સ્વદેશ પાછી ફરેલી વિનેશ ફોગાટનું જબરદસ્ત સ્વાગત- ઇસકે આગે સબ ઢેર હૈ યા છોરી બબ્બર શેર હૈ

18 August, 2024 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી ઍરપોર્ટ પર વિનેશ ફોગાટને મળ્યું ચૅમ્પિયન જેવું સન્માન અને સ્વાગત: પુષ્પવર્ષા થતાં હસી પડી, પણ મિત્રો અને માતાને જોઈને રડી પડી ભારતીય કુસ્તીબાજ

સ્વાગતની તસવીરો

પૅરિસ ઑલિમ્પિક્સમાં ૫૦ કિલોગ્રામ કૅટેગરીમાં ૧૦૦ ગ્રામ વજન વધુ હોવાથી ફાઇનલ ન રમી શકનાર ભારતની સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટ ગઈ કાલે બપોરે સ્વદેશ પાછી ફરી હતી. ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પરિવાર, મિત્રો અને ફૅન્સ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા ઑલિમ્પિક મેડલિસ્ટ ઉપરાંત પંચાયતના નેતાઓ પણ વિનેશને આવકારવા આવ્યાં હતાં. માતા અને મિત્રોને મળીને તે વારંવાર ભાવુક થતી જોવા મળી હતી.

દિલ્હી ઍરપોર્ટથી હરિયાણા સુધી તેણે ઓપન જીપમાં સવાર થઈને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય ચલણી નોટોના હાર અને પુષ્પવર્ષા સાથે તેનું એક મેડલિસ્ટ ચૅમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. કૉન્ગ્રેસના નેતા દીપેન્દર હૂડાએ વિનેશને ‘વિજયનું પ્રતીક’ ગદા આપી, જેને જોઈને વિનેશ ભાવુક થઈ ગઈ હતી અને તેના પતિ સોમવીરે તેને સાંત્વન આપ્યું હતું. વિનેશ ફોગાટ પૅરિસથી ભારતીય ટીમના પ્રમુખ ગગન નારંગ સાથે ભારત પાછી ફરી હતી.  પોતાના ગામ જતાં પહેલાં વિનેશે દિલ્હીના દ્વારકામાં એક મંદિરમાં પૂજા પણ કરી હતી. મોટી સંખ્યામાં સમર્થકોથી ઘેરાયેલી વિનેશના આગમન માટે ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી હતી. સિલ્વર મેડલની અપીલ ડિસમિસ થયા બાદ ૧૬ ઑગસ્ટે તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં તેણે તેનાં બાળપણનાં સપનાં અને તેના પિતાને ગુમાવ્યા પછી જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એ વિશે વાત કરી. તેણે તેની અસાધારણ યાત્રામાં લોકોના યોગદાનને પણ યાદ કર્યું હતું. 

તે ભલે મેડલ જીતી શકી ન હોય, પરંતુ અમારા માટે તે પહેલાંથી જ ચૅમ્પિયન છે. - સાક્ષી મલિક

તેમણે મને ગોલ્ડ મેડલ નથી આપ્યો, પરંતુ અહીંના લોકોથી મને જે પ્રેમ અને આદર મળ્યો છે એ ૧૦૦૦ ગોલ્ડ મેડલથી વધુ છે. - હરિયાણામાં વિનેશ ફોગાટનું નિવેદન

vinesh phogat wrestling paris olympics 2024 paris india sports news sports sakshi malik