૧૦ મીટર ઍર રાઇફલ ટીમ ઇવેન્ટમાં મેન્સ ટીમે પણ સિલ્વર મેડલ જીત્યો

22 September, 2026 11:33 AM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના બે શૂટર્સના યોગદાન સાથે ટોટલ ૧૮૯૦.૧ના સ્કોરને કારણે ભારતીય ટીમ બીજા સ્થાને રહી

સિલ્વર મેડલ સાથે ડાબેથી રુદ્રાંક્ષ પાટીલ, હિમાંશુ ઢિલ્લોં અને પાર્થ રાકેશ માને

એશિયન ગેમ્સ 2026માં ગઈ કાલે ભારતે પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ ટીમ-ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રવિવારે ભારતની વિમેન્સ ટીમે આ જ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. મહારાષ્ટ્રના થાણેના ૨૨ વર્ષના રુદ્રાંક્ષ પાટીલે ૬૩૧.૮ પૉઇન્ટ, હરિયાણાના ૨૦ વર્ષના હિમાંશુ ઢિલ્લોંએ ૬૩૦.૦  પૉઇન્ટ અને મહારાષ્ટ્રના સોલાપુરના ૧૮ વર્ષના પાર્થ રાકેશ માનેએ ૬૨૮.૩ પૉઇન્ટ મેળવ્યા હતા. પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ચીને ૧૮૯૯.૦ પૉઇન્ટ સાથે ગોલ્ડ મેડલ, ભારતે ૧૮૯૦.૧ના સ્કોર સાથે સિલ્વર મેડલ અને સાઉથ કોરિયાએ ૧૮૮૪.૨ પૉઇન્ટ સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 

પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ સિંગલ્સ સ્પર્ધામાં પહેલી વખત બે મેડલ મળ્યા ભારતને

ભારતે એશિયન ગેમ્સની પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ સિંગલ્સ સ્પર્ધામાં બે મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો છે. હિમાંશુ ઢિલ્લોંએ ૨૫૨.૪ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે રુદ્રાંક્ષ પાટીલે ૨૩૦.૯ના સ્કોર સાથે બ્રૉન્ઝ મેડલ હાંસલ કર્યો. એશિયન ગેમ્સમાં પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ વ્યક્તિગત સ્પર્ધામાં બે ભારતીયોએ પોડિયમ સ્થાન મેળવ્યું હોય એવી આ પ્રથમ ઘટના છે.

asian games japan maharashtra india sports news sports