23 December, 2024 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ કૈફ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે IPL 2021ની એક રસપ્રદ ઘટના વિશે ખુલાસો કર્યો છે. એ સમયે ઑસ્ટ્રેલિયન બૅટર સ્ટીવ સ્મિથ અને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન દિલ્હી કૅપિટલ્સનો ભાગ હતા.
ચોંકાવનારો ખુલાસો કરતાં તે કહે છે કે ‘એક દિવસ સ્મિથ જ્યારે નેટમાં બૅટિંગ કરવા આવ્યો ત્યારે મેં અશ્વિનને તેની સામે બોલિંગ કરવા કહ્યું, પરંતુ તેણે સ્મિથની હેલ્મેટમાં કૅમેરા લગાવેલો હોવાથી બોલિંગ કરવાની ના પાડી. તે વિડિયો રેકૉર્ડ કરીને એનો ઉપયોગ T20 વર્લ્ડ કપ માટે વિશ્લેષણ કરી શકતો હતો. ત્યારે જ હું અશ્વિનના રમતના ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી પ્રભાવિત થયો હતો. હું સ્મિથની હેલ્મેટ પર લગાવેલા કૅમેરાને જોઈ શક્યો નહીં, પરંતુ અશ્વિને એ પહેલાં જ જોઈ લીધો હતો. તે ટીમના સાથી તરીકે સ્મિથને મદદ કરવા તૈયાર હતો, પરંતુ વર્લ્ડ કપ માટે નહીં.’
T20 વર્લ્ડ કપ 2021માં અશ્વિન અને સ્મિથ પોતાની નૅશનલ ક્રિકેટ ટીમ માટે સિલેક્ટ થયા હતા. જો અશ્વિને તેની બોલિંગ સ્મિથની હેલ્મેટમાં લગાવેલા કૅમેરા સામે કરી હોત તો એનાથી ઑસ્ટ્રેલિયન ટીમને ઘણી મદદ મળી હોત.