ચાર ફુટ ચાર ઇંચના ગોલ્ડ મેડલિસ્ટની ઇચ્છા પૂરી કરવા જમીન પર બેસી ગયા નરેન્દ્ર મોદી

13 September, 2024 11:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિવ્યાંગ ખેલાડીઓએ તીર અને સાઇન્ડ જર્સી ગિફ્ટ આપ્યાં, મેડલ અને થ્રોઇંગ આર્મ પર વડા પ્રધાનના ઑટોગ્રાફ પણ લીધા દિવ્યાંગ મેડલિસ્ટ્સે

નવદીપ સિંહ સાથે નરેન્દ્ર મોદી, અવનિ લેખરા સાથે નરેન્દ્ર મોદી, કપિલ પરમાર સાથે નરેન્દ્ર મોદી

પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર ૮૪ દિવ્યાંગ ખેલાડીઓ સાથે ગઈ કાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદીએ મેડલિસ્ટ સાથે ભાગ લેનાર તમામ દિવ્યાંગ ખેલાડીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમને અભિનંદન આપ્યાં અને પ્રોત્સાહિત કર્યા હતા. એ દરમ્યાન તીરંદાજ હરવિન્દર સિંહે વડા પ્રધાનને પોતાનું તીર ગિફ્ટ કર્યું હતું. આર્મલેસ તીરંદાજ શીતલદેવીએ પોતાના પગથી સાઇન કરેલી જર્સી વડા પ્રધાનને આપી હતી.

૨૯ મેડલ જીતનાર દિવ્યાંગ ટીમમાંથી જૅવલિન થ્રોઅર નવદીપ સિંહ સાથેની વડા પ્રધાનની મુલાકાત વાઇરલ થઈ હતી. ચાર ફુટ ચાર ઇંચનો આ ગોલ્ડ મેડલિસ્ટ પોતાના હાથે વડા પ્રધાનને કૅપ પહેરાવવા માગતો હતો અને તેની ઇચ્છા પૂરી કરવા ૧૪૦ કરોડ ભારતીયોના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમીન પર બેસી ગયા હતા એથી ૨૩ વર્ષનો આ ખેલાડી સહેલાઈથી વડા પ્રધાનને કૅપ પહેરાવી શક્યો. તે ડાબા હાથથી જૅવલિન થ્રો કરતો હોય છે, તેણે પોતાના એ જ થ્રોઇંગ આર્મ પર વડા પ્રધાનના ઑટોગ્રાફ લીધા હતા. આ મીટિંગ દરમ્યાન દિવ્યાંગ ખેલાડીઓએ કહ્યું હતું કે ‘બધા માટે PM એટલે પ્રાઇમ મિનિસ્ટર હશે, પણ અમારા માટે PM એટલે પરમ મિત્ર.’

આગામી પૅરાલિમ્પિક્સમાં દેશ તેની મેડલ ટેલીમાં સુધારો કરશે અને લૉસ ઍન્જલસ ૨૦૨૮ ગેમ્સમાં ૪૦થી ૫૦ મેડલ જીતશે. -  પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા (PCI)ના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝડિયા

paralympics 2024 paris olympics 2024 Olympics narendra modi sports sports news