16 April, 2025 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના અનુભવી સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને ૯.૭૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે તેણે વર્તમાન સીઝનમાં ૯.૯૦ની ઇકૉનૉમીથી રન આપ્યા છે અને છ મૅચમાં ફક્ત પાંચ વિકેટ લીધી છે. સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
મૅચ જીત્યા બાદ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એની પાછળનું કારણ જણાવતાં કહ્યું કે ‘અમે અશ્વિન પર ખૂબ પ્રેશર મૂકી રહ્યા હતા. તે પહેલી છ ઓવરમાં બે ઓવર ફેંકી રહ્યો હતો. અમે ફેરફારો કર્યા અને એ વધુ સારા આક્રમણ જેવું લાગે છે. બોલિંગ-યુનિટ તરીકે અમે સારું પ્રદર્શન કર્યું છે. બૅટિંગ-યુનિટ તરીકે અમે વધુ સારું પ્રદર્શન કરી શકીએ છીએ. ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે અમે ચર્ચા કરતા રહીએ છીએ.’
તામિલનાડુમાં જન્મેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે હાલમાં અશ્વિનના પ્રદર્શનને જોતાં તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવાનું સૂચન કર્યું હતું. શ્રીકાંતે વર્ષોથી પોતાના રાજ્યના આ અનુભવી ઑલરાઉન્ડરને તેની ક્રિકેટ-કરીઅરમાં આગળ વધવા માટે સમર્થન આપ્યું હતું.