ટીનેજર વિરારકર આયુષ મ્હાત્રેની અણનમ સેન્ચુરી, મહારાષ્ટ્ર સામે મુંબઈ પ્રથમ દિવસે મજબૂત સ્થિતિમાં

19 October, 2024 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રને પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૨૬ રનમાં ઑલઆઉટ કરીને દિવસના અંતે મુંબઈએ ૩ વિકેટે ૨૨૦ રન બનાવીને ૯૪ રનની લીડ લીધી છે

આયુષ મ્હાત્રેએ ૧૬૩ બૉલમાં ૩ સિક્સર અને ૧૭ ફોર સાથે કરીઅરની પ્રથમ સેન્ચુરી ફટકારતાં અણનમ ૧૨૭ રન બનાવ્યા હતા

સીઝનની પ્રથમ મૅચમાં બરોડા સામેની હારને ભુલાવીને ૪૨ વખતની ચૅમ્પિયન મુંબઈએ ગઈ કાલે શાનદાર કમબૅક કર્યું હતું. ગઈ કાલે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં મહારાષ્ટ્રને પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૨૬ રનમાં ઑલઆઉટ કરીને દિવસના અંતે મુંબઈએ ૩ વિકેટે ૨૨૦ રન બનાવીને ૯૪ રનની લીડ લીધી છે.

મિત્ર પૃથ્વી શૉના બૅટથી ફટકારી સેન્ચુરી

વિરારમાં રહેતો આયુષ મ્હાત્રે તેની ત્રીજી જ ફર્સ્ટ ક્લાસ મૅચમાં સેન્ચુરી ફટકારીને તેની ટેલેન્ટનો પરચો આપી દીધો છે. મુંબઈએ એક સમયે ૨૪ રનમાં જ ઓપનર પૃથ્વી શૉ (૧) અને વન-ડાઉન બૅટર હાર્દિક તામોરે (૪)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ આયુષે કૅપ્ટન અજિંક્ય રહાણે (૩૧) સાથે ત્રીજી વિકેટ માટે ૯૯ રનની તથા શ્રેયસ ઐયર (અણનમ ૪૫) સાથે ચોથી વિકેટ માટે ૯૭ રનની અણનમ પાર્ટનરશિપ વડે ટીમને મજબૂત સ્થિતિમાં લઈ ગયો હતો. આયુષ ૧૬૩ બૉલમાં ૩ સિક્સર અને ૧૭ ફોર સાથે કરીઅરની પ્રથમ સેન્ચુરી ફટકારતાં અણનમ ૧૨૭ રન બનાવ્યા હતા.

આયુષે આ કમાલ તેનો મિત્ર અને સાથી ઓપનર પૃથ્વી શૉના બૅટ વડે કરી બતાવી હતી. પૃથ્વી પણ પહેલા વિરારમાં જ રહેતો હોવાથી આયુષ અને તેમની વચ્ચે લાંબા સમયથી મિત્રતા છે. આથી આયુષે બરોડાની મૅચ બાદ તેની પાસે બૅટ માગ્યું હતું. આ વિશે તેણે પ્રથમ દિવસની રમત બાદ જણાવ્યું હતું કે ‘મેં બરોડાની મૅચ વખતે પૃથ્વી પાસે તેનું બૅટ માગ્યું હતું અને તરત જ મને આપી દીધું હતું. આજે મેં એ જ બૅટ વડે મારી પ્રથમ સેન્ચુરી ફટકારી છે. હું તેને લાંબા સમયથી ઓળખું છું કેમ કે તે પણ વિરારમાં રહેતો હતો.’

આયુષ ગઈ કાલે મિત્ર સાથે ઓપનિંગમાં રમવા ઊતર્યો હતો પણ બન્નેની જોડી ૩ જ ઓવર સુધી ટકી હતી અને જેમાં તેમણે ૧૮ રન બનાવ્યા હતા.

કૅપ્ટન ઋતુરાજ ફ્લૉપ

ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં મહારાષ્ટ્ર ૩૧.૪ ઓવરમાં માત્ર ૧૨૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ખાતું ખોલાવ્યા વિના બીજા જ બૉલે આઉટ થઈ ગયો હતો. ઋતુરાજ સહિત ટીમના ચાર ખેલાડી શૂન્ય પર આઉટ થયા હતા. મુંબઈ વતી મોહિત અવસ્થી અને શામ્સ મુલાનીએ ૩-૩ અને શાર્દૂલ ઠાકુર અને રૉયસ્ટન ડાયસે ૨-૨ વિકેટ લીધી લીધી હતી.

ranji trophy ranji trophy champions maharashtra mumbai cricket news sports sports news