19 September, 2026 09:27 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
એશિયન ગેમ્સની મેડલ-ટૅલીમાં જપાન-ચીનનો જ રહ્યો છે દબદબો
જપાનના આઇચી-નાગોયામાં આજથી એશિયન ગેમ્સની વીસમી સીઝન શરૂ થશે. એશિયન ગેમ્સ 2026ની ઓપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે. ભારતમાં સોની નેટવર્ક પર એશિયન ગેમ્સનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકાશે.
એશિયન ગેમ્સનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ગેમ્સ મહત્ત્વપૂર્ણ બનશે. ૧૯૫૧માં ભારતની રાજધાની દિલ્હીમાં પહેલી વખત એશિયન ગેમ્સનું આયોજન થયું હતું.
માર્ચ ૧૯૫૧માં રમાયેલી એશિયન ગેમ્સમાં ૧૧ દેશોના ૪૮૯ રમતવીરોએ ૬ રમતોની ૫૭ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં સૌથી વધુ ૪ વખત એશિયન ગેમ્સ યોજાઈ છે. જપાનમાં ૧૯૫૮ અને ૧૯૯૪ પછી ત્રીજી વખત એશિયન ગેમ્સ યોજાશે.
છેલ્લાં ૭૫ વર્ષોથી ૧૯ એશિયન ગેમ્સની સીઝનમાં મેડલ-ટૅલીમાં જપાન અને ચીનનો દબદબો રહ્યો છે. ૧૯૭૮ સુધી પહેલી ૮ સીઝનમાં જપાન સતત સૌથી વધુ મેડલ જીતનાર ટીમ રહી હતી. ૧૯૮૨થી ૨૦૨૨ સુધી સતત ૧૧ સીઝનમાં ચીન નંબર વન રહ્યું છે. ઓવરઑલ મેડલ-ટૅલીમાં ચીન (૩૫૭૦ મેડલ) પહેલા ક્રમે અને જપાન (૩૨૪૨ મેડલ) બીજા ક્રમે છે.
જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026ની આજે ઓપનિંગ સેરેમની સાથે ઑફિશ્યલ શરૂઆત થશે. મહિલા શૂટર મનુ ભાકર અને વર્તમાન શૉટ પુટ ચૅમ્પિયન તજિંદરપાલ સિંહ તૂરને ભારતનાં ફ્લૅગબેરર એટલે કે ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
૨૪ વર્ષની મનુ ભાકર ૨૦૨૨નાં એશિયન ગેમ્સમાં પચીસ મીટર પિસ્તલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ૩૧ વર્ષનો તજિંદરપાલ સિંહ તૂર સતત બે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી રહ્યો છે.