21 July, 2023 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતીય ફુટબૉલ ટીમે ગઈ કાલે એક મહત્ત્વની ઉપલબ્ધિ મેળવી હતી. ટીમ ઇન્ડિયાએ ૨૦૧૮ બાદ પહેલી વખત ફિફા રૅન્કિંગ્સમાં ટોચની ૯૯ ટીમમાં સ્થાન મેળવ્યું છે. સુનીલ છેત્રીના નેતૃત્વવાળી ભારતીય ટીમ સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશનની ચૅમ્પિયનશિપમાં મેળવેલા ટાઇટલને કારણે એક રૅન્કનો ફાયદો થતાં ૯૯મા ક્રમાંકે પહોંચી ગઈ હતી, જે કેટલાક સમયથી ૧૦૦ કે એથી વધુ ઉપર અટકી હતી. ભારતના હવે ૧૨૦૮.૬૯ પૉઇન્ટ થયા છે. ભારતે આ મહિનાની શરૂઆતમાં બૅન્ગલોરમાં રમાયેલી સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન ચૅમ્પિયનશિપમાં લેબૅનન અને કુવૈતને અનુક્રમે ફાઇનલ અને સેમી ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યા હતા. લેબૅનનને પણ બે પૉઇન્ટનો ફાયદો થયો છે, જેથી એ ૧૦૦મા ક્રમાંકે છે, જ્યારે કુવૈત ૪ ક્રમાંક આગળ વધીને ૩૭મા ક્રમાંકે પહોંચી ગયું હતું.