડ કપના રનર-અપ આર. પ્રજ્ઞાનાનંદને તેમ જ વર્લ્ડ નંબર-વન ઍક્સલસનને હરાવીને વિશ્વસ્પર્ધાનો બ્રૉન્ઝ જીતનાર બૅડ‍્મિન્ટન-સ્ટાર પ્રણોયને બિરદાવ્યા હતા. સનીએ બે વર્ષ પહેલાં ટોક્યો ઑલિમ્પિક્સનો ગોલ્ડ જીતનાર નીરજ વિશે કહ્યું કે ‘તે ટોક્યોમાં ચૅમ્પિયન બન્યો ત્યારે હું ઇંગ્લૅન્ડમાં ક્રિકેટની સિરીઝ બાબતમાં વ્યસ્ત હતો. ત્યારે મેં નીરજને યાદ કરીને ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે...’ ગીતની પંક્તિઓ ગાઈને મન ખુશ કરી લીધું હતું. નીરજની આ વખતની સિદ્ધિ વખતે પણ મને એ ગીત ફરી યાદ આવી ગયું હતું. સચિને નીરજને અભિનંદન આપતાં લખ્યું હતું કે ‘આશા રાખીએ, તું જે ટુર્નામેન્ટમાં ભાગ લે એમાં મહેનતથી આ મુજબ જ ચમકતો રહે.’

ફેંકો તો ઐસે ફેંકો કિ ચાર લોગ... : સેહવાગ
હંમેશાં અલગ અંદાજમાં અભિનંદન આપવા માટે જાણીતા વીરેન્દર સેહવાગે ટ‍્વિટર પર લખ્યું કે ‘ફેંકો તો ઐસે ફેંકો કિ ચાર લોગ બોલે ક્યા ફેંકતા હૈ યાર. ૮૮.૧૭ મીટર દૂર ભાલા ફેંકા ઔર વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સ કા ગોલ્ડ જીત લિયા.’

 

neeraj chopra world athletics championships athletics sports news sports