✕

મુંબઈ સામે ફૉલો-ઑનના ચક્રવ્યૂહમાં ફસાયું હરિયાણા

29 October, 2026 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શતકવીર મુશીર ખાને પહેલી ઇનિંગ્સમાં ૬ વિકેટ લીધી.

મુંબઈના ૪૩૦ રન સામે હરિયાણા પહેલી ઇનિંગ્સમાં ૧૦૭.૫ ઓવરમાં ૨૭૦ રને ઑલઆઉટ થઈ ગયું હ

રણજી ટ્રોફીના ત્રીજા રાઉન્ડની મૅચમાં યજમાન મુંબઈ હરિયાણા સામે ઇનિંગ્સ જીતની નજીક પહોંચ્યું છે. મુંબઈના ૪૩૦ રન સામે હરિયાણા પહેલી ઇનિંગ્સમાં ૧૦૭.૫ ઓવરમાં ૨૭૦ રને ઑલઆઉટ થઈ ગયું હતું. ૧૬૦ રન જેટલી લીડ હાથમાં હોવાથી મુંબઈએ મહેમાન ટીમ હરિયાણાને ફૉલો-ઑન આપ્યું હતું. ત્રીજા દિવસના અંતે હરિયાણાએ બીજી ઇનિંગ્સમાં ૨૧ ઓવરમાં ૭૩ રને બે વિકેટ ગુમાવી હતી.

ત્રીજા દિવસે હરિયાણાએ ૧૦૮-૨ના સ્કોરથી પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. ત્રીજા ક્રમે રમીને નિશાંત સિંધુએ ૮ ફોર, ૧ સિક્સની મદદથી ૨૫૧ બૉલમાં અણનમ ૧૦૫ રન કર્યા હતા. હરિયાણાએ પોતાની અંતિમ પાંચ વિકેટ ૩૨ રનની અંદર ગુમાવી હતી. શતકવીર મુશીર ખાને સ્પિનર તરીકે મુંબઈ માટે ૩૧ ઓવરમાં ૮૫ રન આપીને ૬ વિકેટ લીધી હતી. અન્ય સ્પિનર્સ તનુષ કોટિયનને ૩ વિકેટ અને શમ્સ મુલાનીએ ૧ વિકેટ મળી હતી.

ફૉલો-ઑન પછી પણ નિશાંત સિંધુ ૫૯ બૉલમાં અણનમ બાવીસ રન કરીને રમી રહ્યો હતો. દિવસના અંતે મુશીર ખાન અને તનુષ કોટિયને ૧-૧ વિકેટ લીધી હતી.

૩૬ વર્ષે મુંબઈના કોઈ ખેલાડીએ સદી ફટકારીને પાંચ પ્લસ વિકેટ લીધી

મુશીર ખાન વર્તમાન ૨૧મી સદીમાં મુંબઈ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારવાની સાથે પાંચ વિકેટ લેનાર પહેલો બૅટર બન્યો છે. અગાઉ રવિ શાસ્ત્રી (૧૯૯૦-’૯૧માં મધ્ય પ્રદેશ વિરુદ્ધ), પોલી ઉમરીગર (૧૯૫૭-’૫૮માં મહારાષ્ટ્ર વિરુદ્ધ), વિનુ માંકડ (૧૯૫૩-’૫૪માં મદ્રાસ વિરુદ્ધ), દત્તુ ફડકર (૧૯૪૮-’૪૯માં મદ્રાસ વિરુદ્ધ) અને મદન રાયજી (૧૯૪૭-’૪૯માં મહારાષ્ટ્ર વિરુદ્ધ)એ મુંબઈ માટે આવી કમાલ કરી છે.

રણજી ટ્રોફીના ત્રીજા રાઉન્ડની મહત્ત્વપૂર્ણ અપડેટ

બરોડાએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીરને ફૉલો-ઑન આપ્યું છે. બરોડાના ૬૧૬ રનના સ્કોર સામે જમ્મુ ઍન્ડ કાશ્મીર બે સદીની મદદથી ૭૭.૫ ઓવરમાં ૩૦૩ રને ઑલઆઉટ થયું હતું. બરોડાના અતિત શેઠે ૪ વિકેટ અને ભાર્ગવ ભટ્ટે ૩ વિકેટ લીધી હતી.
ફૉલો-ઑન પછી બીજી ઇનિંગ્સમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયને ૬ ઓવરમાં ૮-૧નો સ્કોર કર્યો હોવાથી તેઓ હજી ૩૦૫ રન પાછળ છે.

ત્રીજા દિવસે ગુજરાતે મહારાષ્ટ્ર સામે ૧૩૦ રનની લીડ જાળવી રાખી હતી. ગુજરાતના ૨૨૩ રન સામે મહારાષ્ટ્રની ટીમે ૧૦.૩ ઓવરમાં ૩૩૦-૧૦નો સ્કોર કર્યો. ગુજરાતે બીજી ઇનિંગ્સમાં આર્ય દેસાઈના ૧૬૪ બૉલમાં અણનમ ૧૩૨ રનની મદદથી ૬૭ ઓવરમાં ૨૨૭ રને ત્રણ વિકેટ ગુમાવી હતી.

પહેલી ઇનિંગ્સમાં આસામના ૨૮૧ રન સામે સૌરાષ્ટ્રની ટીમે ૩૮૭ રન કર્યા હતા. ગઈ કાલે આસામે બીજી ઇનિંગ્સમાં ૨૬ ઓવર રમીને ૬૫ રને ૭ વિકેટ ગુમાવી હતી. એમાંથી સ્પિનર પાર્થ ભૂતે ૯ ઓવરમાં માત્ર ૭ રન આપીને ૬ વિકેટ લીધી હતી. પહેલી ઇનિંગ્સમાં તેણે ૩૨.૩ ઓવરમાં ૬૧ રન આપીને બે વિકેટ લીધી હતી.

રેલવેની ટીમ સામે તામિલનાડુએ પાંચ વિકેટે જીત નોંધાવી હતી. ૧૮૪ અને ૧૦૮ રન કરીને રેલવેએ માત્ર ૧૨૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૬૫ રન કરનાર તામિલનાડુએ બીજી ઇનિંગ્સમાં ૫૯.૧ ઓવરમાં ૧૩૦-૫ના સ્કોર સાથે ૧૨૯ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. તામિલનાડુનો કૅપ્ટન અને સ્પિન સાઈ કિશોર ૭ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

 

ranji trophy mumbai ranji team ranji trophy champions team india indian cricket team haryana cricket news sports news sports tamil nadu