23 October, 2026 08:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા અને પુરુષ કબડ્ડી ટીમનાં કૅપ્ટન અને વાઇસ કૅપ્ટન મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે.
સૌપ્રથમ વાર રમાનારી કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ ભારતના ગુજરાતમાં અમદાવાદ ખાતે આજથી યોજાશે. વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં આજથી ૩૧ ઑક્ટોબર દરમ્યાન પહેલી વાર રમાનારી આ ચૅમ્પિયનશિપમાં ૧૩ દેશોના ૪૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેવા અમદાવાદ આવી પહોંચ્યા છે.
ઇન્ટરનૅશનલ કબડ્ડી ફેડરેશનના જનરલ સેક્રેટરી તેજસ્વી ગેહલોતે કહ્યું હતું કે ‘આ ચૅમ્પિયનશિપમાં ભારત ઉપરાંત શ્રીલંકા, બંગલાદેશ, કેન્યા, કૅનેડા, સિંગાપોર સહિત ૧૩ દેશોની પુરુષ અને મહિલા ટીમો ભાગ લેશે. ૯ દિવસમાં કુલ ૬૨ મૅચ રમાશે. પુરુષોની કૅટેગરીમાં ૩૯ અને મહિલાઓની કૅટેગરીમાં ૨૩ મૅચ રમાશે. મહિલા અને પુરુષ કૅટેગરીમાં ચૅમ્પિયન બનનાર ટીમને પ્રથમ કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનની ટ્રોફી આપવામાં આવશે. આ ચૅમ્પિયનશિપ આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીની હાજરી વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.’
જિયોહૉટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ પર ચૅમ્પિયનશિપનું લાઇવ પ્રસારણ જોઈ શકશે.
ઍમેટર કબડ્ડી ફેડરેશન ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પી. ઠાકુરે કહ્યું હતું કે ‘પારિસ્તાનની ટીમને આવવું હતું, ભારત સરકારે પરમિશન આપી છે; પણ તેમની સરકારે છેલ્લી ઘડીએ ટીમને પરમિશન આપી નથી. ભારત સરકારે ખેલ માટે બધાને આમંત્રણ આપ્યું છે. બધાને આવવું હોય તો આવી શકે છે. ત્યાંનું કબડ્ડી ફેડરેશન ટીમને મોકલવા ઇચ્છતું હતું પણ તેમની સરકારે રોક્યા છે.’