પહેલી ઇનિંગ્સમાં ૫૦૦ રન કર્યા પછી પણ એક ઇનિંગ્સથી પહેલી વાર હારી કોઈ ટીમ

12 October, 2024 12:06 PM IST  |  Multan | Gujarati Mid-day Correspondent

ઘરઆંગણે બંગલાદેશ સામે ટેસ્ટ-સિરીઝ હાર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ હવે નવા તળિયે

ગઈ કાલે પાકિસ્તાનને હરાવ્યા પછી પ્રેક્ષકોનું અભિવાદન ઝીલી રહેલા ઇંગ્લૅન્ડના પ્લેયર

ઘરઆંગણે મુલતાનમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાનના ભાગે અભૂતપૂર્વ નાલેશી આવી છે. ગઈ કાલે પાકિસ્તાન આ ટેસ્ટ એક ઇનિંગ્સ અને ૪૭ રનથી હારી ગયું હતું. પાકિસ્તાને પહેલાં બૅટિંગ કરીને ૫૫૬ રનનો તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો એ જોતાં આ પરાજય આંચકાજનક છે. કોઈ મૅચની પહેલી ઇનિંગ્સમાં ૫૦૦+ રન બનાવ્યા પછી પણ એક ઇનિંગ્સથી હારી જાય એવું ટેસ્ટ-ક્રિકેટમાં પહેલી વાર બન્યું છે.

પાકિસ્તાનના ૫૫૬ના સ્કોર સામે ઇંગ્લૅન્ડે ૭ વિકેટે ૮૨૩ રન ખડકી દીધા હતા અને ચોથા દિવસના અંત સુધીમાં ૧૫૨ રનમાં પાકિસ્તાનની ૬ વિકેટ પડાવી લીધી હતી. ગઈ કાલે છેલ્લા દિવસની રમત શરૂ થઈ ત્યારે પાકિસ્તાન હજી ૧૧૫ રન પાછળ હતું. જોકે એના બાકીના બૅટ‍્સમેનો ઝાઝું ટકી શક્યા નહોતા અને ટીમ ૨૨૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

બંગલાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટમાં પહેલી વાર અને સિરીઝ પહેલી વાર હાર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ માટે આ ફરી મોટું નીચાજોણું થયું છે. ઇંગ્લૅન્ડ સામેની આ હારને પગલે પાકિસ્તાન સતત ૬ ટેસ્ટમૅચ હાર્યું છે અને ઘરઆંગણે છેલ્લી ૯ ટેસ્ટમાં સાતમી વાર હાર્યું છે.

આ સદીમાં ૫૫૬ રનમાં આૅલઆઉટ થયેલી બધી ટીમો હારી ગઈ છે

ઇંગ્લૅન્ડ સામે ૫૫૬ રન કર્યા પછી પણ પાકિસ્તાન હાર્યું અને આટલો જ સ્કોર કર્યા પછી ૨૦૦૩માં ભારત સામે ઑસ્ટ્રેલિયા અને ૨૦૧૨માં વેસ્ટ ઇન્ડીઝ સામે બંગલાદેશ હાર્યું હતું. આ વખતે પાકિસ્તાન જોકે ૫૦૦ પ્લસનો સ્કોર કર્યા પછી એક ઇનિંગ્સથી હાર્યું એ એક નવો રેકૉર્ડ છે.

પાકિસ્તાન સતત છઠ્ઠી ટેસ્ટ હાર્યા પછી WTCના ટેબલમાં તળિયે

ઇંગ્લૅન્ડ સામેના ઘોર પરાજય પછી પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ટેબલમાં તળિયે પહોંચી ગયું છે. WTCની વર્તમાન સાઇકલમાં પાકિસ્તાન ૮ ટેસ્ટમાંથી માત્ર બે જીત્યું છે અને સતત ૬ હારી ગયું છે. WTCના પૉઇન્ટ‍્સ-ટેબલમાં ભારત પહેલા નંબરે છે.

સતત ૬ ટેસ્ટમૅચ હાર્યા પછી કૅપ્ટનના પદેથી શાન મસૂદની હકાલપટ્ટી નિશ્ચિત

ઇંગ્લૅન્ડ સામે શરમજનક હાર મળ્યા પછી પાકિસ્તાનના કૅપ્ટનપદેથી શાન મસૂદની હકાલપટ્ટી નિશ્ચિત જણાઈ રહી છે. શાન ટેસ્ટ-ક્રિકેટમાં કૅપ્ટન બન્યો એ પછી પાકિસ્તાન તમામ ૬ મૅચોમાં પરાજિત થયું છે, જેમાં બંગલાદેશ સામે પહેલી વાર ટેસ્ટમૅચ હારવા ઉપરાંત સિરીઝ પણ ૦-૨થી હારી ગયું હતું. શાનની જગ્યાએ હવે સાઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન અને સલમાન અલી આગાનાં નામ બોલાઈ રહ્યાં છે.

england pakistan test cricket cricket news sports sports news