12 June, 2024 07:00 AM IST | Mumbai | Shailesh Nayak
અમેરિકાની ક્રિકેટ ટીમના ગુજરાતી કૅપ્ટન મોનાંક પટેલ તેના પપ્પા દિલીપ પટેલ સાથે
અમેરિકામાં રમાઈ રહેલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત-અમેરિકા વચ્ચે ન્યુ યૉર્કના મેદાનમાં રમાનારી મૅચમાં અમેરિકાની ટીમના ગુજરાતી કૅપ્ટન મોનાંકના પિતા દિલીપ પટેલ દીકરાને ભારત સામે ‘વિજયી ભવઃ’ના આશીર્વાદ આપશે. ક્રિકેટના મુકાબલામાં એક તરફ દીકરો અને બીજી તરફ દેશને લઈને કોને સપોર્ટ કરવો એ મુદ્દે દિલીપ પટેલ અસમંજસમાં મુકાયા છે. જોકે તેમણે ન્યુ જર્સીથી ‘મિડ-ડે’ને કહ્યું હતું કે દીકરા સાથે લાગણી જોડાયેલી છે, પણ જે સારું રમશે તેને સપોર્ટ કરીશ.
પાકિસ્તાનની ટીમે જેની કૅપ્ટન્સી હેઠળ પરાજયનો સામનો કરવો પડ્યો હતો એ અમેરિકાની ટીમના કૅપ્ટન મોનાંકના પિતા દિલીપ પટેલ દીકરાને મેદાનમાં રમતો જોવા માટે મધ્ય ગુજરાતના વલ્લભવિદ્યાનગર પાસે આવેલા મહેડાવ ગામથી અમેરિકા પહોંચ્યા છે. ભારત સામેની અમેરિકાની મૅચ પહેલાં દિલીપ પટેલે ન્યુ જર્સીથી ‘મિડ-ડે’ સાથે ખાસ વાત કરતાં કહ્યું હતું કે ‘અફકોર્સ, એક પિતા તરીકે હું તેને વિજય માટે આશીર્વાદ આપીશ. તે જે ટીમ વતી રમતો હોય એના વિજય માટે આશિષ આપીશ, કેમ કે દીકરા સાથે મારી લાગણી જોડાયેલી છે. ભારતની મૅચ હોય એટલે સ્વાભાવિક છે કે આપણે સૌ ભારતીય ટીમ સાથે જોડાયેલા હોઈએ. મારી લાગણી દીકરા મોનાંક સાથે રહેશે, પણ જે સારું રમશે તેને સપોર્ટ કરીશ. આવી મહત્ત્વની મૅચ હોય ત્યારે બને ત્યાં સુધી મોનાંકને તેની રીતે રમવા દઈએ. કયા લેવલે તે ક્રિકેટ રમે છે એની તેને ખબર છે. હા, એટલું જરૂર કહીશ અને ઇચ્છીશ કે તે સારું રમે. ઇન્ડિયન ટીમ સામે રમવું એ દરેક પ્લેયરનું સપનું હોય છે અને એ મૅચનો એક અલગ જ રોમાંચ હોય છે.’
પાકિસ્તાન સામેની મૅચમાં હાફ સેન્ચુરી ફટકારીને અમેરિકાની ટીમના રોમાંચક વિજયમાં મહત્ત્વનો રોલ અદા કરનાર મોનાંક પટેલના પિતાએ કહ્યું કે ‘પાકિસ્તાન સામેની મૅચ જીત્યા એમાં મને એટલો આનંદ થયો કે ન પૂછો વાત. એ મૅચમાં મોનાંક બૅટિંગ કરતો હતો ત્યારે એક-એક બૉલ બાદ તેનું કૉન્ફિડન્સ-લેવલ વધતું ગયું એ જોઈને મને લાગ્યું કે આજે તેનો દિવસ છે. જો મારા પિતાજી અને તેની મમ્મી હાજર હોત તો આનંદ બેવડાઈ ગયો હોત. પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું અને જીતવું એ બહુ મોટી વાત છે. અમેરિકાની ટીમના ખેલાડીઓ એક ટીમ તરીકે સારું રમ્યા હતા અને પાકિસ્તાન સામે ટીમનો વિજય થયો હતો. એ દિવસે હું ગ્રાઉન્ડ પર હતો અને મેં જોયું કે મૅચ પછી મોનાંક નૉર્મલ હતો. આ વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમે બે વિજય મેળવતાં ટીમનો કૉન્ફિડન્સ હાઈ થઈ ગયો છે. ઍઝ અ કૅપ્ટન મોનાંક પ્રેશર ફીલ નહોતો કરતો. મેં તેને કહ્યું હતું કે તમે તમારું પૅશન એન્જૉય કરો તો પ્રેશર હળવું થઈ જાય.’
મોનુના લાડકા નામથી જેને ફૅમિલી-મેમ્બર્સ બોલાવે છે એ મોનાંકના પિતા દિલીપ પટેલ અને કાકા ચિંતન પટેલ પણ ક્રિકેટ રમે છે. તેના કાકા સાથે મોનાંક પટેલે અમેરિકાની એક ટુર્નામેન્ટમાં વિજય પણ મેળવ્યો હતો એની વાત કરતાં ચિંતન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારો ભાઈ દિલીપ ઑલરાઉન્ડર છીએ. મોનુ અહીં આવ્યો ત્યારે મારી સાથે અહીંની ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમતો હતો. અમેરિકામાં ડાયમન્ડ માર્કેટવાળા ન્યુ જર્સીમાં ડાયમન્ડ ઍન્ડ કલર સ્ટોન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ રમાડે છે એમાં હું અને મોનુ સાથે રમ્યા હતા અને પાંચેક વર્ષ પહેલાં આ ટુર્નામેન્ટ જીત્યા પણ હતા. ઍક્ચ્યુઅલી દિલીપભાઈ અને અમે બધા આણંદ પાસે વલ્લભવિદ્યાનગર નજીક આવેલા મહેડાવ ગામના છીએ. ત્યાં તમાકુનો બિઝનેસ છે, પણ અમારી ફૅમિલીમાં ઘણા બધાને ક્રિકેટનો શોખ છે એટલે ક્રિકેટ રમીએ છીએ.’
પહેલી જૂને ટેક્સસના ગ્રૅન્ડ પ્રેરી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં અમેરિકાની ટીમે કૅનેડા સામે ચમત્કારિક વિજય મેળવીને અદ્ભુત શરૂઆત કરી હતી. એ વખતે ગૌરવ સાથે દિલીપ પટેલે કહ્યું કે ‘સ્ટેડિયમમાં અમારા પરિવારના પચીસ સભ્યો અને મિત્રો હાજર હતા અને ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. મોનાંકની ટીમ જીતી એ જોઈને અમને ઘણી ખુશી થઈ હતી. તેની વર્ષોની મહેનત રંગ લાવી હતી.’
મોનાંકને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાસેથી મર્યાદિત પ્રમાણમાં ટિકિટ મળી હતી છતાં તેનાં સગાંસંબંધીઓ તરફથી તેને અકલ્પનીય સપોર્ટ મળ્યો હતો. આ મુદ્દે બોલતાં ભાવુક દિલીપ પટેલે કહ્યું હતું કે ‘ICC પાસેથી મોનાંકને મર્યાદિત ટિકિટો મળી, પણ અમારા પરિવારજનોએ મોનાક પ્રત્યે સમર્થન દર્શાવવા ટિકિટો ખરીદી અને સ્ટેડિયમમાં હાજર રહી તેનો ઉત્સાહ વધાર્યો હતો. આવી સપોર્ટ સિસ્ટમ એક નવા દેશની ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે જરૂરી છે.’
પટેલ-પરિવાર માટે મોનાંક પટેલની સિદ્ધિઓ સપનું સાકાર થવા સમાન છે. ગર્વાન્વિત દિલીપ પટેલ કહે છે, ‘મોનાંક અમેરિકાની ટીમ માટે રમે છે એ અમારા માટે જ નહીં, તેની મમ્મી અને દાદા-દાદી માટે પણ ગૌરવની વાત છે. મોનાંકની મમ્મી થોડાં વર્ષ પહેલાં કૅન્સરમાં મૃત્યુ પામી હતી. મોનાંકને તેની મમ્મીની ગેરહાજરી વર્તાય છે પણ મોનાંક સિદ્ધિઓ મેળવીને મમ્મીને ગૌરવાન્વિત કરતો રહે છે.`