11 December, 2022 07:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેધરલૅન્ડ્સને હરાવ્યા બાદ વિજયની ઉજવણી કરતો મેસી.
લિયોનેલ મેસીએ સ્વીકાર્યું કે નેધરલૅન્ડ્સને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે આર્જેન્ટિનાની ટીમે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેસીએ કહ્યું કે ‘અમે ખુશ છીએ. ઘણી મુશ્કેલ મૅચ હતી, પરંતુ એ વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલ હતી. સેમી ફાઇનલમાં જવા માટે જે જરૂરી હતું એ અમે કર્યું.’
મેસીને આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો, કારણ કે તેણે પહેલા ગોલ માટે નાહુએલ મોલિનાને સહાય કરી હતી અને પેનલ્ટી સ્પૉટ પરથી આર્જેન્ટિના માટે બીજો ગોલ કર્યો હતો. જોકે ડચ ટીમે પણ ૮૩મી મિનિટે અને એક્સ્ટ્રા ટાઇમમાં ગોલ કરતાં ફેંસલો પેનલ્ટી શૂટઆઉટમાં ગયો હતો. મેસી સ્પેનના રેફરી સામે પણ નારાજ હતો. તેણે કહ્યું કે ‘છેલ્લા ગોલ પર મને બહુ ગુસ્સો આવ્યો હતો. હું રેફરી સાથે વાત કરવા માગતો નહોતો, કારણ કે એમ કરવા જતાં તે તમને સસ્પેન્સ કરી શકે. જોકે લોકોએ જોયું હતું કે શું થઈ રહ્યું હતું. ફિફાએ પણ એ જોવું જોઈએ. તેમણે ટુર્નામેન્ટના આવા મહત્ત્વના તબક્કામાં આવા લોકોને રાખવા ન જોઈએ.’
આર્જેન્ટિનાની ટક્કર હવે ક્રોએશિયા સામે થશે, જેણે બ્રાઝિલને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું.