23 February, 2021 12:21 PM IST | Ahmedabad | Agency
જેમ્સ ઍન્ડરસન
આવતી કાલથી મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ રમાવાની છે. આ મૅચ પિન્ક બૉલ વડે રમાશે જે ભારત માટે ઘરઆંગણે બીજી અને ઓવરઑલ ત્રીજી પિન્ક બૉલ ટેસ્ટ હશે. આ બન્ને દેશોની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ એ પહેલાંથી ઇંગ્લૅન્ડની રોટેશન પૉલિસી હેઠળ કેટલાક મહત્ત્વના ખેલાડીઓને આરામ આપવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં આ પૉલિસીના આલોચકોને ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને વળતો જવાબ આપ્યો છે અને એનું મહત્ત્વ જણાવ્યું છે.
જેમ્સ ઍન્ડરસને કહ્યું કે ‘તમારે વ્યાપક દૃષ્ટિકોણથી જોવું જોઈએ. આ પૉલિસી પાછળનો વિચાર એમ હતો કે જો હું બીજી ટેસ્ટ નથી રમતો તો ત્રીજી પિન્ક બૉલ ટેસ્ટની તૈયારી માટે મને વધારે સમય મળી રહેશે. હું સારું અનુભવી રહ્યો છું અને જો મને કહેશે તો હું પર્ફોર્મ કરવા તૈયાર છું. હા, ક્યારેક આ નિરાશાજનક હોય છે, પણ અમારે હજી વધારે ક્રિકેટ રમવાની છે જેને લીધે હું એને વ્યાપક દૃષ્ટિથી જોઉં છું. જ્યાં સુધી ઈજાની વાત છે તો એ ફક્ત મારા એક માટે નહીં, દરેક બોલર માટે એકસરખી વાત છે. અમે આ વર્ષે ૧૭ ટેસ્ટ મૅચ રમવાના છીએ અને પોતાના પ્લેયરોને ફિટ અને ફ્રેશ રાખવાનો સૌથી બેસ્ટ વિકલ્પ છે કે તેમને વચ્ચે-વચ્ચે આરામ આપવો.’
ઇંગ્લૅન્ડની રોટેશન પૉલિસી અંતર્ગત જૉની બેરસ્ટો અને માર્ક વુડને ઇન્ડિયા સામેની શરૂઆતની બે ટેસ્ટ મૅચમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું. જોકે હવે છેલ્લી બે ટેસ્ટ મૅચમાં તેમનો સમાવેશ થયો છે. મોઇન અલી પણ બીજી ટેસ્ટ મૅચ બાદ સ્વદેશ જતો રહ્યો હતો.