કીર્તિ આઝાદનો બફાટ : ટ્રોફીને હનુમાન મંદિરમાં લઈ જવા બદલ ટીમ ઇન્ડિયાને શરમ આવવી જોઈએ

11 March, 2026 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનેક ક્રિકેટરો સહિત ચાહકોએ વળતો પ્રહાર કરીને વર્લ્ડ કપ જીતના માહોલમાં રાજકારણ ન કરવાની સલાહ આપી

ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય કીર્તિ આઝાદ

ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે મમતા બૅનરજીની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય કીર્તિ આઝાદે T20 વર્લ્ડ કપની ટ્રોફીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ આવેલા હનુમાન મંદિરમાં લઈ જવા બદલ આપત્તિ વ્યક્ત કરી હતી. સોશ્યલ મિડિયામાં આ મુદ્દે સવાલો ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે ‘આપણો દેશ ધર્મનિરપેક્ષ છે એટલે ટ્રોફીને કોઈ એક ચોક્કસ ધાર્મિક સ્થાને લઈ જવી એ યોગ્ય નથી. આ ટ્રોફી ૧.૪ બિલ્યન ભારતીયોની છે. ભારતીય ટીમ આખા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે છે, ફક્ત સૂર્યકુમાર યાદવ કે જય શાહના પરિવારનું નહીં.’

૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા ટીમના મેમ્બર કીર્તિ આઝાદે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટમાં બળાપો કાઢતાં લખ્યું હતું કે ‘શેમ ઑન ટીમ ઇન્ડિયા. અમે જ્યારે કપિલ દેવના નેતૃત્વમાં ૧૯૮૩માં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે હિન્દુ, મુ​સ્લિમ, સિખ અને ખ્રિસ્તી ટીમમાં હતા. અમે ત્યારે ટ્રોફી આપણા ધાર્મિક ધર્મસ્થાન આપણી માતૃભૂમિ-ઇન્ડિયા-ભારત-હિન્દુસ્તાનમાં લાવ્યા હતા. શા માટે ભારતીય ક્રિકેટની ટ્રોફીને વિવાદમાં ઘુસાડવામાં આવે છે. મસ્જિદમાં કેમ નહીં? ચર્ચમાં કેમ નહીં? ગુરદ્વારામાં કેમ નહીં? આ ટીમ ભારતનું પ્રતિધિત્વ કરે છે, નહીં કે સૂર્યકુમાર યાદવ કે જય શાહના પરિવારનું. સિરાજ તેને મસ્જિદમાં ન લઈ ગયો, સંજુ કે જેણે ભારતની જીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો, તે એને ચર્ચમાં ન લઈ ગયો. આ ટ્રોફી ૧.૪ બિલ્યન ભારતીયોની આસ્થાની છે, નહીં કે કોઈ એક ધર્મના વિજયોત્સવ માટે.’ સોશ્યલ મીડિયામાં કીર્તિ આઝાદના આ બફાટ બાદ તેઓ જ્યારે સંસદમાંથી બહાર આવ્યા ત્યારે પત્રકારોએ તેમને ઘેરી લીધા હતા. શરૂઆતમાં તેઓ પોતાના સ્ટૅન્ડ પર અડગ રહ્યા હતા, પણ જ્યારે પત્રકારોએ તેમને સીધો જ સવાલ કર્યો કે સૂર્યકુમાર યાદવ ટ્રોફીને મંદિરમાં લઈ ગયો એમાં ખોટું છું છે? કિર્તિ આઝાદ પાસે એનો કોઈ જવાબ નહોતો અને તેમણે ચૂપચાપ ચાલતી પકડી હતી.

ભજ્જી-કિશને આપ્યો પ્રતિઉત્તર

ચાહકો ઉપરાંત અનેક ક્રિકેટરોએ કીર્તિ આઝાદના બફાટ સામે નારજગી વ્યક્ત કરી હતી. ઈશાન કિશનને તેના હોમટાઉન પટનામાં જ્યારે પત્રકારોએ આ બાબતે પ્રતિક્રિયા પૂછી ત્યારે તેણે એને ઇગ્નૉર કરતાં કહ્યું હતું કે કોઈ સારા સવાલો પૂછો. જ્યારે હરભજન સિંહે એક ક્રિકેટર રહી ચૂકેલી વ્યક્તિ આવા સવાલો કરે છે અને તેમના રાજકારણ કરવા બાબતે દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ‘ભારતીય ટીમ ટ્રોફી મંદિર, મસ્જિદ કે ચર્ચ જ્યાં લઈ જવાની તેમની ઇચ્છા હોય ત્યાં લઈ જઈ શકે છે. જો તેમણે શ્રદ્ધાપૂર્વક ભગવાન પાસે કંઈ માગ્યું હોય અને એ મળી ગયા પછી તેમનો આભાર માનવા જાય તો એમાં ખોટું શું છે? દેશે વર્લ્ડ કપ જીત્યો છે. ખુશ થાઓ, ઉજવણી કરો, પણ તમે રાજકારણ કરવામાં વ્યસ્ત છો.’

kirti azad trinamool congress t20 world cup world cup indian cricket team team india india cricket news sports sports news narendra modi stadium ahmedabad ishan kishan harbhajan singh