11 June, 2023 10:55 AM IST | Mumbai | Yashwant Chad
રવિચન્દ્રન અશ્વિન
રવિચન્દ્રન અશ્વિનને ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલમાં રમાડવામાં ન આવ્યો એ મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. એ સાથે ઘણાને સહેજેય એ પ્રશ્ન પણ મૂંઝવી રહ્યો હશે કે ૯૨ ટેસ્ટમાં ૨૩.૯૩ની સરેરાશથી ૪૭૪ વિકેટ લેનાર અને પાંચ સેન્ચુરી ફટકારી ચૂકેલા ટેસ્ટ-વિશ્વના હાલના નંબર-વન બોલરનું હવે ભવિષ્ય શું?
લેફ્ટ-હૅન્ડ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે ઑફ સ્પિનર અશ્વિનની સરખામણી કરવી ઉચિત ન લેખાય, કારણ કે બન્ને અલગ પ્રકારના સ્પિનર છે.
ઓવલમાં પહેલી વાર જૂન મહિનામાં ટેસ્ટ રાખવામાં આવી એ પણ નવાઈની વાત છે ત્યારે ત્યાંની પિચ પર ઑસ્ટ્રેલિયાની ટીમના પાંચ-પાંચ લેફ્ટ-હૅન્ડ બૅટર્સને અવ્વલ ઑફ સ્પિનર અશ્વિન જરૂર મોટી મુસીબતમાં મૂકી શક્યો હોત.
યાદ છેને કે ભારતના ઘરઆંગણે અશ્વિને ઑસ્ટ્રેલિયન બૅટર્સ પર એવી ભૂરકી નાખેલી કે તે બૉલ હાથમાં લઈને આવતો ત્યારે બૅટર્સને ધ્રુજારી ચડી જતી.
અશ્વિન હરીફો પર હાવી થાત
ઓવલની પિચ પર ઉછાળ અને ટર્ન બન્ને સારા મળતા હોવાથી અશ્વિન આ વિકેટ પર ઑસ્ટ્રેલિયનો પર હાવી થયો હોત એવું ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ રવિ શાસ્ત્રી, રિકી પૉન્ટિંગ, સુનીલ ગાવસકર વગેરેનું માનવું હતું. સચિન તેન્ડુલકર તો અશ્વિનને હુકમનું પત્તું માનતો હતો. દેશના અતિ સફળ ઑફ સ્પિનરને કેમ ટેસ્ટની ફાઇનલમાં ન રમાડવામાં આવ્યો એનું કોઈ લૉલિડ રીઝન જ નથી સાંભળવા મળ્યું.
વર્લ્ડ કપ અસરદાર બનશે
ઘરઆંગણે હવે ઑક્ટોબર-નવેમ્બરમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાવાનો છે અને એ અરસામાં ભારતની પિચો સ્પિનર્સને મદદકર્તા હશે એવાં એંધાણ છે ત્યારે ૨૦૧૧ની એમએસ ધોનીની વિશ્વવિજેતા ટીમના પ્લેયર અશ્વિનને રમવાનો મોકો અચૂક મળશે એવી અપેક્ષા જરાય વધુપડતી નથી લાગતી. એ તો ઠીક, અશ્વિનની પસંદગી ઑલરાઉન્ડર તરીકે થાય તો પણ આશ્ચર્ય ન પામતા.
ટૂંકમાં, અશ્વિનને ઓવલ ટેસ્ટમાંથી પડતો મુકાયો એટલે તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું એવું જરાય ન માનતા. બલકે, અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં વધુ દૃઢતાથી કમબૅક કરશે અને કારકિર્દી આગળ ધપાવશે એમ નિશ્ચિત કહી શકાય. આમ ઓવલમાં ‘આઉટ’ થયેલો અશ્વિન નજીકના ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં પાછો ફરશે એટલે ‘નૉટઆઉટ’ જ કહી શકાય.
કૅપ્ટનના નિર્ણય વિશે નરી કૉન્ટ્રૅક્ટરનો રસપ્રદ કિસ્સો
ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરવાના રોહિત શર્માના નિર્ણય પર પણ ઘણી ચર્ચા થઈ છે. સ્ટીવ વૉએ કહ્યું કે ચાર વર્ષ પહેલાં ટિમ પેઇને પણ ઓવલમાં ઍશિઝની ટેસ્ટમાં ફીલ્ડિંગ પસંદ કરીને બ્લન્ડર કર્યું હતું અને પછી ઑસ્ટ્રેલિયા હાર્યું હતું. ભૂતપૂર્વ સુકાની નરી કૉન્ટ્રૅક્ટરે એક પત્રકાર-પરિષદમાં કહ્યું કે ‘ટીમમાં કોનો સમાવેશ કરવો, બૅટિંગ લેવી કે ફીલ્ડિંગ વગેરે નિર્ણય પર ટિપ્પણી કરવા જર્નલિસ્ટ્સ પાસે પૂરતો સમય હોય છે અને મૅચ પૂરી થયા બાદ રિપોર્ટ લખવાનો હોય છે, જ્યારે કૅપ્ટને તો દરેક બાબતમાં તાત્કાલિક નિર્ણય લેવાનો હોય છે, જેમાં તેને સફળતા મળે અને ન પણ મળે. હું તો કહું છું કે કૅપ્ટન ટૉસ વખતે મેદાન પર જે નિર્ણય લે એ જ સમયે પત્રકાર કે કટારલેખક દ્વારા વિશ્લેષણ થવું જોઈએ જેથી એવા સંજોગોમાં તેમના નિર્ણય ટીકાત્મક હોય તો પણ આવકાર્ય છે.’ ટૂંકમાં, મૅચ પૂરી થયા પછી તો બધા કહી શકે કે ફીલ્ડિંગ લેવાનો કે અશ્વિનને પડતો મૂકવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં.