18 August, 2024 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાકા મહાવીર ફોગાટ, ગીતા, બબીતા અને અન્ય કઝિન બહેનો સાથે વિનેશ ફોગાટ, પતિ પવન સરોહા સાથે ગીતા ફોગાટ.
વિનેશ ફોગાટ ગઈ કાલે સ્વદેશ પરત ફરી એ પહેલાં તેણે ૧૬ ઑગસ્ટની સાંજે ૮ વાગ્યે ત્રણ પાનાંની લાંબી નોટ શૅર કરી હતી. આ નોટમાં તેણે પોતાના પરિવારની સાથે-સાથે તેના કોચ અને મિત્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો, પણ તેની કુસ્તીમાં મહત્ત્વનો ભાગ ભજવનાર કાકા મહાવીર ફોગાટનો તેણે ઉલ્લેખ નહોતો કર્યો. આ મુદ્દે તેની કઝિન બહેન ગીતા ફોગાટ અને બનેવી પવન સરોહાએ તેને સોશ્યલ મીડિયા પર ટૉન્ટ માર્યો હતો. વિનેશના પિતાના અવસાન બાદ કાકા મહાવીર ફોગાટે તેના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પોસ્ટના એક કલાક બાદ કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સના ચૅમ્પિયન કુસ્તીબાજ પવન સરોહાએ તેની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘વિનેશ, તેં બહુ સારું લખ્યું છે, પણ કદાચ આજે તું તારા કાકા મહાવીર ફોગાટને ભૂલી ગઈ છે જેમણે તારું કુસ્તીજીવન શરૂ કર્યું, ભગવાન તને સારી બુદ્ધિ આપે.’
કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો કુસ્તી ગોલ્ડ મેડલ અપાવનાર ગીતા ફોગાટે પતિની પોસ્ટની સાથે આવી ઘણી પોસ્ટને રીટ્વીટ કરી હતી જેમાં વિનેશ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ગીતાએ ૨૦૦૯નો એક ફોટો પણ રીટ્વીટ કર્યો જેમાં વિનેશ તેની કઝિન બહેનો અને કાકા મહાવીર ફોગાટ સાથે છે. ગીતાએ ટ્વિટર પર ટૉન્ટના અંદાજમાં લખ્યું હતું કે ‘કર્મોં કા ફલ સીધા સા હૈ, છલ કા ફલ છલ, આજ નહીં તો કલ.’