12 May, 2023 10:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફુટબૉલના મેદાન પર ટેનિસ-લેજન્ડ જૉકોવિચ ટેનિસ-લેજન્ડ સર્બિયાનો નોવાક જૉકોવિચ બુધવારે ઇટલીના મિલાન શહેરમાં ઇન્ટર મિલાન અને અેસી મિલાન વચ્ચેની સેમી ફાઇનલ જોવા આવ્યો ત્યારે થોડી ક્ષણો માટે મેદાન પર આવીને તેણે ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. તસવીર એ. એફ. પી.
ચૅમ્પિયન્સ લીગ ફુટબૉલમાં બે તબક્કાની સેમી ફાઇનલ ચાલી રહી છે જેમાં મંગળવારે રિયલ મૅડ્રિડ અને મૅન્ચેસ્ટર સિટીની પ્રથમ તબક્કાની મૅચ ૧-૧થી ડ્રૉ રહ્યા બાદ બુધવારે બીજી સેમી ફાઇનલમાં ઇન્ટર મિલાને મિલાનડર્બી અને યુરોડર્બી તરીકે ઓળખાતા મુકાબલામાં એસી મિલાનની ટીમને ૨-૦થી હરાવી દીધી હતી. બન્ને ટીમ છેલ્લે સેમીમાં ૨૦૦૩માં ટકરાઈ હતી જેમાં એસી મિલાને ઇન્ટર મિલાનને સેમીમાં હરાવ્યા બાદ ફાઇનલમાં યુવેન્ટસને પરાજિત કરીને ટાઇટલ જીતી લીધું હતું.
મહાન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ એસી મિલાનનો ફૅન છે. બુધવારની મૅચ વખતે ૨૦૦૩ની મૅચના કેટલાક ખેલાડીઓ ઉપરાંત જૉકોવિચ પણ મિલાનના સ્ટેડિયમના એક સ્ટૅન્ડમાં બેઠો હતો. ઇન્ટર મિલાનના બેમાંથી એક ગોલ ઝેકોએ ૮મી મિનિટમાં અને બીજો ગોલ હેન્રિખ મિખિતારિયને ૧૧મી મિનિટમાં કર્યો હતો. હવે ઇન્ટર મિલાન અને એસી મિલાન વચ્ચેની સેમીના બીજા તબક્કાની નિર્ણાયક મૅચ આવતા અઠવાડિયે રમાશે.
મિલાનમાં બુધવારે ચૅમ્પિયન્સ લીગની સેમી ફાઇનલ દરમ્યાન ભારે રસાકસી વચ્ચે ઇન્ટર મિલાનના જૉકિન કોરીઆ (ડાબી તસવીરમાં ડાબે)ને બૉલ પર કબજો કરતો રોકી રહેલો અેસી મિલાનનો પીઅૅર કાલુલુ. થોડી વાર બાદ કાલુલુ (જમણી તસવીરમાં આગળ)ને ઇન્ટર મિલાનના રૉમેલુ લુકાકુએ પડકાર્યો હતો. એ. એફ. પી.