23 March, 2025 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેન વિલિયમસન
IPL 2025માં ન્યુ ઝીલૅન્ડનો સ્ટાર ક્રિકેટર કેન વિલિયમસન પ્લેયર તરીકે નહીં પણ કૉમેન્ટેટર તરીકે જોવા મળશે. તેણે ૧૮મી સીઝનની શરૂઆતમાં જ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાને સમર્થન આપ્યું છે. પોતાના જૂના મિત્ર વિરાટ કોહલી વિશે વાત કરતાં તે કહે છે, ‘એમાં કોઈ શંકા નથી કે તે ફરીથી મોટો પ્રભાવ પાડશે, જેમ તેણે આ ટુર્નામેન્ટની લગભગ દરેક સીઝનમાં કર્યું છે. તે ચોક્કસપણે ઘણાં વર્ષોથી રમી રહ્યો છે. તેની શૈલી થોડી બદલાઈ ગઈ હશે, પણ તેનો જુસ્સો હજી પણ છે અને અમે તેના તાજેતરના પ્રદર્શનમાં પણ એ જોયું છે.’
પોતાની જૂની ફ્રૅન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સના ભૂતપૂર્વ કૅપ્ટન હાર્દિક પંડ્યા વિશે વિલિયમસન કહે છે, ‘હાર્દિક ઘણાં વર્ષોથી ટીમમાં છે અને તેણે ઘણા ઉતાર-ચડાવ જોયા છે. મને લાગે છે કે જ્યારે તમે થોડા પ્રેશરમાં હો અથવા વસ્તુઓ તમારી અપેક્ષા મુજબ ન ચાલી રહી હોય ત્યારે આ બધા અનુભવો તમને ઘણી મદદ કરે છે. તેની સાથે રમવાનો અને તેની કૅપ્ટન્સી હેઠળ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાવાનો હંમેશાં આનંદ રહ્યો છે.’